જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક

અમદાવાદના જાણીતા લેખક, વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

જાણીતા લેખક-વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક
image credit - Kishor makwana

અમદાવાદના જાણીતા લેખક, વક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગઈકાલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કિશોરભાઈની નિમણૂંકની એક પરિપત્ર દ્વારા આ જાહેરાત કરી છે. અનુસૂચિત જાતિ આયોગ બંધારણના ભાગ - ૧૬, આર્ટિકલ - ૩૩૮ અન્વયે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સાથે સંલગ્ન અને ભારત સરકાર દ્વારા ગઠન કરવામાં આવતી એક બંધારણીય સંસ્થા છે. આ આયોગ રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, સલામતી તથા સામાજિક, શૈક્ષણિક, આર્થિક તેમજ સાંસ્કૃતિક ઉત્થાન સબંધિત બાબતોની દેખરેખ તેમજ તે સંબંધિત ફરિયાદોની કાનૂની તપાસ કરે છે. આ સિવાય તે દર વર્ષે અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસનું મૂલ્યાંકન તેમજ તેમની સલામતી માટે લીધેલા પગલાંની કામગીરીનો અહેવાલ તૈયાર કરી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે છે.

NCSC નું માળખું કેવું હોય છે?

NCSC ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ (NCSC) માં એક અધ્યક્ષ, એક ઉપાધ્યક્ષ અને ત્રણ વધારાના સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ તેમની સહી અને સીલ કરીને નિમણૂકની સાથે તેમની સેવાની શરતો અને કાર્યકાળ પણ નક્કી કરે છે.

કોણ છે કિશોર મકવાણા?

અમદાવાદના ધોળકાના વતની 58 વર્ષીય કિશોર મકવાણા ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજ માટે જાણીતું નામ છે. તેમણે ડૉ બાબાસાહેબ આંબેડકર પર અનેક પુસ્તકો લખ્યા છે. વર્ષ 2015માં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ‘મોદીઃ અ કોમન મેન્સ પીએમ’ પુસ્તક લખ્યું હતું. યુવાનીકાળમાં પત્રકાર તરીકે તેઓ વર્ષ 1999માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે તેમના ઐતિહાસિક લાહોર બસ પ્રવાસમાં તેમની સાથે રિપોર્ટિંગ માટે ગયા હતા. વર્ષ 1990માં ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીની સોમનાથથી અયોધ્યાની યાત્રામાં પણ તેમણે સક્રીય રીતે ભાગ લીધો હતો. વર્ષ 2004થી તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે. વર્ષ 2019માં તેઓ દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (જે હવે પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ, લાઈબ્રેરી એન્ડ સોસાયટી તરીકે ઓળખાય છે) ના સભ્ય નિમાયા હતા. કિશોરભાઈએ 30થી વધુ પુસ્તકો લખ્યા છે જેમાંથી 9 પુસ્તકો બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર પર અને 1 સ્વામી વિવેકાનંદ પર છે. મનોવિજ્ઞાનમાં અનુસ્નાતકની ડિગ્રી ધરાવતા કિશોરભાઈ ગુજરાતીમાં ‘સમાજ સંવેદના’ નામનું સામયિક ચલાવે છે. તેમનું પોતાનું એક પુસ્તક પ્રકાશન ગૃહ પણ છે.

આ સિવાય તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિઝનને દુનિયાભરમાં ફેલાવવાના હેતુથી એક વેબસાઈટ પર ચલાવે છે. તેઓ 8 વર્ષ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખપત્ર ‘સાધના’ ના તંત્રી પણ રહી ચૂક્યા છે. જે અંતર્ગત તેમણે અનેક મહત્વની ઘટનાઓનું કવરેજ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે ગુજરાતના ગામડાઓમાં વર્ષો સુધી કામ કર્યું છે.

આ પણ વાંચો : દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.