પાટડીમાં સફાઈકર્મીઓના મોત મામલે દલિતોએ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં દલિત સમાજમાં રોષ ફેલાયો છે.

પાટડીમાં સફાઈકર્મીઓના મોત મામલે દલિતોએ મૌન રેલી કાઢી વિરોધ નોંધાવ્યો
image credit: Google Images

પાટડીમાં ગટર સફાઈ દરમિયાન મોતને ભેટેલા બે સફાઈકર્મીઓના મામલામાં આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે કોઈપણ સફાઈકર્મીને ગટરમાં ઉતરીને સફાઈ કરવા મજબૂર ન કરવા. તેમ છતાં આ અધિકારીઓએ જેમને કોન્ટ્રાક્ટ ફાળવ્યો હતો તે કોન્ટ્રાક્ટરે બે દલિત સફાઈકર્મીઓને ગટરમાં ઉતાર્યા હતા. જેમાં બંનેનું મોત થઈ ગયું હતું.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે. જેને લઈને પાટડીમાં અનુસૂચિત જાતિ સમાજની મૌન રેલી સાથે ધરણા અને અડધો દિવસ સ્વયંભૂ બંધ પાળવાની સાથે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે આરોપી અધિકારીઓની ધરપકડની માગ કરી હતી. 

આ પણ વાંચોઃ ગટરની સફાઈ કરતાં કર્મચારીનું મોત થાય તો સરકારે રૂ.૩૦ લાખનું વળતર આપવું પડશે

ગટર સફાઈ દરમિયાન થયેલા ગેસ ગળતરથી બે યુવાનોના મૃત્યુના કેસમાં અનુસૂચિત જાતિ સમાજે મૌન રેલી અને પ્રતીક ધરણા યોજ્યા હતા. 21 જાન્યુઆરી, 2025ના રોજ નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પંપ હાઉસમાં કામ કરતા બે કર્મચારીઓ જયેશભાઈ પાટડીયા અને ચિરાગભાઈ પાટડીયાનું મોત થયું હતું.

મૃતકોના પરિવારજનોને સમાજ કલ્યાણ વિભાગ તરફથી એટ્રોસિટી એક્ટ હેઠળ રૂ. 4 લાખની સહાયમાંથી રૂ. 1 લાખનો પ્રથમ હપ્તો આપવામાં આવ્યો છે. વધુમાં, નગરપાલિકા દ્વારા બંને મૃતકોના પરિવારને રૂ. 30-30 લાખના વળતરના ચેક આપવામાં આવ્યા છે.

આ ઘટનામાં નગરપાલિકાના ચીફ ઓફિસર મોસમ પટેલ, સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ અને કોન્ટ્રાકટર સંજય પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ધરપકડ ન થતાં સમાજમાં રોષ ફેલાયો છે અને દલિત સમાજના લોકોએ આરોપી અધિકારીઓની ધરપકડની માંગ કરી છે.

આ મામલે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે.ડી. પુરોહિતે જણાવ્યું હતું કે, બંને આરોપી અધિકારીઓ ફરાર છે અને તેમની ધરપકડ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત છે. વિરોધ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર પાટડી નગર બપોરે 12થી 5 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ રહ્યું હતું. જોવાનું એ રહેશે કે સરકાર ખરેખર આ કેસમાં આરોપી અધિકારીઓને સજા કરે છે કે પછી અન્ય કેસોની જેમ તેમને છાવરે છે.

આ પણ વાંચોઃ પાટડીના મૃતક બંને સફાઈકર્મીઓના પરિવારને 30-30 લાખની સહાય અપાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.