વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?

છેલ્લાં કેટલાક વર્ષોથી ભગતસિંહના જન્મદિવસે આ સવાલ તરત માર્કેટમાં આવી જાય છે. ચાલો આજે તેનો તર્કબદ્ધ જવાબ શોધીએ.

વકીલ હોવા છતાં ડૉ.આંબેડકર ભગતસિંહનો કેસ કેમ નહોતા લડ્યા?
image credit - khabarantar.com

નરેશ મકવાણા

why dr ambedkar did not fought bhagat singh's case despite being a lawyer?: ડૉ. આંબેડકર આટલા મોટા વકીલ હતા તો પછી તેમણે ભગતસિંહનો કેસ કેમ ન લડ્યો? - છેલ્લાં કેટલાક વર્ષોથી, ખાસ કરીને સોશિયલ મીડિયાનો રાજકીય ઉપયોગ વધ્યો છે ત્યારથી, ગોદી મીડિયા અને આઈટી સેલના દુષ્ટો અને તેમની મશીનરી દર વર્ષે ભગતસિંહના જન્મદિવસ અને તેમની ફાંસીના દિવસે ડો. બાબાસાહેબ આંબેડકરને લઈને આ મૂર્ખામીભર્યો સવાલ તરત માર્કેટમાં વહેતો મૂકી દે છે. ખાસ કરીને બાબા સાહેબનો વિરોધ કરનારા લોકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે. કેટલાક લોકો આ પ્રશ્ન દ્વારા કુપ્રચારનો પ્રયાસ પણ કરે છે. આજે શહીદ ભગતસિંહનો જન્મદિવસ છે ત્યારે ચાલો જાણીએ કે આ આરોપમાં કેટલું સત્ય છે.

શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓને 23 માર્ચ 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. આ એ સમય હતો જ્યારે ડૉ. આંબેડકર જેવી અસ્પૃશ્ય જાતિની વ્યક્તિને ક્લાસરૂમની અંદર બેસીને અભ્યાસ કરવાનો અધિકાર પણ નહોતો. બાબાસાહેબ તે સમયે અસ્પૃશ્ય જાતિ સમાજમાંથી આવતા સૌથી વધુ શિક્ષિત વ્યક્તિ હતા, તેમ છતાં 1917માં તેમની સેવા દરમિયાન તેમને બરોડામાં રહેવા માટે ભાડે મકાન પણ આપવામાં આવ્યું ન હતું. જ્યારે તેમણે સિડન કૉલેજમાં ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે કહેવાતા ઉચ્ચ જ્ઞાતિના બાળકો તેમની પાસે ભણવા તૈયાર નહોતા.

એ દરમિયાન તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે કોઈ તેમને પોતાના કેસ આપતું નહોતું. 1923માં ડૉ. આંબેડકરે બોમ્બે બારમાં લાયસન્સ માટે અરજી કરી હતી. તેમને લાયસન્સ તો મળ્યું કારણ કે તેઓ લંડનથી ગ્રેસ ઇનનો અભ્યાસ કરીને આવ્યા હતા. પરંતુ લોકો તેમને અસ્પૃશ્ય માનતા હોવાથી તેમને કોઈ કેસ મળ્યો ન હતો. અમુક સંપર્કો દ્વારા તેમને કેટલાક કેસ મળતા હતા પરંતુ વધુ કેસ ન મળવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ કાયદાનો વ્યવસાય છોડીને ઘર ચલાવવા માટે પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

એનો અર્થ એવો થયો કે, ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને 1931માં ફાંસી આપવામાં આવી ત્યારે ડૉ. આંબેડકર કાયદાના વ્યવસાયમાં સંપૂર્ણપણે સક્રિય જ નહોતા. બીજું, એ પણ નોંધનીય છે કે ડૉ. આંબેડકર મુખ્યત્વે મુંબઈમાં રહેતા હતા જ્યારે ભગતસિંહ લાહોર અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય હતા. મુંબઈથી લાહોરનું અંતર 1391 કિમી છે અને આ બંને મહાપુરુષો વચ્ચે કોઈ સીધો સંવાદ નહોતો અને તેઓ એકબીજાના સીધા સંપર્કમાં પણ નહોતા. બંને પોતપોતાના ક્ષેત્રમાં સક્રિય હતા પરંતુ બંને એકબીજા સાથે જોડાયેલા ન હતા. એવામાં ડો. આંબેડકર ભગતસિહનો કેસ લડે તેવી દૂર દૂર સુધી કોઈ શક્યતા નહોતી.

ભગતસિંહે વકીલ રાખવાની ના પાડી દીધી હતી
સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકીને વિરોધ કર્યો હતો અને સ્વેચ્છાએ ધરપકડ વહોરી લીધી હતી. એ પછી ભગત સિંહ અને બટુકેશ્વર દત્ત પર પેનલ કોર્ટમાં કેસ ચાલ્યો. ટ્રાયલ દરમિયાન ભગતસિંહે કોર્ટમાં પોતાનો કેસ સ્વયં લડવાની માંગ કરી હતી, જેને સ્વીકારવામાં આવી હતી. પરંતુ કોર્ટમાં પેપરવર્ક કરવા તેમણે તે સમયના પ્રખ્યાત વકીલ આસિફ અલીની મદદ લીધી હતી. આસિફ અલીએ કોર્ટમાં બટુકેશ્વર દત્તનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ ભગતસિંહે પોતાનો પક્ષ જાતે રજૂ કર્યો હતો. તે સમયે આસિફ અલીની ગણના દેશના વરિષ્ઠ વકીલોમાં થતી હતી. આસિફ અલીના પત્ની અરુણા આસિફ અલી પણ ક્રાંતિકારીઓને તેમના કેસમાં મદદ કરતા હતા.

ભગતસિંહનો કેસ કોઈએ ડો.આંબેડકરને આપ્યો નહોતો
મૂળ વાત એ છે કે, ભગતસિંહનો કેસ કોઈએ ડો. આંબેડકરને આપ્યો જ નહોતો, એવામાં તેઓ આ કેસ કેવી રીતે લડી શકે? ભગતસિંહે પોતાનો કેસ જાતે લડવાનું નક્કી કર્યું હતું અને વકીલ રાખવાનો ઇનકાર કર્યો હતો. જેમાં સિનિયર એડવોકેટ અસફ અલીએ તેમને થોડી મદદ કરી હતી. જેનો અર્થ એ થયો કે ડો.આંબેડકર આ કેસમાં કોઈપણ રીતે કોર્ટમાં હાજર રહી શકે તેમ નહોતા. તેમ છતાં તેમના પર એવો આરોપ લગાવવામાં આવે છે કે આટલા મોટા વકીલ હોવા છતાં તેમણે ભગતસિંહનો કેસ નહોતો લડ્યો.

ડો. આંબેડકર અને ભગતસિંહ પોતપોતાના મોરચે લડી રહ્યા હતા
અહીં એક બીજી વાત સમજવા જેવી છે કે, આપણા દેશ માટે બંને મહાપુરુષો - ડો. આંબેડકર અને ભગતસિંહ, પોતપોતાની રીતે અલગ-અલગ મોરચે લડ્યા હતા. જ્યારે ભગતસિંહ અંગ્રેજો સામે આઝાદી મેળવવા ક્રાંતિનો સહારો લઈ રહ્યા હતા, ત્યારે ડૉ. આંબેડકર ભારતમાં જાતિવાદને કારણે ગુલામીનો ભોગ બનેલા કરોડો અસ્પૃશ્યોની મુક્તિ માટે લડત ચલાવી રહ્યા હતા. સાઉથ બરો કમિટી, સાયમન કમિશન, ગોળમેજી પરિષદ, મહાડ સત્યાગ્રહ, કાલારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ આ તમામ ચળવળો આ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી અને અછૂતોની મુક્તિ માટે ડો. આંબેડકરે પોતાની જાતને સંપૂર્ણપણે તેમાં હોમી દીધી હતી. સૌથી મોટી વાત એ કે, તે સમય સુધી તેઓ વકીલાત નહોતા કરતા.

ડો.આંબેડકરને ભગતસિંહ પ્રત્યે આદર હતો
13 એપ્રિલ 1931ના રોજ પોતાના પાક્ષિક સમાચારપત્ર 'જનતા'માં લખેલા તંત્રીલેખમાં ડૉ. આંબેડકરે ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની ફાંસીને બલિદાન તરીકે રેખાંકિત કરી હતી અને લેખને 'ત્રણ બલિ' શીર્ષક આપ્યું હતું. આ સમગ્ર તંત્રીલેખનું નિષ્કર્ષ એ છે કે ત્રણેય શહીદો બ્રિટનના આંતરિક રાજકારણનો ભોગ બન્યા હતા. એટલા માટે બાબાસાહેબ તેને અન્યાય ગણાવે છે.

બાબાસાહેબ આગળ લખે છેઃ "જો સરકારને એવી અપેક્ષા રાખતી હોય કે આ ઘટનાથી લોકોમાં એ સમજણ મજબૂત થશે કે બ્રિટિશ સરકાર સંપૂર્ણ ન્યાયી છે અથવા ન્યાયતંત્રના આદેશોનો બરાબર અમલ કરે છે અને લોકો તેને સમર્થન આપશે, તો તે સરકારની નાદાની છે, કારણ કે આ બલિદાન બ્રિટિશ ન્યાય પ્રણાલીની પ્રતિષ્ઠાને વધુ ઉજળી અને પારદર્શક બનાવવા આપવામાં આવી છે. આ અંગે સરકાર પોતે જ કોઈ તર્કસંગત ધોરણે પોતાને સંતુષ્ટ કરી શકતી નથી, તો પછી ન્યાયી હોવાની આડમાં બીજાને કેવી રીતે સંતુષ્ટ કરી શકે? સરકારની સાથે દુનિયા પણ જાણે છે કે આ બલિદાન ન્યાયના દેવતાની ભક્તિ તરીકે નહીં પરંતુ વિલાયતની કંઝર્વેટિવ રાજનીતિક રૂઢિવાદી પાર્ટી અને જનમતના ડરથી આપવામાં આવ્યું હતું."

ભગતસિંહની હિંમતને શ્રદ્ધાંજલિ
તંત્રી લેખની શરૂઆતમાં ડૉ. આંબેડકરે એ આરોપોનો ઉલ્લેખ કર્યો છે જેની હેઠળ ભગતસિંહ સહિત ત્રણેય શહીદોને ફાંસી આપવામાં આવી હતી. ત્રણેય શહીદોની બહાદુરીની ચર્ચા કરતાં તેઓ લખે છે, "ભગતસિંહની ફાંસીને બદલે ગોળી મારી દેવાની છેલ્લી ઈચ્છા પણ પૂરી કરવામાં ન આવી."

ડો. આંબેડકર લખે છે: "અમને માફ કરી દો અને જવા દો એવી દયાની અપીલ ત્રણમાંથી કોઈએ નહોતી કરી. હા, એવા સમાચાર ચોક્કસ આવ્યા છે કે ભગતસિંહે ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમને ફાંસી પર ચડાવવાને બદલે ગોળીથી ઠાર કરવામાં આવે, પરંતુ તેમની અંતિમ ઈચ્છાનું પણ સન્માન કરવામાં આવ્યું ન હતું."

ભગતસિંહની ફાંસીનો વિરોધ કર્યો
આ તંત્રીલેખમાં ડો. આંબેડકરે ભગતસિંહની ફાંસી સંદર્ભે ભારત અને બ્રિટનમાં જે ખુલ્લી અને ગુપ્ત રાજનીતિ ચાલી હતી તેની વિગતવાર ચર્ચા કરી છે, અને તેમાં ગાંધીજી અને તત્કાલીન વાઈસરોય લોર્ડ ઈર્વિનની ભૂમિકા વિશે વાત કરી છે. ડૉ. આંબેડકરના મતે ગાંધીજી અને ઈરવિન ભગતસિંહની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલવાની તરફેણમાં હતા. ગાંધીજીએ ઈરવિન પાસેથી આ મામલે વચન પણ લીધું હતું. પરંતુ બ્રિટનની આંતરિક રાજનીતિ અને બ્રિટિશ જનતાને ખુશ કરવા ત્રણેયને ફાંસી આપી દેવામાં આવી હતી.

તંત્રી લેખના અંતમાં બાબાસાહેબ લખે છે, "જનમતની પરવા કર્યા વિના, ગાંધી-ઇર્વિન સંધિનું શું થશે તેની ચિંતા કર્યા વિના, દેશના રૂઢિચુસ્તોના ગુસ્સાનો ભોગ બનવાથી પોતાને બચાવવા માટે, ભગતસિંહ અને તેમના સાથીઓની બધાએ બલિ ચઢાવી છે તે હકીકત હવે છુપાઈ નહીં શકે. સરકારે આ વાત ચોક્કસપણે સ્વીકારવી જોઈએ."

એટલે કે ડૉ. આંબેડકર શહીદે આઝમ ભગતસિંહને ફાંસી આપવાનો સ્પષ્ટ વિરોધ કરે છે, એટલું જ નહીં, તેઓ ત્યાં સુધી કહે છે કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની બલિ ચઢાવી દેવામાં આવી છે. તેથી ભગતસિંહ અને તેમના સાથીઓની શહીદી પર ડૉ. આંબેડકર મૌન રહ્યાં હતા એમ કહેવું બિલકુલ યોગ્ય નથી. તેમણે તો કાયદેસર અંગ્રેજ સરકારને તેના માટે જવાબદાર ઠેરવીને ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

આટલું વાંચ્યા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે, બાબાસાહેબ ભગતસિંહનો કેસ નહોતા લડ્યા એ આખો મુદ્દો આઈટી સેલના દુષ્ટ ભેજાબાજોની ઉપજ છે અને સમસ્ત બહુજન સમાજના મનમાં બાબાસાહેબને લઈને શંકા પેદા કરવાનો એક મોટો પેંતરો છે. 

હવે જો કોઈ તમને આ પ્રશ્ન ફરીથી પૂછે કે, "બાબાસાહેબ કેમ ભગતસિંહનો કેસ નહોતા લડ્યાં?" તો તેને આ લેખની લિંક મોકલી આપજો, જેથી તેના મનમાં રહેલો ભ્રમ પણ દૂર થઈ જાય અને તેને પણ વાસ્તવિકતાની જાણ થાય. જય ભીમ.

(લેખક 'અભિયાન' મેગેઝિનના પૂર્વ તંત્રી અને લોકસત્તા-જનસત્તા અમદાવાદના એડિટર છે.)


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    Absolutely right answer. Thank you to khbarantar.com
    2 months ago