ગુજરાતમાં 14,820 પોલીસની ભરતી કરાશે, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત
રાજ્યમાં પોલીસ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે મહત્વના સમાચાર આવ્યા છે.
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે આજે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે કહ્યું કે, વર્ષ 2025માં રાજ્ય પોલીસ દળમાં 14,820 અને સીવીલીયન સ્ટાફની 245 જગ્યા પર સીધી ભરતી કરાશે. વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ 12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે.
ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં 129 SRPFના હથિયારી PSI, 126 વાયરલેસ PSI, 35 MT PSI, 551 ટેકનીકલ ઓપરેટર, 45 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-1, 26 મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-2, 135 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-2, 7218 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3010 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 3214 SRFPના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 300 જેલ સિપાઈ(પુરુષ) અને 31 જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત વર્ષ-2025માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની 45 તથા જુનીયર ક્લાર્કની 200 જગ્યાઓ મળી કુલ-245 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે.
ટૂંકમાં આવતું વર્ષ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાનો માટે ખૂબ જ મહત્વનું સાબિત થાય તેમ છે. તો અત્યારથી જ તૈયારીમાં લાગી જાવ.
આ પણ વાંચો: આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે