દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથીઃ અવધેશ પ્રસાદ

અયોધ્યામાં ભાજપને હરાવનાર ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના દલિત સાંસદ અવધેશ પ્રસાદે બજેટ મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી છે.

દૂરબીનથી જોયું, પણ બજેટમાં ક્યાંય અયોધ્યાનું નામ નથીઃ અવધેશ પ્રસાદ
image credit - Google images

સમાજવાદી પાર્ટીના ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદે લોકસભામાં બજેટને લઈને કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. બજેટ પરની ચર્ચામાં તેમણે સરકારની ટીકા કરતા -જણાવ્યું હતું કે, મેં બજેટના પહેલા 17-18 પાનાં જોયા, દૂરબીન લગાવીને જોયા, પણ તેમાં ક્યાંય અયોધ્યાનું નામ નથી. ચૂંટણી પહેલા ભાજપના નેતાઓ અને વડાપ્રધાન અયોધ્યા વિશે મસમોટા દાવાઓ કરતા હતા પણ જેવી અહીં ચૂંટણીમાં હાર થઈ કે તરત તેમનું વલણ બદલાઈ ગયું છે અને બજેટમાં તેમણે અયોધ્યાને કશું આપ્યું નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરતી ભાજપ સરકારે કેન્દ્રીય બજેટમાં દેશના સૌથી મોટા ધાર્મિક સ્થાન, શ્રીરામના જન્મસ્થાન અયોધ્યા રામમંદિર માટે પણ કોઈ જોગવાઈ કરી નથી.

અવધેશ પ્રસાદે ગૃહમાં કહ્યું, 'હું શ્રીરામ અને અશફાક ઉલ્લાહ ખાનની ભૂમિમાંથી આવ્યો છું. મેં નાણામંત્રીનું બજેટ ઘણી વખત દૂરબીનથી જોયું પરંતુ તેમાં અયોધ્યાનું નામ નથી. ભાજપે અયોધ્યા અને રામના નામે રાજનીતિ અને ધંધો કર્યો છે. ભાજપે અયોધ્યાના વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. હું દલિત સમાજમાંથી આવું છું અને અમારા નેતા અખિલેશ યાદવે મને જનરલ સીટ પરથી ટિકિટ આપી હતી.

આ પણ વાંચો: અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિમી વિસ્તારમાં ભાજપ જીતી ન શકી!

તેથી ૨૨ જાન્યુઆરીથી લઇને ચૂંટણી સુધી દેશના ખૂણે-ખૂણેથી લોકો મને હરાવવા આવ્યા હતા. પરંતુ જનતાએ મારી પર વિશ્વાસ મૂક્યો તેથી ભાજપની કારી ભાવી નથી. કારણ કે, અયોધ્યાના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. લોકોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બે-ત્રણ પેઢીઓ જૂનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. જેના કારણે ત્રણ મોત પણ થયા છે. કારણ વિના જ ગરીબોના મકાનો તોડી પાડીને તેમને બેઘર કરી દેવાયા, તેનો બદલો લોકોએ ભાજપને હરાવીને લીધો.

સપા સાંસદે વધુમાં કહ્યું કે, અયોધ્યામાં કરોડોના જમીન કૌભાંડો થયા. એક જમીન તો એવી હતી જે ૨ કરોડ રૂપિયામાં ખરીદી હતી અને બે કલાક પછી તેને ૧૮ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી હતી. જમીન કોણે ખરીદી છે તેની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ.

અવધેશ પ્રસાદે કહ્યું કે, ૨૦૨૭ની ચૂંટણીમાં યુપીમાંથી ભાજપનો સફાયો થઈ જશે. આ પછી ૨૦૨૯માં ભાજપ દેશ છોડી દેશે. અમારા નેતાએ વચન આપ્યું છે કે, તેઓ અયોધ્યાને એવું શહેર બનાવશે કે, જ્યાં દુનિયાભરમાંથી લોકો તેને જોવા આવશે. 

આ પણ વાંચો: ભાજપ ક્યાં ચૂક્યો? ૪૦૦ તો દૂર 250ના પણ ફાંફા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.