97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો રિપોર્ટ ભારતમાં મહિલાઓની શ્રમબળમાં ભાગીદારી કેમ ઘટી રહી છે તેનો વિસ્તૃત ચિતાર આપે છે.

97.8 ટકા મહિલાઓને પરિવાર માટે સવેતન કામ છોડવું પડે છે
image credit - Google images

ચંદુ મહેરિયા

વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જોકે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે. પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. 

શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી  પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧ થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.

આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નના કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વલ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’  પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે  શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.

લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.સામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું  કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારના કામો માટે પુરુષોને અને ઘરના કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.

શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પધ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામના સ્થળો દૂર આવેલા હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે  છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી.પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી.  સગવડયુક્ત માળખાકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.

કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઉભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.

સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે.એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃધ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઉભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃધ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જીડીપીનો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)માં  ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે.ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃધ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.

કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ  જેવાં પગલાં લઈ શકાય.સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરના અને બહારના કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.

કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓ ની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું  રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવા કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી  નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.

ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ.મહિલાઓના કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.

maheriyachandu@gmail.com(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: તાજમહેલને ઈતિહાસ ગણીએ તો તેના શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.