ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?
ભાજપનો નેતા દલિત પરિવારને મારવા બંદૂક લઈને પહોંચી ગયો, દલિત મહિલાને રસ્તા વચ્ચે ઢસડી અને તેના બાળકોનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો.

મધ્યપ્રદેશના જબલપુરમાં દલિત પરિવારની જમીન પડાવી લેવા માટે થઈને ભાજપના એક સ્થાનિક નેતાએ દલિત પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિવારની મહિલાને વાળ પકડી રસ્તા વચ્ચે ઢસડીને અપમાનિત કરી હતી. એટલું જ નહીં માથાભારે આ નેતા દલિત પરિવારના ઘરે બંદૂક લઈને પહોંચી ગયો હતો અને દલિત બાળકોનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. દલિત પરિવારના કહેવા પ્રમાણે છેલ્લાં 30 વર્ષથી જે જમીન પર તેઓ રહે છે તે ભાજપના નેતા પડાવી લેવા માંગે છે. તેના માટે તે વારંવાર દલિત પરિવારને હેરાન-પરેશાન કરતો રહે છે. ખોટા વાંધા ઉભા કરીને દલિત પરિવારને અહીંથી ખદેડવા માંગે છે.
ભાજપ નેતાએ સાગરિતો સાથે હુમલો કર્યો
સોમવારે દલિત પરિવાર પોતાના ઘરની બહાર બાથરૂમ બનાવી રહ્યો હતો ત્યારે ભાજપના આ સ્થાનિક નેતાએ તેના પરિવારજનો અને સાગરિતો સાથે આવીને બબાલ શરૂ કરી દીધી હતી. એ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ દરમિયાન ભાજપ નેતાએ દલિત પરિવારના એક સભ્યને જૂતા અને ચપ્પલથી માર માર્યો હતો અને પરિવારની એક મહિલાના વાળ ખેંચી તેને રસ્તા પર ઢસડી હતી તેવો આરોપ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આઘાતજનક વાત એ છે કે, પોલીસે પીડિત દલિત પરિવારને બદલે ભાજપ નેતાની ફરિયાદ નોંધીને દલિત પરિવાર પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે ભાજપના નેતાની ફરિયાદના આધારે દલિત પરિવાર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જો કે દલિત પરિવાર તેની પહેલા ફરિયાદ કરવા ગયો હોવા છતાં તેની ફરિયાદ લેવામાં આવી નહોતી, જેના કારણે તેમણે એસપીને ન્યાયની અપીલ કરી છે.
જબલપુરના રામનગરની ઘટના
મામલો જબલપુરના રામનગર શાહનાળાનો છે. અહીં દલિત સમાજમાંથી આવતા અનિલ ઝારિયા અને વર્ષા ઝરિયાએ ભાજપ નેતા અમિત દ્વિવેદી પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમનો પરિવાર ત્રણ દાયકાથી લીઝ પર આપવામાં આવેલી જમીનમાં રહે છે. મહિલાઓ અને બાળકોને શૌચક્રિયા માટે તકલીફ પડતી હોવાથી તેમના ઘરની બહાર બાથરૂમ બનાવવામાં આવી રહ્યું હતું. પણ ભાજપના બૂથ પ્રમુખ અમિત દ્વિવેદી તેનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ તેમની જમીન પડાવી લેવા માંગે છે અને તેના માટે તે સતત કોઈને કોઈ પેંતરા રચતો રહે છે.
સોમવારે સવારે અમિત તેના માતા-પિતા અને મિત્રો સાથે અનિલના ઘરે આવ્યો હતો અને વિરોધ કરીને તેમના બાળકોને ગાડીમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. જ્યારે અનિલ ઝારિયાએ તેનો વિરોધ કર્યો તો અમિત દ્વિવેદી મારામારી પર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન અમિતની માતા અને અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતા અને જાતિસૂચક ગાળો ભાંડીને જૂતાથી માર મારવા લાગ્યા હતા. તેમણે અનિલ ઝારિયાની પત્ની વર્ષાને વાળ પકડીને રસ્તા વચ્ચે ઢસડીને માર માર્યો હતો.
પોલીસે દલિત પરિવારની ફરિયાદ ન લીધી, ભાજપ નેતાની લીધી
આખો મામલો શુદ્ધ રીતે જાતિવાદ અને દલિત અત્યાચારનો હોવા છતા સ્થાનિક પોલીસે ભાજપ નેતાને છાવરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ફરિયાદ નોંધાવવા પહોંચેલા દલિત પરિવારની ફરિયાદ નહોતી લીધી પરંતુ જેવો ભાજપ નેતા દલિત પરિવાર સામે ફરિયાદ નોંધવા ગયો એટલે તરત તેની ફરિયાદ નોંધી લીધી હતી. એટલું જ નહીં પોલીસ આખા મામલે સામાન્ય ઝઘડામાં ફેરવવા માંગતી હોય તેમ લાગે છે.
પોલીસ શું કહે છે?
તિલવાડા પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રિજેશ મિશ્રાના જણાવ્યા અનુસાર, અમિત અને અનિલ ઝરિયા વચ્ચે રવિવારે સવારે ઝાડ કાપવાના મુદ્દે ઝઘડો થયો હતો. સ્થાનિક કાઉન્સિલર સુનિલ કુમાર ગોસ્વામીએ વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. પણ સોમવારે સવારે બંને પક્ષો વચ્ચે ફરીથી ઝઘડો અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને પક્ષો એકબીજા સાથે લડતા જોવા મળે છે. અમિતની ફરિયાદના આધારે પોલીસે અનિલ અને અન્ય સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે અનિલે પોલીસ અધિક્ષક કચેરીમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ પણ તેમની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરશે અને ગુનેગારો સામે કેસ નોંધશે.
આ પણ વાંચો: જાતિવાદી તત્વોએ દલિત યુવક પર મટનનું ગરમ પાણી રેડ્યું