તું મૂછો કેમ રાખે છે? કહી લુખ્ખા તત્વોએ દલિત યુવક પર હુમલો કર્યો

જાતિવાદી લુખ્ખા તત્વોએ એક 18 વરસના દલિત યુવકનો રસ્તો આંતરી તું મૂછો કેમ રાખે છે કહીને લોખંડના પાઈપોથી જીવલેણ હુમલો કર્યો હતો.

તું મૂછો કેમ રાખે છે? કહી લુખ્ખા તત્વોએ દલિત યુવક પર હુમલો કર્યો
image credit - Google images

જાતિવાદી તત્વો આજેય અમુક બાબતો જાણે તેમના બાપની જાગીર હોય, તેમની જ ઓથોરિટી હોય તેમ વર્તે છે. ગુજરાતમાં આવા તત્વોની કમી નથી. આ એ તત્વો છે જેઓ મૂછો રાખવી, ઘોડી પર બેસવું, વરઘોડો કાઢવો, સાફો બાંધવો, ડીજે સાથે જાન લઈને જવું, મોંઘી કારમાં બેસીને નીકળવું જેવી બાબતો પર જાણે તેમના જ બાપદાદાઓના કોપીરાઈટ હોય તેમ વર્તે છે. આ જ તત્વોની દલિતો પર અત્યાચારના કેસોમાં પણ મોટી ભાગીદારી હોવાનું ભૂતકાળ પર નજર કરતા સમજાય છે. 

દલિત યુવાનો પર ભૂતકાળમાં મૂછો રાખવા જેવી બાબતે માથાભારે તત્વો દ્વારા હુમલાઓ થયા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ગામમાં દલિત યુવક બાઈક લઈને બાજુના ગામમાં શાકભાજી લેવા ગયો હતો, જ્યાંથી પરત ફરતી વખતે કેટલાક માથાભારે તત્વોએ તેનો રસ્તો રોક્યો હતો અને તને ના પાડી છે, છતાં તું મૂછો કેમ રાખે છે, તેમ કહીને લોખંડના પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં દલિત યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોઈ તેને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે યુવકે ફરિયાદ નોંધાવતા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અમરેલીના ખીજડીયા કોટડા ગામની ઘટના

મામલો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામનો છે. અહીં આકાશ સોલંકી નામના 18 વર્ષના અનુસૂચિત જાતિના યુવકે તા. 4 જૂનના રોજ બાબરા પોલીસ સ્ટેશનના અધિકારી સમક્ષ લખાવેલી ફરિયાદ મુજબ, તે પોતાના પરિવાર સાથે ખીજડીયા કોટડા ગામે રહે છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. ગત તા. 4 જૂનના રોજ સાંજના છ વાગ્યા આસપાસ તે ખીજડીયા કોટડા ગામેથી મોટા દેવળીયા ગામે મોટર સાયકલ લઈને શાકભાજી લેવા ગયો હતો અને શાકભાજી લઈને પરત તેના ગામ ખીજડીયા કોટડા આવતો હતો. એ દરમિયાન સાંજના 6.30 વાગ્યા આસપાસ ફુલઝર ગામે પહોંચ્યો હતો, જ્યાં ઉદય, ભગુ અને ધર્મેશે તેનું બાઈક રોક્યું હતું. અને તેને "ઢે@# તને અગાઉ મેં મૂછો રાખવાની ના પાડી હતી તેમ છતાં કેમ રાખે છે?" તેમ કહી તેને જાતિસૂચક ગાળો ભાંડી, તેનો કાઠલો પકડી મોટરસાયકલ પરથી નીચે ઉતારી તેના હાથમાં રહેલ લાકડીનો આકાશના માથા પાછળ ફટકારી દીધી હતી. જેથી આકાશના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. બૂમાબૂમ થતા બાજુમાં રહેતો ભરત વાળા આવી પહોંચ્યો હતા. તેણે આકાશને પાછળથી પકડી રાખ્યો હતો અને ભગુ તથા ધર્મેશે આકાશની પીઠ અને ડાબા હાથના કાંડા પર લોખંડના પાઈપથી ઘા કર્યા હતા.

આ પણ વાંચો: મારા માટે સાહિત્ય દલિતોને દમનમાંથી મુક્તિ અપાવવાનું હથિયાર છે

આ સિવાય પણ બીજા કેટલાક ઘા તેમણે આકાશને માર્યા હતા. હુમલાને કારણે આકાશે રાડારાડી કરી મૂકતા ભરત વાળાના કુટુંબી ગડુભાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે અને ભરત વાળાએ મળીને જમીન પર પડી ગયેલા આકાશને ઢીંકાપાટુનો માર માર્યો હતો. એ દરમિયાન આકાશના ઘરેથી ફોન આવતા તેના મમ્મી મનીષાબેન ભાઈ વિશ્વાસ તેને છોડાવવા આવી પહોંચ્યા હતા. જો કે, માથાભારે આરોપીઓએ આકાશના ભાઈ વિશ્વાસને પણ ઢીંકાપાટુ સહિતનો મૂંઢ માર માર્યો હતો. એ પછી આરોપીઓ જતા રહ્યા હતા. પરંતુ જતા પહેલા ઉદય નામના આરોપીએ આકાશને ધમકી આપી હતી કે, "હવે પછી જો મારી સામે મૂછો મરડી અને અગાઉની જેમ માથાકૂટ કરી તો જાનથી મારી નાખીશ." એ દરમિયાન આકાશના માથામાં ગંભીર ઈજા થઈ હોઈ તેના પરિવારજનો 108 એમ્બ્યૂલન્સ મારફતે તેને અમરેલી સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. હાલ અહીં આકાશની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે તેના માથામાં પાંચ ટાંકા આવ્યા છે. સારી વાત એ છે કે, તે સંપૂર્ણપણે ભાનમાં છે અને તેણે પોલીસ ફરિયાદ લખાવી છે.

ઉદયે અગાઉ પણ આકાશ સાથે માથાકૂટ કરેલી

આ ઘટનાના આરોપી ઉદયે આકાશ પર હુમલો કર્યો તેની પાછળ ગયા વર્ષની એક જૂની ઘટના જવાબદાર હોવાનું જણાય છે. આકાશ સોલંકીએ ફરિયાદમાં લખાવ્યા પ્રમાણે ગયા વર્ષે ગામથી બસમાં બેસીને જતી વખતે ઉદય આકાશની સીટ પર પગ રાખીને બેઠો હતો. જેથી આકાશે તેને પગ ખસેડવા કહ્યું હતું. ત્યારે ઉદયે તેને જાતિસૂચક ગાળો ભાંડી હતી અને ત્યારે પણ તેને "તારાથી મૂછો રખાતી નથી" તેમ કહીને તેની સાથે ઝઘડો કર્યો હતો. એ ઘટનાને લઈને આકાશે પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેનું મનદુઃખ રાખીને ઉદય સહિતના માથાભારે તત્વોએ આકાશ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો: રૂ. 10 લાખ આપો અને NEET ની પરીક્ષા સારા માર્કે પાસ કરો

એ ઘટના બાબતે પીડિત આકાશે જણાવ્યા પ્રમાણે, "તારીખ 14/8/2023 ના રોજ હું મારા ગામથી બસમાં બેસી અમરેલી જ તો હોય તે વખતે ફુલઝરનો ઉદય મારી પાછળની સીટમાં બેઠો હતો. તેના પગ મારી સીટ ઉપર મને અડે એમ રાખેલ હતા, જેથી મેં તેને પગ નીચે રાખવાનું કહેતા તે મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને 'તારાથી મૂછો રખાતી નથી' તેમ કહી મારી સાથે ઝઘડો કર્યો હતો. આ બાબતે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેનું મન દુઃખ રાખીને આ લોકોએ ફરી મને ગાળો ભાંડીને જાતિસૂચક અપશબ્દો કહીને જાહેરમાં હડધૂત કર્યો હતો. એટલું જ નહીં લોખંડની પાઈપના અને લાકડીઓ વડે માર મારી મારા માથામાં ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી મેં આ તમામ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

સમગ્ર મામલે આકાશ સોલંકીએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આઈપીસીની કલમ 323, 324, 143, 147, 148, 149, 504, 506(2) તથા એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r), 3(1)(s), 3(2)(v), 3(2)(5a) તથા જીપીએ 135 મુજબથી ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે જ, ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, ફરિયાદમાં આઈપીસીની કલમ 326, 307, 34 અને 120(બી)નો ઉમેરો કરી કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવે, પીડિત પરિવારને પોલીસ રક્ષણ પુરું પાડવામાં આવે, ફરાર આરોપીઓને છુપાવવામાં મદદ કરનાર અને રક્ષણ પુરું પાડનાર સામે ગુનો નોંધાય, તમામ આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે, ગુનામાં વપરાયેલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવે અને આરોપીઓને રિમાન્ડ પર લઈ તેઓ જામીન પર ન છુટે તેની તકેદારી રાખી, આરોપીઓ માથાભારે, ઝનૂની અને ગુનો કરવાની ટેવવાળા હોઈ તેમને જો જામીન પર છૂટે તો તરત તડીપાર કરી પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલમાં ધકેલી દેવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.