બોરમાં નહાવા પડેલા દલિત બાળકની વિધવા માતાને દબંગોએ ઢોર માર માર્યો

ઉનાળાની આકરી ગરમીમાં એક નિર્દોષ દલિત બાળક બાજુમાં આવેલા ખેતરના બોરમાં નહાવા ગયું તો માથાભારે શખ્સોએ તેની વિધવા માતાને માર મારીને અધમુઈ કરી નાખી.

બોરમાં નહાવા પડેલા દલિત બાળકની વિધવા માતાને દબંગોએ ઢોર માર માર્યો
image credit - Google images

જાતિવાદી તત્વોને ક્યારે કઈ બાબતે વાંકુ પડી જાય તે કશું કહી શકાય નહીં. દલિતો પ્રત્યે કાયમ સૂગ અને રોષ ધરાવતા તત્વોને દલિતોને સબક શીખવાડવા માટે જાણે કોઈ બહાનું જ જોઈતું હોય તેવી સ્થિતિ છે. દલિતો મૂછો રાખે, વરઘોડો કાઢે, ડીજે સાથે જાન જોડે, મોંઘી કારમાં બેસે  કે ઘોડો પલાણીને ગામમાંથી નીકળે તો માથાભારે તત્વો અંદરને અંદર બળીને રાખ થઈ જતા હોય છે. દેશનું બંધારણ આ દેશના નાગરિક તરીકે આપણને જે કેટલાક પ્રાકૃતિક અધિકારો આપે છે, તે દલિતો ભોગવે તો પણ જાતિવાદી તત્વોથી સહન થતું નથી. પરિણામે તેઓ પોતાનો અહમ સંતોષવા માટે દલિતો પર હુમલો કરતા ખચકાતા નથી. એ વખતે તેમને જાણે કાયદો વ્યવસ્થાનો પણ કોઈ ડર નથી રહેતો. આવા અનેક બનાવો દેશભરમાં બનતા રહે છે, જેમાના મોટાભાગ બનાવો પોલીસ ચોપડે નોંધાતા જ ન હોવાથી આપણા સુધી પહોંચતા નથી. જે કેટલાક બનાવો પોલીસ ચોપડે નોંધાય છે અને મીડિયા તેની નાની અમથી પણ નોંધ લે તો સ્થાનિક લેવલે તેની નાની અમથી ચર્ચા થયા બાદ આખો મુદ્દો વિસારે પાડી દેવાય છે. એમાં પણ મનુવાદી મીડિયા આરોપીઓના નામ લખતું નથી એટલે આખી ઘટના જાતિવાદની છે તે પણ લોકો સમજી શકતા નથી. પરિણામે દલિત અત્યાચારની આખી ઘટનાની ગંભીરતા ખતમ થઈ જાય છે.

એક આવી જ ઘટના હાલ સામે આવી છે, જેમાં એક દલિત વિધવાને ગામના માથાભારે તત્વોએ માર મારીને અધમૂઈ કરી નાખી. મહિલાનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેની જાણ બહાર તેનો નાનો દીકરો તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં આવેલા પાણીના બોરમાં નહાવા માટે જતો રહ્યો હતો. જેનાથી તેના માથાભારે માલિકને લાગ્યું કે પોતાનું આખું ખેતર અને પાણી અભડાઈ ગયું છે, તેથી તેણે તેના સાગરિતોને લઈને બાળકની માતાને માર માર્યો હતો. માર એટલો અસહ્ય હતો કે તેનાથી મહિલા અધમુઈ થઈ ગઈ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડી હતી. આ મામલે હવે પોલીસ ફરિયાદ થઈ છે.

બિહારના ગયા જિલ્લાની ઘટના

મામલો બિમારું રાજ્ય ગણાતા બિહારનો છે. અહીં ગયા જિલ્લાના શેરઘાટી પોલીસ સ્ટેશનના ફઝલાહા ગામમાં એક માથાભારે શખ્સે દલિત મહિલા સાથે અપમાનજનક વર્તન કર્યું અને તેને માર માર્યો. માર એટલો આકરો હતો કે દલિત મહિલા અધમૂઈ થઈ ગઈ. તેના શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. આખા મામલામાં મહિલાનો કોઈ વાંક નહોતો. બન્યું હતું એવું કે, મહિલાનો નાનો દીકરો ગરમીને કારણે અકળાઈ રહ્યો હતો અને તે નહાવા માટે તેના ઘરની બાજુમાં આવેલા ખેતરમાં મૂકેલા બોરના પાણીમાં નહાવા માટે ગયો હતો. જેની જાણ ખેતરના માલિકને થતા તેણે મહિલાના દીકરાને અપશબ્દો કહીને કાઢી મૂક્યો હતો. એ પછી તેના માણસો સાથે મળીને તેની માતાને માર માર્યો હતો, જેમાં તે બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ઘટના સોમવારે બપોરે બની હતી અને રાત્રે દલિત મહિલાને શેરઘાટીની સરકારી હોસ્પિટલ લઈ જવી પડી હતી. ઘાયલ મહિલાનું નામ કાંતિ દેવી હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

પીડિતાએ શું કહ્યું?

કાંતિ દેવીએ જણાવ્યું કે, "તેના બાળકો ગરમીના કારણે નજીકમાં આવેલા ખેતરમાં તેની જાણ બહાર નહાવા માટે જતા રહ્યા હતા. એ ખેતરમાં સિંચાઈ માટે મોટર મૂકી હોવાથી પાણી વહી રહ્યું હતું, જેનાથી આકર્ષાઈને બાળકો વહેતા પાણીમાં નહાવા માટે જતા રહ્યા હતા. જેની જાણ થતા જ ખેતરના માલિક સહિતના લોકોએ મને જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો. જે સહન ન થતા હું બેભાન થઈ ગઈ. હાલ હોસ્પિટલમાં છું. મને ન્યાય મળવો જોઈએ."

પીડિતા કાંતિ દેવીની મોટી દીકરી, જેના લગ્ન થઈ ગયા છે, તે રંજુ કુમારી કહે છે કે, "મારા પિતા નથી. બે ભાઈઓ છે જેમાંથી એક બહાર રહે છે. ઘરે એકલો નાનો ભાઈ છે. તેની સાથે પણ આ લોકો ગમે ત્યારે મારામારી કરે છે. નાની અમથી બાબતે પણ આ માથાભારે લોકો અમને હેરાન કરે છે. હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે. મારી માતાને આ લોકોએ ઢોર માર માર્યો. તે અધમૂઈ થઈ ગઈ. અમને જાતિસૂચક ગાળો ભાંડી. અમને ન્યાય મળે એ જ અમારી માંગ છે."

સવર્ણ મીડિયાએ ફરી આરોપીને છાવર્યા

ભારતનું કથિત સવર્ણો તરફી મીડિયા દલિતો, આદિવાસીઓ પર થતા અત્યાચારોને કદી ગંભીરતાથી લેતું નથી.  તેમનું ટાર્ગેટ ઓડિયન્સ માત્ર કહેવાતો ઉપલો વર્ગ હોવાથી આ વર્ગ દલિતો, આદિવાસીઓ પર ગમે તેટલો મોટો અત્યાચાર કરે, તો પણ તેઓ તટસ્થાથી આખી ઘટનાને રિપોર્ટ કરવાને બદલે આવા તત્વોને છાવરે છે.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ ચાર્જશીટ કરવા માટે સરકારની પરવાનગી લેવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવા છતાં પોલીસ તે ગુના માટે ચાર્જશીટ નથી કરતી. કેમ?

આ ઘટનામાં કંઈક આવું જ બન્યું છે. અનેક વખત સર્ચ કરવા છતાં ખબરઅંતર.કોમને આ કેસમાં આરોપીઓનું નામ જાણવા ન મળ્યું. હા, કથિત સવર્ણ તરફી મીડિયાએ ફરિયાદી મહિલા દલિત છે અને તેનું નામ કાંતિ દેવી છે એ લખ્યું, પણ તેના પર અત્યાચાર કરનાર માથાભારે તત્વોનું નામ લખવાનું તેમને યોગ્ય નહીં લાગ્યું હોય? શા માટે તેઓ આવા માથાભારે તત્વોના નામ નથી લખતા તે હવે આપણે સૌ જાણીએ છીએ. સવર્ણ મીડિયાની આ ચાલાકી હવે દલિતો, આદિવાસી, ઓબીસી કે લઘુમતી સમાજથી છુપી નથી. એટલે જ ખબરઅંતર.કોમનું કામ વધી જાય છે. મનુવાદી મીડિયા જે ઘટનાને પાંચ સાત લીટીમાં લખીને સંતોષ માની લે છે. તેવી દલિત, આદિવાસી અત્યાચારની ઘટનાઓના મૂળમાં જઈને આખી ઘટનાનું વિશ્લેષણ કરીને સાચી માહિતી આપના સુધી પહોંચાડવા શક્ય તેટલા પ્રયત્નો કરે છે. પણ અફસોસ કે, આ ઘટનામાં પણ આરોપીઓ કોણ છે, તેની જાતિ કઈ છે તે આપના સુધી પહોંચાડી શકાયું નથી. મનુવાદી મીડિયાની આ ચાલાકીઓ ખૂલ્લી પડે તે માટે ખબરઅંતર.કોમના આ રિપોર્ટ છેવાડાના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. તેના માટે આવી ઘટનાઓ તમે વાંચો અને બીજાઓને પણ વંચાવો તે જરૂરી છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ ગ્રુપમાં તેને શેર કરો, જેથી આ ષડયંત્ર ખૂલ્લું પડે અને પીડિત સમાજો તેને સમજતા થાય. ખબરઅંતર.કોમના ભારે મહેનતથી તૈયાર થતા આ સમાચારો છેવાડા માણસ સુધી પહોંચે તે આપણું ધ્યેય છે. તેના માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરી અન્ય લોકોને પણ તેમાં જોડો. આટલું કરીશું તો પણ સમાજ માટે કંઈક કર્યાનો સંતોષ લઈ શકીશું.

આ પણ વાંચો: ગાંધીનું ગુજરાત દલિત અત્યાચારોમાં અવ્વલ, છેલ્લાં 4 વર્ષમાં દલિત અત્યાચારની કુલ 5588 ઘટનાઓ નોંધાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.