TRP અગ્નિકાંડની માસિક તિથીએ કોંગ્રેસનાં 'રાજકોટ બંધ'ને સારો પ્રતિસાદ
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ અડધો દિવસ બંધ પાળી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી.
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનામાં 28 જેટલી વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ગોઝારી દુર્ઘટનાને આજે એક મહિનો થયો છે. આ દુર્ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવા કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું. 'રાજકોટ બંધ'ના એલાનને જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. રાજકોટના વેપારીઓએ સ્વયંભૂ રીતે અડધો દિવસ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે શાળા-કોલેજોએ પણ બંધ પાળીને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
રાજકોટના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત તા. 25 મેના રોજ અગ્નિકાંડ થયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં 28 જેટલી વ્યક્તિએ પોતાના જીવ ગુમાવ્યા હતા. રાજકોટના ગોઝારા ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો પૂર્ણ થયો છે.
આ ગોઝારી દુર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા એક મહિનામાં 3 જેટલી વિશેષ તપાસ ટુકડી (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-સીટ)ની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ એક મહિનામાં આ ઘટનાને લઈને એક આઇએએસ અને 4 આઇપીએસને હટાવાયા છે તો 2 પીઆઇ સહિત 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ટીઆરપી ગેમઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે.
રાજકોટની ગોઝારી ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાની આજે માસિક તિથી છે ત્યારે આ દુર્ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે 'રાજકોટ બંધ'નું એલન અપાયું હતું. કોંગ્રેસનાં 'રાજકોટ બંધ'ના અપાયેલા એલાનને આજે રાજકોટની જનતાએ સારો પ્રતિસાદ આપ્યો હતો. રાજકોટભરના તમામ વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગારને બંધ રાખીને અડધો દિવસ બંધ પાળ્યો હતો. એટલું જ નહીં, વેપારીઓની સાથોસાથ રાજકોટ શહેરની શાળા-કોલેજોએ પણ પોતાની રીતે બંધ પાળ્યો હતો. આમ રાજકોટની જનતાએ સ્વૈચ્છાએ 'બંધ' પાળીને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરીને અગ્નિકાંડના પીડિતોના દુ:ખમાં સહભાગી બનવાનો પ્રયાસ કર્યો હતો.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોના દુ:ખમાં ભાગીદાર બનીને રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે, ગુંદાવાડી, કેવડાવાડી, 80 ફૂટ રોડ, ભકિતનગર, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોના વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો.
રાજકોટ બંધના આ એલાનદરમિયાન શાળા-કોલેજોને બંધ કરાવવા માટે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો સ્કુટર રેલી યોજી હતી. જેમાં રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશીની સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ સહિતની શરૂ રહેલી 10 જેટલી શૈક્ષણિક સંસ્થાને બંધ કરાવવામાં આવી હતી.
મંત્રીમંડળની બેઠકમાં ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડની ઘટનાને આજે એક મહિનો પૂરો થયો છે. તેને લઈને કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ બંધનું એલાન અપાયું હતું. આ બંધના એલાનને રાજકોટવાસીઓએ જબ્બર પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે બીજી તરફ રાજ્ય સરકારના મંત્રી મંડળ (કેબિનેટ)ની બેઠકમાં પણ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ ટીઆરપી અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી હતી તેમ સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી