ગણેશજીના વિસર્જનમાં સરસ્વતીએ એક જ પરિવારના 4નો ભોગ લીધો
ગણપતિ વિસર્જન દરમિયાન પાટણમાં સરસ્વતી નદીએ એક જ પરિવારના 4 સભ્યોનો ભોગ લેતા સમગ્ર પાટણમાં માતમ છવાયો છે.
પાટણની સરસ્વતી નદીમાં બુધવારે સાંજે ગણેશ વિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા બાદ ચાર લોકોના મોત થયા હતા. પાટણના વેરાઇ ચકલા વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારની માતા, બે પુત્રો અને મામાનું મોત થયું હતું. આજે સવારે આ પરિવારમાં એક સાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા આખું પાટણ હીબકે ચડ્યું હતું. વેરાઇ ચકલા ખાતેથી એકસાથે ચારેયની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો હતો. પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ સર્જાઈ હતી.
નીતિશભાઈ પ્રજાપતિ પરિવારમાં પોતે, તેમનાં પત્ની અને બે પુત્રો રહેતાં હતાં. બુધવારે સર્જાયેલી કરુણાંતિકામાં પત્ની અને બે બાળકોનાં મોત થતાં નીતિશભાઈએ એક જ દિવસમાં ત્રણ ત્રણ પરિવારજનો ગુમાવ્યાં છે.
ગણેશ વિસર્જન સમયે ઘટના બની હતી
પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં રહેતો નીતિશભાઇ પ્રજાપતિનો પરિવાર ગણેશોત્સવ દરમિયાન ગણપતિ લાવી તેનું 5 દિવસ પૂજન-અર્ચન કરી બુધવારે સાંજે સરસ્વતી નદીમાં વિસર્જન કરવા ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા. પરંતુ માતા શીતલબેન પ્રજાપતિ અને બે પુત્રો જિમિત અને દક્ષ સહિત મામા નયન રમેશભાઇ પ્રજાપતિ સરસ્વતી નદીના વહેતા પાણીમાં ડૂબી ગયા હતા. તરવૈયાઓ દ્વારા ચારેયને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે ચારેયને મૃત જાહેર કર્યા હતા. રાત્રિના સમયે તમામના પોસ્ટમોર્ટમ કરી લાશને તેઓનાં પરિજનોને સોંપવામાં આવી હતી.
પરિવારજનોનું હૈયાફાટ રુદન
ગણપતિ વિસર્જનમાં બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એકસાથે ચાર લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..
પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઇ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે ચાર ચાર લોકોના મૃતદેહો જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.
પદ્મનાથવાડી મુક્તિધામમાં એક કામચલાઉ ચિતા બનાવવી પડી
ચારેય મૃતકની અંતિમવિધિ માટે મૃતદેહોને પાટણના પદ્મનાથ વાડી મુક્તિધામમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં અંતિમ સંસ્કાર માટે ત્રણ જ ચિતા હોવાથી ચોથી ચિતા સમાજના લોકોએ ઈંટો મૂકીને તૈયાર કરી હતી. ત્યારબાદ ચારેય લોકોના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પાંચ દિવસ ગણેશજીની પૂજા બાદ ચાર લોકોને મોત મળ્યું
પાટણના આ પ્રજાપતિ પરિવારે રંગેચંગે, હોંશેહોંશે પાંચ દિવસ સુધી ગણપતિની પૂજા અર્ચના કરી હતી. જો કે, તેમને ક્યાં ખબર હતી કે આ ગણેશોત્સવ જ તેમના માટે મોતનો પૈગામ લઈને આવશે. બુધવારે પરિવાર ગણેશ વિસર્જન માટે સરસ્વતી નદીએ ગયો હતો. ‘અગલે બરસ તું જલ્દી આના’ ના નાદ સાથે પરિવારના તમામ સભ્યો ખુશખુશાલ હતા. પરંતુ, કુદરતને કંઈક ઓર જ મંજૂર હતું. એક બાળક ડૂબ્યા બાદ તેને બચાવવા એક બાદ એક છ લોકો નદીમાં કૂદી પડ્યા હતા. જેમાં ત્રણ લોકોને તો બચાવી લેવાયા હતા. પરંતુ શીતલબેન, જિમિત, દક્ષ અને નયનભાઈનાં મોત નીપજતા ખુશીના પ્રંસગમાં માતમ છવાયો હતો. હવે જ્યારે પણ ગણેશોત્સવ આવશે ત્યારે આ પરિવારના રૂઝાયેલા ઘા ફરી જીવતા થઈ ઉઠશે.
આ પણ વાંચો: ગણેશજીને સુરક્ષાની જરૂર પડી, 20 પંડાલોમાં પોલીસે કેમેરા મૂક્યા