'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી હવે BIGG BOSSમાં છે

BIGG BOSS ઓટીટીની ત્રીજી સિઝનમાં પહોંચેલી શિવાની કુમારી દલિત સમાજની દીકરી છે. યુપીના એક ગામથી બીગ બોસ સુધીની તેની સફર તમને રડાવશે અને હિંમત પણ આપશે.

'નાચનારી' કહીને ઉતારી પાડેલી, એ દલિત યુવતી હવે BIGG BOSSમાં છે
all image credit - Google images

બીગ બોસ ઓટીટીની ત્રીજી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. અને આ વખતે ગામડાની એક દલિત છોકરીની ધમાકેદાર એન્ટ્રીએ સમગ્ર બહુજન સમાજનું માથું ગર્વથી ઉંચું કરી દીધું છે. એક સમયે ત્રણ બહેનો પર ત્રીજી બહેન તરીકે તેનો જન્મ થયો ત્યારે પરિવાર, સગાસંબંધીઓ સૌએ તેની માતાને સંભળાવવામાં કશું બાકી નહોતું રાખ્યું. તેણે જ્યારે ટિકટોક વીડિયો બનાવવાનું શરૂ કર્યું તો ગામના જાતિવાદી તત્વોએ તેને 'નાચનારી' કહીને ઉતારી પાડી હતી. તેની વીડિયો બનાવવાની જીદ અને લોકોના મેણાંટોણાંથી કંટાળીને તેની માતાએ એકવાર તેના પેટમાં ચાકુ મારી દીધું હતું. એજ દીકરીની જ્યારે બે દિવસ પહેલ બીગ બોસ ઓટીટી પર અનિલ કપૂર સામે એન્ટ્રી થઈ ત્યારે ઉત્તર ભારતના સાવ અંતરિયાળ ગામડામાં રહેતા સેંકડો દલિતો હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. સૌ કોઈએ ગામડાની આ છોરીની એન્ટ્રીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.

વાત છે યૂટ્યુબર અને ઈન્ફ્લુએન્સર શીવાની કુમારીની. જેણે હાલમાં જ બીગ બોસ ઓટીટીમાં ધમાકેદાર એન્ટ્રી કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. બીગ બોસ ઓટીટીની આ ત્રીજી સિઝન છે, જેને આ વખતે અનીલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે, તેણે બધાં સ્પર્ધકોનું સ્વાગત કર્યું હતું. આ શોની ત્રીજી સ્પર્ધક શિવાની કુમારી જ્યારે સ્ટેજ પર પહોંચી તો યુપીના સેંકડો ગામોમાં વસતા દલિતોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. શિવાની સ્ટેજ પર પહોંચતા જ રડવા માંડી હતી. અનિલ કપૂરે તેને રડતી રોકી તો તેણે કહયું કે, "મને રડવા દો, મારું સપનું પુરું થઈ ગયું છે." બીગ બોસના સ્ટેજ પરથી જ તેણે પોતાના સંઘર્ષની કહાની પણ લોકો સમક્ષ મૂકી.

કોણ છે શિવાની કુમારી?

યુટ્યૂબર અને ઇન્ફ્લૂએન્સર શિવાની કુમારી ઉત્તરપ્રદેશની રહેવાસી છે. ચર્મ ઉદ્યોગ માટે જાણીતા શહેરમાં દલિતોની ચમાર જાતિની સારી એવી વસ્તી છે. 23 વર્ષની શિવાની કુમારી અહીંના ઔરેયા જિલ્લાના સહાર તાલુકાના અરિયાવી ગામની વતની છે. આ જિલ્લો સીમા પરિહાર કારણે પણ જાણીતો છે. સીમાનું 13 વર્ષની ઉંમરે અપહરણ કરાયું હતું. એ પછી તે ફૂલન દેવીની ડાકુ જીવન જીવી હતી. યોગાનુયોગ એ પણ છે કે, સીમા પરિહાર પણ અગાઉ બીગ બોસમાં હિસ્સો લઈ ચૂક્યા છે. ફિલ્મ બાદ ઓટીટીએ સીમા પરિહારને ભારે લોકપ્રિયતા અપાવી હતી. હવે આ જ મોકો શિવાનીને મળ્યો છે.

આ પણ વાંચો: ડોલી ચાયવાલા સલમાન ખાનની 'બિગ બોસ ૧૮'નો ભાગ બનશે

શિવાનીની ઉત્તરપ્રદેશથી બીગ બોસ સુધીની સફર જરાય આસાન નહોતી. સ્ટેજ પર તેણે પોતાની જે કહાની વર્ણવી તે ભલભલા કઠણ કાળજાના લોકોને પણ પીગળાવી દે તેવી છે. શિવાની કહે છે, "મારો જન્મ થયો ત્યારે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. કેમ કે મારી પહેલા જ ઘરમાં ત્રણ દીકરીઓ જન્મી હતી. પરિવારજનોને આશા હતી કે આ વખતે તો દીકરો જ જન્મશે, પણ હું જન્મી. ગામ આખામાં માતમ છવાઈ ગયો. લોકો મને જન્મથી જ નફરત કરવા લાગ્યા. એ પછી હું એક વર્ષની થઈ ત્યાં મારા પિતાનું મોત થઈ ગયું. મને કદી પિતાનો પ્રેમ શું હોય છે તે સમજાયું નથી. પિતાના મોત બાદ મારી માતાએ જેમતેમ કરીને અમને ત્રણેય બહેનોને સાચવી. મેં ભણવાની ઈચ્છા વ્યક્ત કરી, તો માએ ના પાડી દીધી. એની પણ મજબૂરી હતી, પરિવારનું પેટ ભરે કે મને ભણાવે? એટલે મેં લોકોના ઘરમાં કામ કરવાનું શરૂ કર્યું, એમાંથી જે પૈસા મળ્યાં તેમાંથી મારું ભણતર પુરું કર્યું."

એક વીડિયો વાયરલ થયો અને જિંદગી બદલાઈ ગઈ

શિવાની આગળ કહે છે, "ભણવાની સાથોસાથ મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું. પણ ગામલોકોએ તેનો ભારે વિરોધ કર્યો. જાતિવાદી લોકો કહેતા, "લો બોલો, આ હવે નાચનારીનું કામ કરશે. તેના કારણે અમારા છોકરાઓ પણ બગડી જશે." ગામલોકોએ મને ગંદી ગંદી ગાળો ભાંડી હતી. પણ મારા પર તેમની એકેય ગાળની અસર ન થઈ. હું પરેશાન થઈ ગઈ હતી. ગામલોકોના દરરોજના ટોણાં સાંભળીને એકવાર મારી માતાએ ગુસ્સામાં આવીને મારા પેટમાં ચાકૂ મારી દીધું હતું અને રેલવે સ્ટેશન પર જઈને રહેવા લાગી હતી. હું જેમ તેમ કરીને માંને મનાવીને પરત લઈ આવી. માંના કારણે મેં એક મહિના સુધી વીડિયો બનાવવાનું બંધ કરી દીધું. પણ અંદરથી હું ભારે તડપતી હતી. ઘરમાં આવકનું કોઈ સાધન નહોતું. ગરીબી અને ભૂખમરો આંટો લઈ ગયા હતા. અંતે મેં હિંમત કરીને ફરી શરૂઆત કરી. આજે મારા ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. મેં ટિકટોક વીડિયો બનાવવાથી શરૂઆત કરી હતી. પહેલા હું ડાન્સ અને લિપ્સિંગ વીડિયો બનાવીને અપલોડ કરતી હતી. પણ કોઈ વ્યૂઝ નહોતા આવતા. પણ એક દિવસ હું મારી બહેનપણીઓ સાથે માર્કેટમાંથી ચંપલ લઈને આવી રહી હતી, ત્યારે રસ્તામાં જ યુપીના ગામડાઓની દેશી ભાષામાં એક વીડિયો બનાવ્યો અને તેને અપલોડ કર્યો. આ વીડિયો જોરદાર વાયરલ થયો, 24 કલાકમાં તેના પર 10 લાખ કરતા વધુ વ્યૂઝ આવ્યા. એ પછી મેં પાછું વળીને જોયું નથી. એક સમયે મારા ઘરમાં ખાવાપીવાના સાંસા હતા. પણ હવે વીડિયો થકી હું લાખો રૂપિયા કમાઉં છું. આજે મારી પાસે, ઘર, બંગલો, કાર અને પરિવારને સારું જીવન આપવા માટેની બધી જ ચીજવસ્તુઓ છે. હું મારા સમાજને એટલું જ કહેવા માંગું છું કે હિંમત ન હારો. પરિસ્થિતિ તમારી વિરુદ્ધમાં હશે તો પણ તમે તમારા સપનાને વળગી રહો. તેને અધવચ્ચે છોડો નહીં, જીત તમારી થશે."

આ પણ વાંચો: કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.