EXCLUSIVE: અમદાવાદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરી રામભરોસે, 90 ટકા સ્ટાફની ઘટ
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદ ખાતે આવેલી પ્રાદેશિક કચેરી છેલ્લાં 24 વર્ષથી સરકારની ઉપેક્ષાનો ભોગ બની છે. અનેક સમસ્યાનો સામનો કરી રહેલી આ કચેરી હાલ મરવાના વાંકે જીવી રહી છે. વાંચો ખબરઅંતર.કોમનો આ એક્સક્લૂઝિવ રિપોર્ટ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો પર વધતા જતા અત્યાચારોને લઈને એકવાર કહ્યું હતું કે, મારના હૈ તો મુજે મારો, પર મેરે દલિત ભાઈબહેનો કો કુછ મત કરો. જો કે વડાપ્રધાનની કથની અને કરણીમાં આભજમીનનું અંતર હોય છે તેવું એકથી વધુ વખત સાબિત થઈ ચૂક્યું છે ત્યારે તેનું વધુ એક ઉદાહરણ અમદાવાદમાં આવેલી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરીમાં જોવા મળ્યું છે. એકબાજુ વડાપ્રધાન દલિતો પર અત્યાચાર ન કરોની જાહેરમાં વાતો કરે છે, બીજી તરફ ગુજરાતમાં દલિત અત્યાચારો પર કામ કરતા આ આયોગની પ્રાદેશિક કચેરીને મોટાભાગની જરૂરી સુવિધાઓથી વંચિત કરીને આડકતરી રીતે તેને દલિત અત્યાચારની ઘટનામાં કશું કામ જ ન કરી શકે તેવી સ્થિતિમાં લાવી દીધી છે. છેલ્લાં 24 વર્ષથી આ કચેરી ભાડાના મકાનમાં ચાલે છે, 90 ટકા સ્ટાફની ઘટ છે, રાષ્ટ્રીય કક્ષાની કચેરી પાસે પોતાનું કોઈ વાહન નથી, ફિલ્ડ ઓફિસરો નથી અને છતાં 4 રાજ્યોની જવાબદારી આ કચેરીના માથે થોપી દેવાઈ છે. ગુજરાતમાં એકબાજુ દલિતો પર અત્યાચારોની સંખ્યા સતત વધતી જઈ રહી છે, એમાં આ આયોગ માત્ર શોભાના ગાંઠીયા સમાન બનીને રહી ગયું છે.
24 વર્ષથી ભાડાનાં મકાનમાં ચાલે છે, પોતાનું કોઈ વાહન પણ નહીં
સામાન્ય રીતે કોઈપણ સરકારી કચેરીની પોતાની એક ઓફિસ ચોક્કસ હોય છે. પણ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની ગુજરાતની પ્રાદેશિક કચેરીને પોતાની કોઈ ઓફિસ નથી અને છેલ્લાં 24 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. કચેરી સાવ ભંગાર હાલતમાં છે, અંદર જાળાં બાઝી ગયા છે. ફાઈલો જેમતેમ પડી રહે છે. એક રીતે તો આ કચેરીની હાલત પણ દેશના દલિત પીડિત સમાજ સાથે કરવામાં આવતા ભેદભાવપૂર્ણ વર્તન જેવી જ થઈ ગઈ છે એમ કહીએ તો જરાય અતિશ્યોક્તિ નહીં ગણાય. અનુસૂચિત જાતી વર્ગના લોકોના બંધારણીય હક અને અધિકારોના રક્ષણ માટે ઘડાયેલ આયોગની અતિ બિસ્માર હાલત પર સરકાર જરાય ધ્યાન આપતી નથી.
અનુસૂચિત જાતિ વર્ગના હક અને અધિકારોનું રક્ષણ અને મોનીટરીંગ થાય તે માટે રાષ્ટ્રીય કક્ષાએ ‘રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ’ની રચના બંધારણના આર્ટિકલ 338ની ખાસ બંધારણીય જોગવાઈ હેઠળ કરવામાં આવેલ છે. દેશમાં અને રાજ્યમાં અનુસૂચિત જાતિ વર્ગના લોકોના બંધારણીય અધિકારોની રક્ષા કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ અને પ્રાદેશિક સ્તરે જુદાજુદા રાજ્યો વચ્ચે પ્રાદેશિક ઓફિસોની રચના કરાઈ છે. હાલમાં અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની પ્રાદેશિક ઓફિસ અમદાવાદના લાલ દરવાજા ખાતે ભાડાના મકાનમાં 24 વર્ષથી ચાલે છે. આયોગને ખુદનું કહી શકાય તેવું કોઇ મકાન નથી, ભારત સરકાર કે ગુજરાત સરકાર અકળ કારણોસર તેને કાયમી ઓફિસની ફાળવણી કરતી નથી. અનુસૂચિત જાતિના લોકો સાથે સમાજમાં જેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે તેવી રીતે જ અહીં અનુસૂચિત જાતિના આયોગ સાથે નરી આંખે થતો ભેદભાવ જોઈ શકાય છે.
આયોગની ઓફિસમાં 90 ટકા સ્ટાફની ઘટ
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાત, રાજસ્થાન, દીવ, દાદરા અને નગર હવેલી એમ બે રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ ચાર વિસ્તારોમાં દલિત અત્યાચારો પર કામ કરતી આ આખી કચેરી ફક્ત 3 કર્મચારીઓથી ચાલે છે! એમાંય એક કર્મચારી 30 જૂન 2023માં નિવૃત્ત થઈ ગયા, એટલે હવે ફક્ત બે જ કર્મચારીઓ રહ્યાં છે. કહેવા માટે તો આ રાષ્ટ્રીય કક્ષાનું આયોગ છે, પણ તેની સ્થિતિ કોઈ અંતરિયાળ ગામની ગ્રામ પંચાયત કરતા પણ બદ્દતર છે. તેની પાસે પોતાનું કોઈ વાહન નથી(એટલે ડ્રાઈવર તો ક્યાંથી હોય?), ઓફિસમાં નાનામોટા કામ માટે કોઈ પ્યૂન નથી. પરિણામે દરેક નાનામોટાં કામ ઓફિસના બે કર્મચારીઓએ જાતે જ કરવા પડે છે. તેમણે બહાર કોઈ મીટિંગમાં જવું હોય તો ઓટોરિક્ષા કે ટેક્ષી ભાડે કરીને જવું પડે છે. એક સમયે અહીં 15 જેટલા ફિલ્ડ ઓફિસરો કાર્યરત હતા જેઓ ગુજરાતમાં દલિત અત્યાચારની કોઈપણ ઘટનાનો રિપોર્ટ લેવા માટે પહોંચી જતા હતા અને તેનો વાસ્તવિક રિપોર્ટ આયોગને સોંપીને રાષ્ટ્રીય સ્તરે તેની રજૂઆત કરતા હતા. હવે એ કામગીરી સદંતર બંધ થઈ ગઈ છે, કેમ કે આયોગ પાસે કોઈ ફિલ્ડ ઓફિસર જ નથી. વળી દલિત અત્યાચારના મામલાઓમાં સુનાવણી કરવાનું તો તેણે સંપૂર્ણ બંધ જ કરી દીધું છે. અનુસૂચિત જાતિ આયોગ પાસે હાલમાં કોઈ કાયમી ડાયરેક્ટર પણ નથી, જે છે તે ચાર્જમાં છે અને વર્ષોથી ચાર્જમાં જ ચાલે છે. કાયમી ડાયરેક્ટરની નિમણૂંક કરવામાં આવતી નથી.
અનુસૂચિત જાતિના ધારાસભ્યો-સાંસદો પણ ચૂપ
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની કચેરીની આવી વરવી સ્થિતિ હોવા છતાં અનુસૂચિત જાતિની અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો કે અન્ય હોદ્દેદારોએ આજદિન સુધી એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. હાલ અનુસૂચિત જાતિના 13 ધારાસભ્યો અને બે સાંસદો છે અને બધાં જ આ બાબતે મૌન ધારણ કરીને બેઠાં છે. વિશાળ બંધારણીય સત્તા ધરાવતું રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ પોતે જ અન્યાય વેઠી રહ્યું છે. આવી વિકટ અને વિષમ પરિસ્થિતિમાંથી અનુસૂચિત જાતિ આયોગ બહાર આવી પુરા સ્ટાફ સાથે કાર્યરત થાય તે ખુબ જ જરૂરી છે.
આ મામલે અમદાવાદના સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર કહે છે, “રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની અમદાવાદ ખાતે આવેલી પ્રાદેશિક કચેરી દયનિય સ્થિતિને લઈને હું અનેકવાર રજૂઆતો કરી ચૂક્યો છું, લાગતા વળગતા ખાતાના મંત્રીઓ, અધિકારીઓને પણ લેખિત રજૂઆતો કરી છે, પણ કોઈ નીવેડો આવતો નથી. તેથી હવે તો અનુસૂચિત જાતિ સમાજના જાગૃત નાગરિકો આગળ આવે તો જ કંઈક થઈ શકે તેમ છે. આ માટે સમાનતા અને બંધારણીય મૂલ્યોમાં માનતા અનુસૂચિત જાતિ સહિતના ચૂંટાયેલા તમામ સાંસદો, ધારાસભ્યો, જીલ્લા/તાલુકા/ગ્રામ પંચાયતના ચૂટાયેલા સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગર પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર તેમજ અનુસૂચિત જાતિના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરતા તમામ મિત્રોને વિનંતી છે કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની આ કચેરીને ફરીથી બેઠી કરવા માટે આગળ આવે. વહેલામાં વહેલી તકે પૂરતી સંખ્યામાં કાર્યક્ષમ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, ગાડી અને ડ્રાઇવરની ફાળવણી કરવામાં આવે, ભાડાના મકાનમાં ચાલતી કચેરીને પોતાનું મકાન ફાળવાય તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવે. તેના માટે ઉપર જણાવ્યા તે સો તેઓના લેટરપેડ પર આવેદનપત્ર આપવાના કાર્યક્રમનું સમૂહમાં આયોજન કરી એક રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરે, પોતાના વિસ્તારમાં પોતાની સામાજિક જવાબદારી સમજી સરકારને જગાડવા પ્રયત્ન કરે તો જ કંઈક થઈ શકે. બાકી તો જેમ છે તેમ ચાલશે.”
આગળ વાંચોઃ જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Harish khodabhai RathodHu sahamat chu Jay bhim