કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવા આદેશ
ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા બળજબરીથી પૈસા વસૂલવાના એક કેસમાં કેન્દ્રીય નાણામંત્રી પર ફરિયાદ નોંધવા આદેશ કરાયો છે.
FIR against Nirmala Sitharaman: ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા કથિત રીતે બળજબરીથી પૈસા વસૂલવાના મામલામાં કોર્ટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બેંગલુરુની જનપ્રતિનિધિ અદાલતે આપ્યો છે. જનઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહઅધ્યક્ષ આદર્શ અય્યરે બેંગલુરુ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપવાની માંગણી કરી હતી.
અનેક નેતાઓ અને અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ
આદર્શ અય્યરે આરોપ લગાવ્યો હતો કે ધમકીઓ આપીને બળજબરીથી ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જન અધિકાર સંઘર્ષ પરિષદે ગત વર્ષે એપ્રિલમાં 42મી ACMM કોર્ટમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કર્ણાટક ભાજપના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કટીલ, બી. વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. કોર્ટે આ ફરિયાદ પર સુનાવણી કરીને બેંગલુરુના તિલક નગર પોલીસ સ્ટેશનને ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ખંડણીનો કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
પોલીસને FIR નોંધવા સૂચના અપાઈ
અરજદારની ફરિયાદ પર વિચાર કર્યા પછી, બેંગલુરુ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. અરજદાર વતી વરિષ્ઠ વકીલ બાલને દલીલો રજૂ કરી હતી. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવી છે.
ચૂંટણી બોન્ડનો વિવાદ શું છે?
કેન્દ્ર સરકારે 2018માં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. આ યોજના હેઠળ, સરકાર રાજકીય પક્ષોને મળતા રોકડ દાનને ખતમ કરવાની હતી, જેથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા જળવાઈ રહે. એ પછી, લોકો SBI ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપી શકતા હતા. પરંતુ દાન કોણે આપ્યું છે તેનો ખુલાસો થતો નહોતો. ગયા વર્ષે, વિરોધ પક્ષોના આક્ષેપો અને તેની વિરુદ્ધ અનેક અરજીઓ બાદ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડને રદ કરી દીધા હતા.