ઉત્તરપ્રદેશના અલીગઢમાં 14 વરસની દલિત કિશોરીની બળાત્કાર બાદ હત્યા કરી લાશ ખીંટીએ લટકાવાઈ
જાતિવાદ અને દલિત અત્યાચારો માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક 14 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર ગુજારીને હત્યા કર્યા બાદ તેની લાશને ઘરની ખીંટીએ લટકાવી દેવાઈ હતી. વાંચો આ સનસનીખેજ રિપોર્ટ.
જાતિવાદ અને દલિત અત્યાચારો માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ગામમાં 14 વર્ષની દલિત કિશોરી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરીને લાશને ખીંટી પર લટકાવી દેવાનો મામલો સામે આવ્યો છે. પિતા વિનાની કિશોરીને તેની માતા ઘરે એકલી મૂકીને લગ્નમાં ગઈ હતી એ દરમિયાન આ હેવાનિયતભરી ઘટના બની હતી. તેના મૃતદેહને બળાત્કારીઓએ ખીંટીએ લટકાવી દીધાના સમાચારથી નાનકડા આ ગામમાં ખળભળાટ મચી ગયો હતો અને સ્થાનિક પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ફોરેન્સિક ટીમ અને પોલીસ પિકેટ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફોરેન્સિક ટીમ અને પોલીસ અધિકારીઓએ સ્થળનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું.
આ મામલો યુપીના અલીગઢ જિલ્લાના બરલા વિસ્તારનો છે જ્યાં વાસનાભૂખ્યાં કેટલાક તત્વોએ 14 વર્ષની કિશોરી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરીને લાશને ખીંટીએ લટકાવી દીધાં બાદ ફરાર થઈ ગયા હતા. ઘરમાં એકલી રહેલી કિશોરીના ઘરનું બારણું કલાકો સુધી બંધ રહેલું જોતા અને અંદર કોઈપણ પ્રકારની ચહલપહલ ન થતા વાસના લોકોએ તેના ઘર પર લાગેલી લોખંડની જાળીમાંથી અંદર ડોકીયું કર્યું તો તેની લાશ ખીંટીએ લટકતી હતી. આ ભયાનક દ્રશ્ય જોઈને ગામલોકો ચોંકી ગયા હતા. એ પછી કિશોરીની લાશ ખીંટીએ લટકતી હોવાની વાત દાવાનળની જેમ ચોતરફ ફેલાઈ જતા લોકોનાં ટોળેટોળાં ભેગા થઈ ગયા હતા.
મૃતક કિશોરીના મામાએ જણાવ્યું હતું કે, તેના પિતાનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું. જ્યારે તેની માતા દીકરીને ઘરે એકલી મૂકીને તેના જેઠની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી. એ દરમિયાન કિશોરીની એકલતાનો લાભ લઈને એક હવસખોર બળજબરીથી તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેના પર બળાત્કાર કર્યો અને પછી હત્યા કરીને લાશને ખીંટીએ લટકાવી દીધી હતી.
મોટાભાગની ઘટનાઓમાં જોવા મળે છે તેમ પોલીસની કામગીરી આ કેસમાં પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. આરોપ છે કે પોલીસે મૃતક કિશોરીની માતા તેના સંબંધીઓ સાથે ઘરે પહોંચે તે પહેલા જ પોલીસે તેમને જાણ કર્યા વિના જ મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલી દીધો હતો. મૃતકના દાદાએ તેમની પુત્રીની હત્યા અંગે જણાવ્યું હતું કે તેઓ કોઈ નિર્દોષને ફસાવવા નથી માંગતા અને આરોપીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.