'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો

શહેરમાં રહેતા લોકો એવું માનતા હોય છે કે જાતિવાદ હવે નાબૂદ થઈ ગયો છે પરંતુ ગામડાઓમાં આજે પણ જાતિવાદનું ઝેર ઓસર્યું નથી. જેની સાબિતી આપતી અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આવો જ એક બનાવ બનાસકાંઠા જિલ્લામાં બન્યો છે. અહીંના ડીસા તાલુકાના ઝેરડા ગામમાં એક શખ્સે 'હું દરબાર છું મને તું કહીને કેમ બોલાવે છે?' એમ કહીને દલિત યુવકને રસ્તા વચ્ચે આંતરીને તેને માર મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ બનાવ વિશે ઝેરડા ગામમાં રહેતા અને ખેતી કરીને ગુજરાન ચલાવતા શ્રવણ મેઘાભાઈ સોલંકી (ઉ.વ.૨૪)એ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તા.14/11ના બપોરના આશરે ચાર વાગ્યે તે ઘરેથી ટ્રેક્ટર લઈ ખેડવા માટે ગયો હતો. ટ્રેક્ટરની કલ્ટીની પાછળનો સામાન લગાવવાની આંકળી તૂટી જતા તે આશરે પોણા પાંચેક વાગ્યાની આસપાસ ઝેરડા બસ સ્ટેન્ડ ખાતે કલ્ટી રિપેર કરાવવા જતો હતો. તે વખતે યુવકની બાજુના ખેતરમાં રહેતો સિદ્ધરાજસિંગ મહેશસિંગ વાઘેલા (દરબાર) પોતાનું સ્પ્લેન્ડર બાઈક, જેની પાછળની નંબર પ્લેટના ભાગે 'બાપુ' લખેલું હતું, તે લઈ યુવકના ટ્રેક્ટરની આગળપાછળ ફરવા લાગ્યો. આવું ત્રણ વખત કરી ટ્રેકટરને તેનું બાઈક અડાડવાનો પ્રયાસ કર્યો હતો. આથી યુવકે ટ્રેક્ટર ઊભું રાખી તેને કહ્યું કે 'તું કેમ મારા ટ્રેક્ટરની આગળ પાછળ ઓવરટેક કરે છે?'
આ સાંભળીને સિદ્ધરાજસિંગ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે યુવકને મનફાવે તેમ ભૂંડી ગાળો બોલી અને જાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા. પછી બોલ્યો કે 'હું દરબાર છું તો તું તું કેમ કરે છે?'
આમ છતાં પણ યુવક કંઈ બોલ્યો નહીં અને ટ્રેક્ટરથી નીચે ઉતરી કલ્ટી સામાન સરખો કરવા માટે નીચો નમ્યો તે વખતે સિદ્ધરાજસિંગે બાજુના ખેતરમાંથી કામ કરવાની લોખંડની દાંતાવાળી દંતાળી લઈ યુવકના માથાના પાછળના ભાગે ઝીંકી દીધી હતી. યુવક નીચે રોડ પર પડી ગયો અને ત્યારબાદ સિદ્ધરાજસિંગે તેના જમણા ડાબા હાથે તેમ જ પીઠના પાછળના ભાગે દંતાળીથી વારંવાર માર માર્યો અને ઇજાઓ પહોંચાડી હતી.
હોબાળો થતા નજીકમાંથી માણસો ભેગા થઈ જતા આ સિદ્ધરાજસિંગ ભાગી ગયો હતો. જતા જતા તે યુવકને કહેતો હતો કે 'આ વખતે લોકો ભેગા થતા તું બચી ગયો છે, પણ હવે મારાથી બચીને રહેજે. બીજી વાર મળીશ તો તને જાનથી મારી નાખીશ.' તેવું કહી તેનું બાઈક લઈ જતો રહ્યો હતો
દરમિયાન યુવકના પિતરાઈ ભાઈ દશરથ નારણભાઈ સોલંકી તથા પરબતભાઇ ગોવાભાઇ સોલંકી આવી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવી યુવકને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યાંના ફરજ પરના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે યુવકને રિફર કર્યો હતો. હાલમાં યુવક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળે છે.
આગળ વાંચોઃ પોરબંદરના વીંઝરાણા ગામના પૂર્વ દલિત ઉપ સરપંચ પર જાતિવાદી તત્વોનો હિચકારો હુમલો, પીડિતની હિજરત