દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા ઊંચો

NCRB ના ડેટાના આધારે એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર ભારતના વસ્તી વૃદ્ધિ દરની સરેરાશ કરતા ઉંચો હોવાનું સામે આવ્યું છે.

દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા ઊંચો
image credit - Google images

કોટા જેવા એજ્યુકેશન હબમાં દર વર્ષે વિદ્યાર્થીઓની આત્મહત્યાના સમાચાર આવે છે ત્યારે બે ઘડી આપણે વિચારીએ છીએ કે તેને કદાચ ભણતરનું ભારણ વધુ હશે અથવા અન્ય કોઈ સમસ્યા હશે. પણ હાલમાં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના જે આંકડાઓ સામે આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે.

આ આંકડાઓ મુજબ ભારતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર દેશના વસ્તી વૃદ્ધિ દર કરતા વધારે છે. NCRB ના ડેટાના આધારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંકટ સતત વધી રહ્યું છે. દર વર્ષે આત્મહત્યાના દરમાં ૨ ટકાનો વધારો થાય છે, જ્યારે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪ ટકાનો વધારો થઈ રહ્યો છે. IC-3 સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટનું શીર્ષક છે ‘વિદ્યાર્થી આત્મહત્યાઃ ભારતમાં વકરતી જતી મહામારી’.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘છેલ્લા બે દાયકામાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં ૪ ટકાના દરે વધારો થયો છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણો છે. ૨૦૨૨માં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૩ ટકા છોકરાઓ હતા. ૨૦૨૧ અને ૨૦૨૨ની વચ્ચે તેમના આત્મહત્યાના કેસોમાં ૬ ટકાનો ઘટાડો થયો હતો અને છોકરીઓના આત્મહત્યાના કેસમાં ૭ ટકાનો વધારો થયો છે. આ આંકડા પરથી ખ્યાલ આવે છે કે, છોકરીઓ પણ શિક્ષણમાં ટોચનું સ્થાન હાંસલ કરવા દબાણ હેઠળ છે.

આ પણ વાંચો:  3 લાખ કરોડનું બજેટ છતાં ગુજરાતમાં 7 કરોડ પૈકી 1.2 કરોડ લોકો ગરીબ

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ એટલી ઝડપથી વધી છે કે વસ્તી વૃદ્ધિ દર કરતા પણ કુલ આત્મહત્યાના કેસની સરેરાશ વધારે છે. છેલ્લા દાયકામાં ભારતમાં ૦ થી ૨૪ વર્ષની વયજૂથના લોકોની સંખ્યા ૫૮૨ મિલિયનથી ઘટીને ૫૮૧ મિલિયન થઈ છે. તે જ સમયે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસો ૬,૬૫૪ની સામે વધીને ૧૩,૦૪૪ થઈ ગયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓની સરેરાશ સંખ્યા વધુ છે. આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આ રાજ્યોમાંથી આવે છે.

દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાત કરીએ તો દેશમાં આત્મહત્યા કરનારા કુલ વિદ્યાર્થીઓમાંથી ૨૯ ટકા વિદ્યાર્થીઓ અહીંના છે. રાજસ્થાન આ મામલે ૧૦માં નંબર પર આવે છે. રાજસ્થાનના કોટા શહેરમાંથી અવારનવાર વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવાના અહેવાલો સામે આવે છે. આ રિપોર્ટ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા પર આધારિત છે, જે દેશભરમાં નોંધાયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.