કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ
કેન્દ્ર સરકારમાં મોટાભાગના મંત્રીઓ કથિત સવર્ણ જાતિના છે, ભાજપ દલિત વિરોધી પક્ષ છે, તેણે દલિતોને સાઈડલાઈન કર્યા છે - આવું ભાજપના એક સાંસદે કહ્યું છે.

સામાન્ય રીતે ભાજપ પર કોંગ્રેસ સહિતના અન્ય વિપક્ષો દલિત વિરોધી હોવાનો આક્ષેપ લગાવતા હોય છે. પરંતુ હવે ખુદ ભાજપના જ એક સાંસદે પક્ષ પર દલિત વિરોધી હોવાનો જાહેરમાં આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારમાં મોટાભાગના મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દાઓ પર ફક્ત કથિત સવર્ણ જાતિના નેતાઓને જ પદો આપવામાં આવ્યા છે અને દલિતોને સાઈડલાઈન કરી દેવાયા છે. ભાજપ દલિત વિરોધી પક્ષ છે.
મામલો કર્ણાટક ભાજપનો છે, અહીં ભાજપના સાંસદ અને દલિત નેતા રમેશ જીગાજીનાગીએ પાર્ટી પર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પક્ષ વિરુદ્દ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોટાભાગના કેન્દ્રીય પ્રધાનો ઉચ્ચ જાતિના છે અને દલિતોને સાઈડલાઈન કરવામાં આવ્યા છે.
૭૨ વર્ષના રમેશ જીગાજીનાગી ૭ વખત સાંસદ રહી ચૂક્યા છે અને તેમની ગણના કર્ણાટકના અગ્રણી દલિત નેતાઓમાં થાય છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિજયપુરા સીટ પરથી જીતેલા જીગાજીનાગી ૨૦૧૬થી ૨૦૧૯ સુધી રાજ્યકક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ જનતા પાર્ટી, જનતા દળ, લોક શક્તિ અને જનતા દળ યુનાઈટેડમાં હતા.
આ પણ વાંચોઃ બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદારઃ ભાજપ નેતાનું નિવેદન
૨૦૨૪ની લોકસભા ચૂંટણી બાદ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન ન મેળવાથી તેઓ નારાજ હતા અને આ નારાજગીને તેમણે જાહેરમાં વ્યક્ત કરતા કહ્યું હતું કે, "મારા માટે મંત્રી પદ અગત્યનું નથી. મારા સમાજના લોકોનું સમર્થન મારા માટે મહત્વપૂર્ણ છે. જીત્યા બાદ જ્યારે હું લોકો વચ્ચે ગયો તો તેમણે મને ખૂબ ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે આ પાર્ટીમાં જોડાતા પહેલા મારે જાણવું જોઈતું હતું કે આ દલિત વિરોધી પાર્ટી છે. લોકોએ કહ્યું હતું કે મારે ભાજપમાં જોડાવું જોઈએ નહીં. મને આ પદ આપવામાં આવે તેવી મારા સમાજ અને જનતાની અપેક્ષા હતી. તમે લોકો મને કહો કે આ ન્યાય છે કે અન્યાય?"
રમેશ જીગાજીનાગીએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે, "સમગ્ર દક્ષિણ ભારતમાં એક દલિત નેતા તરીકે હું એકલો જ વિજયી બન્યો છું. અત્યાર સુધીમાં ૭ ચૂંટણી જીતી ચૂક્યો છે. તમામ ઉચ્ચ જાતિના લોકો મંત્રી બન્યાં. શું આનો મતલબ એવો થાય કે દલિતોએ ભાજપને મત નથી આપ્યા? હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે મને આ નિર્ણયથી ખૂબ જ દુઃખ થયું છે."
તમને જણાવી દઈએ કે જીગાજીનાગીએ ૧૯૯૮માં લોકસભાની પહેલી ચૂંટણી લોક શક્તિ પાર્ટીની ટિકિટ પર જીતી હતી. ત્યારથી તેઓ અત્યાર સુધીમાં તેમણે બધી જ ચૂંટણીઓ જીતી છે. તેઓ સતત ૭ વખત સંસદ પહોંચ્યા છે. તેઓ ૧૯૮૩માં તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા અને બાદમાં ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. વર્ષ 2016 અને 2019માં તેઓ પેયજળ અને સ્વચ્છતા મંત્રી રહ્યા હતા.
આ પણ વાંચોઃ અયોધ્યા તો દૂર, આસપાસના 100 કિ.મી. વિસ્તારમાં ભાજપ જીતી ન શકી
જો કે, રાજકારણનો આટલો લાંબો અનુભવ હોવા છતાં ભાજપે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ નહોતા કર્યા. ભાજપ પક્ષ પર દલિત વિરોધી હોવાનો આરોપ સતત લાગતો રહે છે. મોટાભાગે આ આરોપ વિપક્ષો દ્વારા લગાવવામાં આવે છે પરંતુ પહેલીવાર તેમના જ પક્ષના એક સાંસદે તેને દલિત વિરોધી કહ્યો છે, જેને લઈને વિપક્ષોને મોટો મુદ્દો મળી ગયો છે.
કર્ણાટકમાં કુલ 28 સીટો છે અને ભાજપ આ વખતે 17 સીટો પર જીતી છે. એનડીએના સાથી પક્ષ જેડીએસને 2 સીટો મળી છે. કોંગ્રેસે 9 સીટો પર જીત મેળવી છે. કર્ણાટકમાં આ વખતે કેન્દ્રીય મંત્રીમંડળમાં 4 ચહેરા સામેલ છે. એમાં પ્રહલાદ જોષી સાથે શોભા કરાંદલાજે, વી સોમન્ના અને જેડીએસના એચ.ડી. કુમારસ્વામીનો સમાવેશ થાય છે. મોદી સરકારમાં 29 ઓબીસી, 28 જનરલ, 10 એસસી, 5 એસટી અને 7 મહિલાઓને મંત્રી બનાવવામાં આવ્યા છે.
આગળ વાંચોઃ ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસએસ