ગુજરાતના પાઠ્યપુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંકર જુઠ્ઠાણાં છપાયા
ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળના એક પુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ વિશે મનઘડંત માહિતી છપાઈ છે, જેને દૂર કરવા હવે ગુજરાતના બુદ્ધિસ્ટોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ગુજરાતમાં એક બાજુ સમયાંતરે કોઈને કોઈ ખોદાણ કે સાઈટ પર બુદ્ધ ધર્મના અવશેષો મળી આવે છે, ગુજરાત એક સમયે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર રહ્યું છે તે વાત હવે કોઈથી છુપી નથી. જૂનાગઢથી લઈને છેક ઉત્તર ગુજરાતના આખા પટ્ટામાં અને મધ્ય ગુજરાતમાં ચાંપાનેર અને પાવાગઢ આસપાસનો વિસ્તાર પણ બૌદ્ધ ધર્મના રંગે રંગાયેલો હતો એ વાત હવે જગજાહેર છે. બીજી તરફ સરકારમાં બેઠેલા લોકો આ તથ્ય સ્વીકારવાને બદલે બુદ્ધ અને બુદ્ધિઝમને યેનકેન પ્રકારે બદનામ કરવાની એક તક છોડતા નથી. આવો વધુ એક દાખલો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના એક પુસ્તકમાં સામે આવ્યો છે. જેમાં તથાગત ગૌતમ બુદ્ધ વિશે મનઘડંત માહિતી છાપી દેવામાં આવી છે. જેને લઈને હવે ગુજરાતના બુદ્ધિસ્ટો મેદાનમાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલ ધોરણ 12ના સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અનેક ખોટી માહિતીઓ છાપવામાં આવી છે. આ પુસ્તકમાં તથાગત ગૌતમ બુદ્ધ અને બુદ્ધિઝમ વિશે અનેક મનઘડંત અને તથ્યવિહોણી માહિતી છાપી દેવાતા સમગ્ર બૌદ્ધ સમાજની લાગણી દુભાઈ છે. જેને લઈને હવે ગુજરાતના બુદ્ધિસ્ટોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, શાળા પાઠ્યપુસ્તક મંડળના નિયામક સહિત લાગતા વળગતા મંત્રીઓ, અધિકારીઓને આ જુઠ્ઠાણાં દૂર કરવા રજૂઆત કરી છે.
આ મામલે ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમીના વિનીત બૌદ્ધે ગુજરાત સરકાર અને શાળા પાઠ્યપુસ્તક મંડળને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, પાઠ્યપુસ્તક મંડળના નિયામક અને રાજ્યના તમામ ધારાસભ્યોને સંબોધીને એક પત્ર લખ્યો છે,
આ પણ વાંચો: બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે
વિનીત બૌદ્ધે પત્રમાં જણાવ્યું છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 માટે તૈયાર કરેલ સમાજશાસ્ત્ર વિષયના પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે અસત્ય અને મનઘડંત માહિતીઓ આપવામાં આવી છે. તેથી ગુજરાતમાં વસતા લાખો બૌદ્ધ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તેની નોંધ લેશો અને બૌદ્ધ ધર્મ વિશે લખાયેલી ખોટી માહિતીઓને રદબાતલ કરીને સત્ય હકીકત મૂકશો, જેથી ભાવિ પેઢીને બૌદ્ધ ધર્મનો સાચો પરિચય થાય અને દેશમાં મૈત્રી અને સમાનતાના ગુણોનો વિકાસ થયા."
વિનીત બૌદ્ધે આ મામલે કેટલાક સજ્જડ પુરાવાઓ પણ રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, "ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ મંડળ, ગાંધીનગર દ્વારા બૌદ્ધ ધર્મ અને બૌદ્ધ અનુયાયીઓ વિશે અસત્ય માહિતી આપીને વિદ્યાર્થીઓના કુમળા માનસને કલુષિત કરવામાં આવે છે, તેના સજ્જડ પુરાવા ધોરણ 12ના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં નીચે મુજબ મળે છે.
જુઠાણું નંબર - 1
"બૌદ્ધ ધર્મમાં બે સ્તર છે. જેમાં ઉચ્ચ સ્તરના બૌદ્ધો બ્રાહ્મણ, ક્ષત્રિય અને અમુક કક્ષાના ગૃહપતિઓ છે. જ્યારે નિમ્ન સ્તરમાં બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત થયેલા આદિવાસીઓ અને સિમાંત સમૂહો છે."
આ પણ વાંચો: બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર
ઉપર જણાવેલ હકીકત/માહિતી તદ્દન જુઠી છે. વાસ્તવમાં બૌદ્ધ ધર્મ મહાસાગર સમાન છે. તેમાં સમાજના તમામ તબક્કાના લોકો હોય છે. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય કે અન્ય વર્ગ નથી હોતા. બૌદ્ધ ધર્મમાં જાતિવાદ નથી. હિન્દુ ધર્મમાં જે વર્ણવાદ અને જાતિવાદ છે તેવો બૌદ્ધ ધર્મમાં નથી. બૌદ્ધ ધર્મમાં ધર્માંતરિત આદિવાસીઓ છે તેવું કહેવું પણ જુઠાણું છે.
જુઠાણું નંબર - 2
બૌદ્ધ ધર્મ અનાત્મવાદી છે પરંતુ પુસ્તકમાં બૌદ્ધ ધર્મ પુનર્જન્મમાં માને છે તેવું જુઠાણું લખ્યું છે. સત્ય તો એ છે કે બૌદ્ધ ધર્મમાં "સંતતિવાદ" છે જે વૈજ્ઞાનિક રીતે સત્ય ઠરે છે.
જુઠાણું નં. - 3
બૌદ્ધ ધર્મમાં 'વિરાજયાન' જેવી કોઈ વિચારધારા નથી તેમ છતાંય પુસ્તકમાં આવું જુઠાણું લખવામાં આવ્યું છે અને જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે.
જુઠાણું નં. - 4
તેમના ધર્મગુરૂ લામા તરીકે ઓળખાય છે. - આ વિધાન પણ જુઠાણું છે. હકીકતે, લામા તિબેટિયન બૌદ્ધ સંપ્રદાયના ધર્મગુરુઓ છે, નહિ કે સમગ્ર બૌદ્ધ ધર્મના. બૌદ્ધ ધર્મના ધર્મગુરુઓ "ભિક્ષુઓ" તરીકે ઓળખાય છે. તેથી પુસ્તકમાં બૌદ્ધ ધર્મગુરુઓ વિશેનું વિધાન પણ અસત્ય છે.
વિનીત બૌદ્ધના જણાવ્યા પ્રમાણે, "સમાજશાસ્ત્ર ધોરણ 12 ના પુસ્તકમાં પેજ નં .16 પર પેરા નં (6) પર લખેલી માહિતી ખોટી છે, જૂઠી છે અને તે બદઈરાદાથી પ્રેરિત છે. તેથી બૌદ્ધ સમાજમાં ભારોભાર આક્રોશ છે અને તે જુઠાણાને દૂર કરી બૌદ્ધ ધર્મના સત્યને ઉજાગર કરવું જોઈએ તેવી બૌદ્ધોની માંગ છે. આથી, પાઠ્યપુસ્તકમાં લખાયેલ જુઠાણાં સામે આક્રોશને વાચા આપવા અને ખોટી અને જુઠી માહિતી રદબાતલ કરી સત્ય માહિતી જોડવા માટે રજૂઆત કરવાની ગુજરાત બુદ્ધિસ્ટ અકાદમી ને ફરજ પડી છે. અમે આશા રાખીએ છીએ કે, આ તમામ હકીકતોને ધ્યાનમાં લઈને બૌદ્ધ ધર્મ અંગે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી ખોટી માહિતીઓ રદ કરવામાં આવશે અને સત્ય માહિતીઓ મૂકવામાં આવે."
આ પણ વાંચો: ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
UmangparmarUmangparmar