દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના

દેશની લગભગ તમામ આઈઆઈટી, આઈઆઈએમમાં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે. સૌથી વધુ ખાલી જગ્યા ઓબીસીની છે. વાંચો શિક્ષણ જગતમાં ચાલતા જાતિવાદને નગ્ન કરતો રિપોર્ટ.

દેશની 8 IIT, 7 IIM માં 80 ટકાથી વધુ શિક્ષકો સવર્ણ જાતિના
પ્રતિકાત્મક તસવીર

જાતિવાદ જેવું કશું ક્યાં હવે છે જ - એવું કહેનારના મોં પર સણસણતો તમાચો મારતો એક રિપોર્ટ સામે આવ્યો છે. એક આરટીઆઈમાં થયેલા ખૂલાસા મુજબ દેશની 8 આઈઆઈટી અને 7 આઈઆઈએમમાં 80 ટકાથી પણ વધુ શિક્ષકો કથિત સવર્ણ જાતિના છે. એમાં પણ બે IIT અને ત્રણ IIM માં તો 90 ટકાથી વધુ સંખ્યા જનરલ કેટેગરીના શિક્ષકોની છે. એ જ રીતે અન્ય છ આઈઆઈટી અને ચાર આઈઆઈએમમાં ​​આ સંખ્યા 80-90 ટકાની વચ્ચે છે. આ આંકડા આરટીઆઈ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામે આવ્યા છે.

અહીં ચોંકાવનારી બાબત એ છે કે, કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે આ સંસ્થાઓમાં 27 ટકા બેઠકો, SC માટે 15 ટકા અને આદિવાસી સમુદાય માટે 7.5 ટકા બેઠકો અનામત રાખી છે. તેમ છતાં 90 ટકાથી વધુ શિક્ષકો સવર્ણો છે.

IIM ઇન્દોરમાં, 109 માંથી 106 પોસ્ટ સામાન્ય કેટેગરીના લોકો પાસે છે. અહીં એસસી અને એસટી કેટેગરીના કોઈ શિક્ષક નથી. જ્યારે IIM ઉદયપુરમાં સામાન્ય વર્ગના શિક્ષકોની સંખ્યા 90 ટકાથી વધુ છે. IIM લખનૌમાં આ સંખ્યા વધીને 95 ટકા થઈ ગઈ છે. છ આઈઆઈએમમાં ​​એસટી કેટેગરીના એક પણ શિક્ષક નથી. IIM બેંગ્લોરમાં, જ્યાં અનામત લાગુ કરવા માટે નિયમિત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, ત્યાં 85 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.

IIT મુંબઈ અને IIT ખડગપુરના 700 શિક્ષકોમાંથી 90 ટકા શિક્ષકો જનરલ કેટેગરીના છે. જ્યારે મંડી, ગાંધીનગર, કાનપુર, ગુવાહાટી અને દિલ્હી IITમાં આ આંકડો 85 ટકા છે.

આ પણ વાંચો:  દેશની સંપત્તિમાં દલિતોનો હિસ્સો ફક્ત 2.6 ટકા, જનરલનો 89 ટકા

એકંદરે 13 IIM માં 82.8 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. જ્યારે 5 ટકા એસસી અને 1 ટકા એસટી કેટેગરીના છે. જ્યારે 9.6 ટકા ફેકલ્ટી સભ્યો ઓબીસી કેટેગરીના છે. બાકીના EWS અને શારીરિક રીતે વિકલાંગ લોકો માટે છે.

21 IIT માં, 80 ટકા શિક્ષકો જનરલ કેટેગરીમાંથી છે. જ્યારે 6 ટકા SC અને 1.6 ટકા ST અને 11.2 ટકા ઓબીસી કેટેગરીના છે. બાકીની સીટો EWS અને વિકલાંગ વર્ગ માટે અનામત છે.

જો કે તમામ IIT અને IIM આવી નથી. IIT પટનામાં 38 ટકા ફેકલ્ટી OBC સમાજની છે. જ્યારે 22 ટકા SC અને 13 ટકા ST સમાજના છે. અહીં માત્ર 12 ટકા જ જનરલ કેટેગરીના છે. IIT ભિલાઈ અને ઈન્દોરમાં પણ 50 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે.

તેવી જ રીતે IIM જમ્મુમાં 51 ટકા ફેકલ્ટી જનરલ કેટેગરીના છે. 19 ટકા SC, 5 ટકા ST, 23 ટકા OBC અને 2 ટકા EWS કેટેગરીના છે.

જે સંસ્થાઓએ વિગતો પુરી પાડી છે તેમાં 7 IIM માં કુલ 256 જગ્યાઓ ખાલી હતી. જેમાં તમામ કેટેગરીમાં સૌથી વધુ ઓબીસી કેટેગરીની હતી, જેની સંખ્યા 88 છે. આ સિવાય SC સમાજની 54 જગ્યાઓ ખાલી છે. જ્યારે STની 30 જગ્યાઓ ખાલી છે.

તેવી જ રીતે, 11 IITમાં 1557 જગ્યાઓ ખાલી છે. જેમાં સૌથી વધુ 415 ઓબીસીની છે અને 223 SC અને 129 ST સમાજની છે.

આ પણ વાંચો: IIM લખનઉમાં જાતિવાદઃ 86 ટકા ફેકલ્ટી સવર્ણ, SC 2 ટકા, ST ઝીરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.