પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી

પીએમ મોદીની ભાષણ કરવાની કળાને સૌ વખાણે છે, પણ આ વખતની ચૂંટણીમાં તેમના નિમ્નકક્ષાના ભાષણોએ જ ભાજપને હરાવ્યો હોય તેવું દેખાય છે.

પીએમના સાવ નિમ્નકક્ષા ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગોએ ભાજપને હરાવી
image credit - Google images

લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાને છ દિવસ થઈ ગયા છે અને રાજકીય નિષ્ણાતો ભાજપને થઈ રહેલા નુકસાનની સમીક્ષા કરી રહ્યાં છે. આ સમીક્ષામાં અનેક તારણો સામે આવી રહ્યાં છે. આ પૈકી સૌથી ચોંકાવનારું તારણ ખુદ વડાપ્રધાન મોદીના સાવ નિમ્ન કક્ષાના ભાષણો, વાંધાજનક શબ્દપ્રયોગો અને તોછડી ભાષા રહ્યાં હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે મોદીના ભાષણોના આધારે જ ભાજપ ચૂંટણી જીતતો હોવાની છાપ છે, પણ આ વખતની લોકસભા ચૂંટણીમાં તેનાથી ઉલટું ચિત્ર જોવા મળ્યું હતું અને મોદીના ભાષણોના કારણે જ ભાજપનું મોટાપાયે ધોવાણ થઈ ગયું હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણ દરમ્યાન વિપક્ષોને અને તેમના નેતાઓ માટે જે શબ્દપ્રયોગ કર્યા તેની માત્ર વિરોધ પક્ષના નેતાઓએ જ નહીં દેશના નાગરિકોએ પણ ટીકા કરી હતી. લોકો માનતા હતા કે દેશના વડાપ્રધાન આવા શબ્દપ્રયોગ સાથે હલકા વિચારો વ્યક્ત કરીને વિપક્ષો પર ઝેર ઓકે તે શોભાસ્પદ નથી. વડાપ્રધાન તો દેશના રોલ મોડેલ અને ફાધર ફિગર તરીકે જોવાતા હોય છે. તેથી તેમણે આ હદની નીચલી પાયરીએ જવું ન જોઈએ. એક કોંગ્રેસ નેતાએ તો એમ પણ પ્રતિક્રિયા આપી કે મોદી માનસિક બીમાર થઈ ગયા હોય તેમ લાગે છે. તેમને સારવારની જરૂર છે. મોદીના આવા ભાષણને લીધે મતદારો ભાજપથી દૂર થઈ ગયા હોવાનું માનનારો એક મોટો વર્ગ ભાજપમાં જ પેદા થયો છે.

મટન માછલીનું વિવાદસ્પદ ભાષણ

જમ્મુ કાશ્મીરની પ્રચાર સભામાં મોદીએ વાયરલ બનેલ એક વીડિયોનો સંદર્ભ આપીને કહ્યું હતું કે રાહુલ ગાંધી બિહારમાં લાલુ પ્રસાદને ઘેર ગયા હતા. અને કઈ રીતે મટનની વાનગી બને તેનું નિદર્શન તેના ઘરના સભ્યોને કર્યું હતું. મોદીએ તે પછી કહ્યું હતું કે કોર્ટે જેને સજા આપી છે અને જે જામીન પર છે (લાલુ યાદવ) એવા ગુનેગારને ઘેર જઈને રાહુલ ગાંધી મટન બનાવવાની મજા લઈ રહ્યા છે. આવા વીડિયો રાહુલ પોતે જ વાઈરલ બનાવીને દેશના નાગરિકોને ચીઢવવાનું કામ કરે છે.

મોદીએ એ જ સભામાં ટોણો મારતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ માછલી ખાય છે, એટલું જ નહીં તે નવરાત્રિના પવિત્ર તહેવારમાં તેનો વીડિયો પણ વહેતો કરે છે. નવરાત્રિમાં નોનવેજ ખાવાનું બતાવીને તમે કોની ભાવનાને ઠેસ પહોંચાડો છો અને કોને ખુશ કરવાનો ખેલ ખેલી રહ્યા છો તે હું જાણું છું.

મોદીએ એમ પણ કહ્યું કે રાહુલ ગાંધી અને તેજસ્વી માંસાહાર કરીને તેઓની મુગલ વિચારસરણીને પ્રદર્શન કરે છે, પણ જનતા જયારે જવાબ આપશે ત્યારે શાહી ખાનદાનોના યુવરાજોને બેદખલ કરી દેતી હોય છે.

વિપક્ષના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગ સાથે સરખાવ્યો

ઉત્તર પ્રદેશના સરહાનપુરમાં ભાજપની વિશાળ રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે જે કોંગ્રેસે આઝાદીની લડાઈ લડી હતી તેની સાથે તો કેવા દિગ્ગજો જોડાયેલા હતા. આઝાદીની લડાઈ લડનારી કોંગ્રેસ તો દાયકાઓ પહેલા સમાપ્ત થઈ ગઈ, હવે જે કોંગ્રેસ બચી છે તેની પાસે દેશના હિત માટે કોઈ નીતિ નથી કે નથી રાષ્ટ્ર નિર્માણનું વિઝન. વર્તમાન કોંગ્રેસના ઘોષણાપત્ર પરથી મુસ્લિમ લીગ તરીકેની છાપ ઉપસી  આવે છે તેમ મોદીએ કહ્યું હતું.

આ પણ વાંચો: મોદીરાજના દાયકામાં કેવી રીતે બોલીવૂડ મનુવાદીઓના નિશાન પર રહ્યું

બિહારના પાટલીપુત્રમાં મોદીએ ભાષણ દરમ્યાન કહ્યું હતું કે ઈન્ડિયા ગઠબંધને  વોટ બેંકની ગુલામી કરવી હોય તો ભલે કરે, તેઓ તો તે માટે સ્વતંત્ર છે. તેઓ “મુજરા” કરે છે. હું એસસી, એસટી અને ઓબીસી અનામત માટે મક્કમતાથી ઉભો રહીશ. જો કે વાસ્તવિકતા એ છે કે, છેલ્લાં દસ વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને આ સમયગાળામાં અનામત પર જેટલા પ્રહારો થયા છે તેટલા અગાઉ ક્યારેય નથી થયા. દલિતો પર અત્યાચારો વધ્યા છે, ગૌરક્ષકો બેફામ બન્યા છે, એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાનું કૃત્ય પણ મોદી સરકારના રાજમાં જ થયેલું. તેમ છતાં હું અનામતના રક્ષણ માટે ઉભો છું, તેવું જુઠ્ઠાણું ચલાવ્યું, પણ મતો મળ્યાં નહીં.

બંધારણ બદલી નાખવાની માનસિકતા

સત્તાના મદમાં અંધ બની ગયેલા ભાજપના નેતાઓએ અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ જ્યારે લોકોએ સવાલ પૂછ્યો કે, શા માટે આટલી જંગી બહુમતી જોઈએ છે. તો અનંત હેગડેએ કહ્યું કે, બંધારણ બદલવા માટે જોઈએ. વડાપ્રધાનના આર્થિક સલાહકાર વિવેક દેબરોયે પણ એક લેખમાં આવી જ વાત કરી હતી. આ બાબતમાં પાછું વડાપ્રધાને તો સાવ વિચિત્ર નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે, બાબાસાહેબ આંબેડકર આવે તો પણ દેશનું બંધારણ બદલી નહીં શકે. બૌદ્ધિકોને આ નિવેદન અત્યંત બાલિશ લાગ્યું હતું. કેમ કે બાબાસાહેબે તો આ દેશનું બંધારણ ઘડ્યું હતું અને તેઓ તો બંધારણના મજબૂત તરફદાર હતા, તેઓ શા માટે બંધારણ બદલ? આ વિવાદે પીએમની છબિને વધુ ખરડી હતી.

મંગળસૂત્રનો વિવાદ

રાજસ્થાનમાં એક ચૂંટણી સભામાં મોદીએ બહેનોને ભડકાવતા કહ્યું કે કોંગ્રેસની નજર તમારા સોના પર છે. તેઓ તમારૂ મંગલસૂત્ર પણ છીનવી લેશે. કેમ કે દરેકની પ્રોપર્ટીનો તેઓ સર્વે કરશે. બહેનો પાસે કેટલુ સોનું છે તેની તપાસ થશે. આદિવાસીઓ પાસે ચાંદી હોય છે તેનો પણ કોંગ્રેસ હિસાબ લેશે. સોનું હશે તે બહેનો પાસે તેનો હિસાબ માંગશે.

ગાંધીજી અને ગાંધી ફિલ્મનો વિવાદ

મોદીએ એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું કે મહાત્મા ગાંધીને ૧૯૮૨માં તેમના પર એક વિદેશીએ ફિલ્મ બનાવી તે પહેલા વિશ્વમાં તેની કોઈ ખાસ ઓળખ નહોતી. અગાઉના દાયકાઓમાં જેઓનું શાસન હતું તેની એવી જવાબદારી નહોતી કે પુરી દુનિયા મહાત્મા ગાંધીને જાણે. મોદીએ તે પછી ઉમેર્યું કે દુનિયા માર્ટિન લ્યૂથર કિંગ અને નેલ્સન મંડેલા વિશે જાણે છે. મહાત્મા ગાંધી કોઈથી કમ નહોતા. તે પછી તેમની સરકારે મહાત્મા ગાંધીજી માટે શું કર્યું તે જણાવ્યું હતું. મોદીએ એવા કેટલાયે તેમના સ્તરના નિવેદનો કર્યા જે વડાપ્રધાન જેવા ગરિમામય પદે રહેલી હસ્તીને ન શોભે. સરેરાશ ભારતીય મતદાર આ બધું જોતો હતો અને તેણે સમજી વિચારીને જ જાણે ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. એક સમયે જે વડાપ્રધાનના ભાષણો તેમની સૌથી મોટી તાકાત ગણાતા હતા, તે જ ભાષણો આ વખતની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને પીએમ માટે હારનું કારણ બની ગયા.

આ પણ વાંચો: મોદીના વડાપ્રધાન બનવાનો મદાર હવે નીતિશ-ચંદ્રાબાબુ પર નિર્ભર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.