ભારતમાં 66 ટકા કર્મચારીઓ વર્ક પ્રેશરના કારણે તાણમાં
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે 66 ટકા કર્મચારી પોતાના હાલના કામની પદ્ધતિને કારણે વધુ બોજ અનુભવે છે
ભારતમાં સ્ટ્રેસ ઉર્ફે તાણ આમ પણ એક મોટી સમસ્યા બનતી જઈ રહી છે ત્યારે એક રિપોર્ટે આ મામલે લોકોને ગંભીરતાથી વિચારવા મજબૂર કર્યા છે. કંપનીઓમાં વધુ વર્ક પ્રેશરથી કર્મચારીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. એચઆર સર્વિસ અને વર્કફોર્સ સોલ્યૂશન્સ આપનારી કંપની જીનિયસ કન્સલ્ટન્ટ્સના રિપોર્ટ અનુસાર ભારતમાં ૬૬ ટકા કર્મચારી પોતાના હાલના કામની મેથડને કારણે વધુ બોજ અનુભવે છે અને તેમનું માનવું છે કે, તેમનું કામ અને જીવનનું સંતુલન ગંભીર રીતે ખોરવાઈ રહ્યું છે.
સર્વેમાં કહેવાયું છે કે, ૪૫ ટકાથી વધુ કર્મચારી દર રવિવારની સાંજે ચિંતા અને બેચેનીનો અનુભવ કરે છે જ્યારે તેમને સોમવારે કામ પર પરત ફરવાનું હોય છે. જ્યારે ૧૩ ટકા કર્મચારીઓએ આ અંગે મિશ્ર પ્રતિભાવ આપ્યો હતો. આ સિવાય ૭૮ ટકા લોકોએ જણાવ્યું છે કે, નોકરી પર સહકર્મીઓનું પ્રેશર અને મેનેજમેન્ટ કે સહકર્મીઓ સાથે વ્યવહારને લઈને તેઓ ચિંતામાં રહે છે.
આ પણ વાંચો: દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા ઊંચો
જીનિયસ કન્સલ્ટેન્ટ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આર.પી. યાદવે કહ્યું કે, 'આપણે એ જોવું પડશે કે માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ સંગઠનાત્મક સફળતાનું એક મહત્વપૂર્ણ પાસું છે. આંકડાઓથી જાણી શકાય છે કે મોટી સંખ્યામાં કર્મચારીઓ ચિંતાનો સામનો કરી રહ્યા છે અને પોતાના કામના સ્થળના વાતાવરણમાં બેચેની અનુભવી રહ્યા છે.
સર્વે કરનાર કંપનીનું કહેવું છે કે, કંપનીઓને માનસિક સ્વાસ્થ્ય અને વર્કિંગ લાઈફને પ્રાથમિકતા આપીને તે પ્રમાણે માહોલ તૈયાર કરવો પડશે.
આ રિપોર્ટ ૫ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં કામ કરનારા ૧૭૮૩ કર્મચારીઓ વચ્ચે કરાયેલા સર્વેક્ષણ પર આધારિત છે.
મોટાભાગના કર્મચારીઓનું કહેવું છે કે, ભારતમાં કંપનીઓ માત્ર પોતાનો નફો વધારવા પર ફોકસ ધરાવે છે. તેમને કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ સાથે ભાગ્યે જ ચિંતા સતાવે છે. વર્કલોડ અને ટોક્સિક વર્ક કલ્ચરના કારણે વધુને વધુ કર્મચારીઓનું આરોગ્ય બગડી રહ્યું છે.
આ પણ વાંચો: દલિત અત્યાચારના 97 ટકા કેસો માત્ર 13 રાજ્યોમાં નોંધાય છેઃ રિપોર્ટ