15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો

ભાજપ જ્યારથી સત્તામાં આવ્યો છે ત્યારથી તેના પર ચૂંટણીમાં ગેરરીતિઓ આચરીને જીતવાનો આક્ષેપ સમયાંતરે લાગતો રહે છે. હવે ભાજપના જ એક કાર્યકરે તેનો સ્વીકાર કર્યો છે.

15 નકલી મત તો મેં નાખ્યા હતાઃ ભાજપ કાર્યકરના વીડિયોથી હોબાળો મચ્યો
image credit - Google images

Sagar Loksabha News: છેલ્લી બે ટર્મથી જ્યારથી ભાજપ સત્તામાં છે ત્યારથી તેના પર ચૂંટણીઓમાં ઘાલમેલ કરીને જીતવાના આક્ષેપો લાગતા રહે છે. ઈવીએમમાં ચેડાં કર્યાના કેટલાક પુરાવા તો ગુજરાતની ચૂંટણીમાં પણ હાથ લાગ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં દાહોદ બેઠક પર સંતરામપુરના પરથમપુર ગામે ભાજપ નેતાના પુત્રે બૂથ કેપ્ચર કરીને તેનો વીડિયો વાયરલ કર્યો હતો અને ચૂંટણી રોકવી પડી હતી. આ વીડિયોમાં ભાજપ નેતાનો પુત્ર વિજય ભાભોર કહેતો હતો કે મશીન-બશીન આપણા બાપનું છે. એ ઘટનાએ ભાજપ ઘાલમેલ કરીને ચૂંટણી જીતતો હોવાનો પુરાવો આપ્યો હતો. હવે આવો જ એક વધુ પુરાવો મધ્યપ્રદેશમાંથી ભાજપના જ એક નેતાના વાયરલ વીડિયોમાંથી સામે આવ્યો છે. જેમાં તે પોતે સ્વીકારે છે કે, 15 જેટલા ખોટા મત તેણે નાખ્યા હતા અને વિપક્ષના બૂથ એજન્ટને અંદર ઘૂસવા નહોતો દીધો. વાયરલ આ વીડિયોને લઈને દેશભરમાં હોબાળો મચી ગયો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકરોનો મધ્યપ્રદેશમાં કથિત ચૂંટણી ગેરરીતિ અંગે ચર્ચા કરતો એક વીડિયો વાયરલ થયો છે. ફૂટેજમાં ભાજપના કાર્યકરો સાગર લોકસભાના સાંસદ લતા વાનખેડેને કોંગ્રેસના એજન્ટોને લટેરીમાં મતદાન મથકો પર બેસતા રોકવા વિશે કહેતા જોવા મળે છે. આ ખુલાસા બાદ કોંગ્રેસ પાર્ટીએ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વીડિયો સામે આવ્યા બાદ લતા વાનખેડેની મુશ્કેલીઓ વધી રહી છે.

સાગર લોકસભા બેઠકના સાંસદ લતા વાનખેડેએ વિદિશા જિલ્લાના લટેરી તાલુકાની મુલાકાત દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં લટેરી મ્યુનિસિપલ કાઉન્સિલના ચેરમેનના પતિ સંજય ભંડારી અને સિરોજ વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય ઉમાકાંત શર્માના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણીમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા ભંડારીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના એજન્ટોને ૧૩ મતદાન મથકોમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથીઃ અવધેશ પ્રસાદ

લતા વાનખેડેનો આ વીડિયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ચૂંટણી પંચ અને કોર્ટ બંનેના દરવાજા ખટખટાવવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના બ્લોક પ્રમુખ યદુવીર સિંહ બઘેલે કહ્યું, “આ નિષ્પક્ષ ચૂંટણીનું સ્પષ્ટ ઉલ્લંઘન છે કારણ કે ભાજપના નેતાઓ પોતે ખોટું મતદાન કર્યાની વાત સ્વીકારી રહ્યા છે.” 

તેમણે કહ્યું કે, આ મામલે પોલીસને પણ અરજી આપવામાં આવશે. વીડિયોમાં ભાજપનો એક કાર્યકર કહી રહ્યો છે કે, “લોકસભાની ચૂંટણીમાં મેં અને મારી ટીમે કોંગ્રેસના એક પણ પોલિંગ એજન્ટને લટેરીના ૧૩ મતદાન મથકો પર બેસવા દીધા ન હતા. અમે તેના માટે લડ્યા હતા, આમાંથી કોઈ નહોતું લડ્યું."

ત્યારે નજીકમાંથી એક અવાજ સંભળાય છે કે, "જો મેં ૧૫ નકલી વોટ નાખ્યા હતા. જો જેલમાં જવાનું થયું હોત તો હું ગયો હોત." આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ વીડિયો 30 ઓગસ્ટ 2024ના રોજ એક પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો હતો.

આ વીડિયોને લઈને વિદિશા ભાજપ જિલ્લા પ્રમુખ રાકેશ જાદૌન પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મેં હજુ એ વીડિયો જોયો નથી. આ ઘટનાને લઈને ફરી એકવાર ભાજપ તેના બૂથ કાર્યકરો અને પેજ પ્રમુખો દ્વારા ચૂંટણીમાં ઘાલમેલ કરતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોવાનું એ છે કે, વિપક્ષ કોંગ્રેસ આ મામલે શું કાર્યવાહી કરે છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતાએ મહિલાને નિર્વસ્ત્ર કરી રોડ પર ઢસડી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.