સપ્ટેમ્બર 2026 સુધીમાં પોલીસ ભરતીનો તમામ બેકલોગ પૂર્ણ કરાશે
હાઈકોર્ટમાં પોલીસ ભરતી મુદ્દે ડીજીપીએ રજૂ કરેલી એફિડેવિટમાં આ વાત સામે આવી છે. એ મુજબ 3,834 એએસઆઈ, હેડ કોન્સટેબલ અને 1414 પીઆઈ, પીએસઆઈની પ્રમોશનથી ભરતી કરાશે
ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગને લગતા એક કેસની સુનાવણી દરમિયાન રાજ્યમાં પોલીસ ભરતી મુદ્દે DGPની એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં પોલીસ ભરતીને લઈને વિગતો રજૂ કરવામાં આવી છે. ડીજીપીની એફિડેવિટમાં કોર્ટને જણાવાયું હતું કે, છેલ્લા એક મહિનામાં 525 જગ્યા પ્રમોશનથી ભરવામાં આવી છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બેકલોગની તમામ પોલીસ ભરતી પૂર્ણ કરાશે. હાલ 5,248 પ્રમોશનની ભરતી પૈકી 525 ભરાઈ છે અને 4,723 બાકી છે. કોર્ટે PI અને PSI ભરતી વિશે પૂછ્યું હતું. સાથે જ ઇન્ટેલિજન્સ ઓફિસરની 164 જગ્યાઓ ભરવાની બાકી હોવા અંગે પણ કોર્ટે પૂછ્યું હતું. સરકારી વકીલે જણાવ્યું હતું કે, 31 માર્ચ 2025 સુધીમાં PI અને PSIની જગ્યાઓ પ્રમોશનથી ભરવામાં આવશે. વર્ષ 2025 અને બીજા વર્ષ 2026નું પોલીસ ભરતીનું કેલેન્ડ કોર્ટ સમક્ષ મુકાયું હતું.
કોર્ટને જણાવાયું હતું કે, ડિપાર્ટમેન્ટ પ્રમોશનલ કમિશન પ્રમોશનની ભરતી કરે છે. PI વાયરલેસની ભરતી માટે 25 સપ્ટેમ્બરે પ્રક્રિયા ચાલુ કરાઈ છે. જ્યારે PI મોટર ટ્રાન્સપોર્ટ માટે લાયકાતવાળા ઉમેદવાર મળ્યા નથી. જ્યારે PSI અનઆર્મની સીધી ભરતીની જાહેરાત અપાઈ છે. 11,377 જગ્યાઓ માટે પોલીસ ભરતી બોર્ડ કેલેન્ડર બનાવ્યું છે. વર્તમાન સીધી ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર અને ડિસેમ્બર 2024માં યોજાશે. જેનું રિઝલ્ટ જાન્યુઆરી 2025માં આવશે. તેની લેખિત પરિક્ષા જાન્યુઆરી 2025માં લેવાશે અને તેનું OMR રિઝલ્ટ ફેબ્રુઆરી 2025માં જ્યારે લેખિત પરીક્ષાનું પતિના જુલાઈ 2025માં આવશે. તેનું ફાઈનલ મેરીટ લીસ્ટ ઓગસ્ટ, 2025માં બનશે. આમ સીધી ભરતી સપ્ટેમ્બર 2025માં પૂર્ણ થશે.
કોર્ટે એક સીધી ભરતી સાથે બીજી ભરતીની પ્રોસેસ કરવા સૂચન કર્યું હતું. જોકે, સરકારી વકીલે જણાવ્યું હતું કે, ઉનાળા અને ચોમાસામાં ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવતી નથી. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં ઉમેદવારો અરજી કરે છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ચાર ફેઝમાં પોલીસ ભરતી કરવામાં આવશે. જેમાં પ્રથમ ફેઝમાં પ્રમોશન દ્વારા 3,834 ASI અને હેડ કોન્સ્ટેબલ, બીજા ફેઝમાં 31 માર્ચ 2025 સુધીમાં 1,414 PI અને PSIના પ્રમોશન થશે.
ફેઝ ત્રણમાં સપ્ટેમ્બર 2025 સુધી બહાર પડાયેલી સીધી ભરતી પૂર્ણ કરવામાં આવશે. ફેઝ ચારમાં આગળની સીધી ભરતી કરાશે. ગુજરાતના 5 ટ્રેનિંગ સેન્ટરમાં એક સાથે 5 હજાર લોકોને ટ્રેનિંગ આપી શકાય છે. પ્રમોશનમાં પણ એક રેગ્યુલર અને એક પરીક્ષાથી થતું પ્રમોશન હોય છે. પહેલાં બેક લોગ પતે તો રેગ્યુલર ભરતી થાય. કોર્ટે પોલીસ ટ્રેનિંગ સંસ્થાની કેપેસિટી વધારવા સૂચન કર્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં 14,820 પોલીસની ભરતી કરાશે, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત