13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી

13 વર્ષની દલિત સગીરા નિર્જળા પોતાની બહેનપણીઓ સાથે લગ્ન સમારોહ જોવા ગઈ હતી. ત્યાં તરસ લાગતા ડંકીએ પાણી પીવા ગઈ અને બીજા દિવસે જંગલમાંથી લાશ મળી.

13 વર્ષની દલિત સગીરાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી
image credit - Google images

ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના નૌગઢ તાલુકાના વિનાયકપુર ગામની ઘટના છે. ગામના જંગલ વિસ્તાર નજીક દલિતોની કઠાર વસ્તીમાં રહેતા રામનિહોર હરિજન(આ શબ્દ પર પ્રતિબંધ હોવા છતાં તેની અટક હરિજન હોવાથી લખવું પડ્યું છે.)ની 13 વર્ષની દીકરી નિર્જળાની અર્ધનગ્ન હાલતમાં ગળામાં પાયજામો વીંટેલી હાલતમાં લાશ મળી આવતા હોબાળો મચી ગયો છે. ઘટનાની જાણ થતા જ ચોતરફથી લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ અને ફોરેન્સિકની ટીમ પણ ત્યાં પહોંચીને તપાસ શરૂ કરી દીધી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

આરોપ છે કે, કોઈએ નિર્જળા સાથે દુષ્કર્મ કરીને તેણે પહેરેલા પાયજામાથી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અનિલકુમાર, નાયબ જિલ્લા કલેક્ટર આલોકકુમાર, કૃષ્ણમુરારી શર્માએ ઘટના સ્થળ પર પહોંચીને ગામલોકોના આક્રોશને શાંત પાડીને તેમને સમજાવીને ઘટના સ્થળ પર ફોરેન્સિક ટીમને તેમનું કામ કરવા દેવા માટે સમજાવ્યા હતા. પોલીસે ફોરેન્સિક તપાસ બાદ લાશને કબ્જામાં લઈને નૌગઢ પોલીસ સ્ટેશન તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો: મજૂરનો દીકરો મજૂર... જાણો દલિતની તુલનાએ સામાન્ય વર્ગના મજૂરોની હાલત 14 વર્ષમાં કેટલી સુધરી?

મળતી માહિતી પ્રમાણે નિર્જળા તેની બે બહેનપણીઓ કરીના અને પુષ્પાંજલિ સાથે ગામમાં યોજાયેલા ભાજપના નેતા રાજકુમાર વનવાસીની બહેનના લગ્નના સમારોહમાં ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ જોવા ગઈ હતી. રાતના 1 વાગ્યા આસપાસ તેને તરસ લાગતા તે નજીકમાં આવેલી ડંકીએ પાણી પીવા માટે ગઈ હતી. જો કે તેને ઘણું મોડું થઈ જતા તેની બંને બહેનપણીઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ તે મળી નહોતી. એટલે બંને પોતપોતાના ઘરે જઈને સુઈ ગઈ હતી. બીજા દિવસે સવારે નિર્જળાના પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કરી દીધું હતું ત્યારે વાસથી 500 મીટર દૂર જંગલમાં અર્ધનગ્ન હાલતમાં નિર્જળાની લાશ મળી આવી હતી. તેના ગળામાં તેણે પહેરેલો પાયજામો ભરાવેલો હતો. અને તેના ફ્રોક પરથી લોહીના છાંટા મળ્યા હતા. જેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે તેની સાથે દુષ્કર્મ થયું હતું અને પછી તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પણ વાંચો: આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

નિર્જળા મલેવરની માધ્યમિક વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. તેની માતા સુષમા દેવી, એક મોટી બહેન અને 2 નાના ભાઈઓની રોઈ રોઈને હાલત ખરાબ થઈ ગઈ છે.

સમગ્ર મામલે પોલીસ અધિકારી જિતેન્દ્ર બહાદુર સિંહનું કહેવું છે કે, લાશને કબ્જામાં લઈને અમે એફઆઈઆર નોંધી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ નિર્જળાનું મોત ક્યા કારણોસર થયું તેનો ખ્યાલ આવશે. પણ હાલ તો નાનકડા આ ગામના ગરીબ દલિત પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર દલિત વાસમાં સોંપો પડી ગયો છે.

આ પણ વાંચો: તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.