જૂનાગઢમાં દલિત યુવકને મારવાના કેસમાં ગણેશ જાડેજા સામે ચાર્જશીટ રજૂ
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે જૂનાગઢમાં દલિત યુવાનને માર મારી ગોંધી રાખવાના કેસમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે.

ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશની મુશ્કેલીમાં વધારો થયો છે. જૂનાગઢમાં દલિત યુવકને ગોંધી રાખી માર મારવાના કેસમાં ગણેશ છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી જેલમાં છે. આ મામલે હવે પોલીસે જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં પુરાવાઓનો નાશ કરવા સહિતની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે ગણેશ સામે કેસ મજબૂત થશે.
જુનાગઢમાં દલિત યુવકના અપરહણના કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. આ કેસમાં ગણેશ જાડેજા સહિત ૧૧ લોકો સામે ગુનો નોંધાયો હતો.
સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. આગાઉ આ કેસમાં ગણેશ જાડેજાની ગેંગના સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ગણેશ ફરાર હતો. એ પછી તેની ધરપકડ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં દલિત અને તેના સાગરિતોએ 30મેની રાતે જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરી તેને ગોંડલ સ્થિત પોતાના ઘરમાં ગોંધી રાખ્યો હતો અને નગ્ન કરીને માફી મગાવી હોવાનો આક્ષેપ લાગ્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના ૩ સાગરિતોને જૂનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારથી ગણેશ સહિતના તેના સાથીઓ જેલમાં છે.
આ પણ વાંચો: ગણેશના સમર્થનમાં ગોંડલ યાર્ડ અને 84 ગામોના બંધમાં કેટલું સત્ય?