દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી

દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા, તેને એકતરફી પ્રેમ કરતા યુવકે કાવતરું રચી અપહરણ કરી હત્યા કરી લાશ નાળામાં ફેંકી દીધી.

દલિત શિક્ષકની મંગેતરના એકતરફી પ્રેમી યુવકે અપહરણ કરી હત્યા કરી
image credit - Google images

પ્રેમ આંધળો હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ અને તેના ગંભીર પરિણામો પણ જોયા-સાંભળ્યા છે. આવી જ એક ઘટનામાં સાવ નિર્દોષ દલિત શિક્ષકનો ભોગ લેવાયો છે. દલિત શિક્ષકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેને એક યુવક એકતરફી પ્રેમ કરતો હતો. જેવી તેને ખબર પડી કે તે જેને પ્રેમ કરે છે તે યુવતીના આ શિક્ષક સાથે લગ્ન થવાના છે, કે તરત તેણે શિક્ષક યુવકને ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એ પછી નિર્દોષ શિક્ષકને મોતને ઘાટ ઉતારી દીધાં.

મામલો ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો છે. અહીંના ચરથાવલ વિસ્તારમાં દલિત સમાજમાંથી આવતા 28 વર્ષીય શિક્ષક યોગેશ કુમારની હત્યાની ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. બરલા ઇન્ટર કોલેજમાં હિન્દી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પોતાની પ્રામાણિકતા અને નિષ્ઠા માટે જાણીતા યોગેશના જીવનનો આટલો દુઃખદ અંત આવશે તેની કોઈએ કલ્પના નહોતી કરી. રસૂલપુર ગામના જંગલમાં નાળામાંથી તેમની લાશ મળી આવી હતી, જ્યાં તેને લાકડીઓ વડે નિર્દયતાથી મારવામાં આવ્યા હતા. અપહરણ અને એકતરફી પ્રેમના કારણે બનેલી આ જઘન્ય ઘટનાએ પરસ્પર સમજણ પર પણ સવાલો ઉભા કરી દીધાં છે.

અપહરણ અને હત્યાનું કાવતરું

શિક્ષક યોગેશ કુમારના અપહરણની ફરિયાદ તેની બહેન સિમલેશ દ્વારા નોંધાવવામાં આવી હતી. તેણે જણાવ્યું કે રસૂલપુરના રહેવાસી પરમજીત અને અમિતે અગાઉ પણ તેના ભાઈને ધમકી આપી હતી. સોમવારે રાત્રે દાખલ કરવામાં આવેલી આ ફરિયાદે થોડા કલાકોમાં જ એક ભયંકર સત્યનો પર્દાફાશ કર્યો. કાર્યવાહી કરતા પોલીસે આરોપી પરમજીતની સૈયદપુરા શનિદેવ મંદિર નજીકથી ધરપકડ કરી હતી અને તેણે આપેલી માહિતીના આધારે શિક્ષક યોગેશનો મૃતદેહ કબજે કર્યો હતો. હત્યા પાછળનું કારણ તે યુવતી હતી જેની સાથે યોગેશની 8 ડિસેમ્બરે સગાઈ થવા જઈ રહી હતી. અમિત આ યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો અને યોગેશ સાથે તેની સગાઈ થવાની હોવાનું જાણીને તેણે તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો.

કારમાં અપહરણ કરી જંગલમાં લઈ જઈ ગળું દબાવી દીધું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યાના દિવસે પરમજીત અને અમિતે મળીને યોગેશનું તેમની કારમાં અપહરણ કર્યું હતું. એ પછી તેને જંગલમાં લઈ જઈ લાકડી વડે માર માર્યો અને દોરડા વડે ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને નાળામાં ફેંકી દીધી હતી. પોલીસે ઘટના સ્થળેથી કાર, હત્યામાં વપરાયેલી બે લાકડીઓ અને દોરડું કબજે કર્યું છે. ધરપકડ બાદ પરમજીતે કબૂલ્યું હતું કે અમિતે શિક્ષક યોગેશના યુવતી સાથે લગ્ન થવાના હોવાથી આ કાવતરું ઘડ્યું હતું.

આરોપી પરમજીત જે શિક્ષકનો કૌટુંબિક ભાઈ હતો તે થોડા વર્ષો પહેલા અટાલી ગામમાંથી રસૂલપુરમાં સ્થાયી થયો હતો. બંને પરિવારો વચ્ચેના સંબંધો પહેલાથી જ વણસેલા હતા, જે આ ઘટના પાછળ બીજું કારણ હોઈ શકે છે. જોકે મુખ્ય કારણ અમિતનો એકતરફી પ્રેમ અને ઈર્ષ્યા હતી.

ફરાર આરોપીઓની ધરપકડ અને શોધખોળ ચાલુ

પોલીસે પરમજીતની ધરપકડ કરી લીધી છે, પરંતુ મુખ્ય આરોપી અમિત હજુ ફરાર છે. પોલીસ તેને જલ્દી પકડવા માટે દરોડા પાડી રહી છે. બુઢાણાના પોલીસ અધિકારી ગજેન્દ્ર પાલ સિંહે કહ્યું કે આ ઘટનાએ સમાજમાં પ્રેમ અને વિશ્વાસની વ્યાખ્યાને હચમચાવી દીધી છે. 

આ હત્યાએ ન માત્ર એક નિર્દોષ શિક્ષકનો જીવ લીધો છે, પરંતુ પ્રેમ, ઈર્ષ્યા અને સંબંધોમાં તણાવ કેટલો વિનાશક હોઈ શકે તેની પણ સમાજને ચેતવણી આપી છે. આ ઘટના એ પણ સ્પષ્ટ કરે છે કે કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવી કેટલી જરૂરી છે, જેથી આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.

આ પણ વાંચો:  ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.