બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા

ભાજપના એક નેતાએ દેશમાં બળાત્કારની વધતી ઘટનાઓ માટે મહિલાઓના પહેરવેશને આડકતરી રીતે જવાબદાર ગણાવ્યો છે.

બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા
image credit - Google images

નેતાઓની મહિલાઓના કપડાને લઈને સંકુચિત માનસિકતાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે આ મામલે ભાજપના એક નેતાએ બળાત્કાર મામલે આડકતરી રીતે મહિલાઓના પહેરવેશને જવાબદાર ઠેરવતું નિવેદન કર્યું છે.

ઉત્તરાખંડના કાશીપુરના પૂર્વ ધારાસભ્ય હરભજનસિંહ ચીમાએ બળાત્કારના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરતા બળાત્કારની ઘટનાઓમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ પણ જવાબદાર હોવાનું જણાવ્યું છે. મહિલાઓ દ્વારા અપનાવવામાં આવી રહેલી પશ્ચિમી સભ્યતાના પોષાકના લીધે આ ઘટનાઓનું પ્રમાણ વધ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ચીમાએ કહ્યું હતું કે, “મહિલાઓએ આપણા દેશની સંસ્કૃતિ અને સભ્યતાને અનૂરૂપ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વાલીઓએ પોતાના પરિવારની મહિલાઓ અને બાળકીઓને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ વસ્ત્ર ધારણ કરવા પ્રેરિત કરવી જોઈએ. તમામ શાળાઓના સંચાલકોએ પણ પોતાની વિદ્યાર્થિનીઓના ગણવેશમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર પરિવર્તન લાવવું જોઈએ.”

ચીમાએ આગળ કહ્યું હતું કે, “સમાજના તમામ વર્ગોએ આ દિશામાં આગળ વધવું જોઈએ અને પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આ જઘન્ય કૃત્યમાં ઘટાડો કરી શકાય.”

આ પણ વાંચો: ભાજપના નેતા યેદિયુરપ્પા વિરુદ્દ  POCSO કેસમાં બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી

બીજી તરફ ચીમાના આ નિવેદનને લઈને કાશીપુરમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના નેતા મુક્તા સિંહે ચીમાના નિવેદનને અપમાનજનક ગણાવતા સવાલ કર્યો હતો કે, “જો બળાત્કારની ઘટનાઓ વધી રહી છે તો તેમાં મહિલાના પહેરવેશને કેવી રીતે દોષી ઠેરવી શકાય? તમે કોઈના પોશાક પરથી તેને કેવી રીતે જજ કરી શકો? ભારતના બંધારણમાં પહેરવા, રહેવા અને ખાવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આવી સ્થિતિમાં શું તેઓ હવે મહિલાઓના મૂળભૂત અધિકારોને પણ પડકારશે? આ નિવેદનની સખત નિંદા થવી જોઈએ.”

વિપક્ષના આ હુમલાના જવાબમાં પૂર્વ ધારાસભ્ય હરભજન સિંહ ચીમાએ કહ્યું કે, “મેં સમાજના કલ્યાણ માટે આ મંતવ્યો આપ્યા છે. આ તદ્દન રાજકીય નિવેદન નથી પણ મારા અંગત વિચારો છે. સમાજને વધુ સારો સંદેશ આપવા માટે મેં મારા વિચારો રજૂ કર્યા છે.”

મહાનગર પ્રમુખ મુશર્રફ હુસૈને કહ્યું હતું કે, “હું આ નિવેદનની સખત નિંદા કરું છું. ચીમાએ આવા નિવેદનો આપતા પહેલા વિચારવું જોઈતું હતું કે બળાત્કારની વધતી જતી ઘટનાઓમાં મહિલા કેવી રીતે દોષિત હોઈ શકે છે. આપણા સમાજમાં આ પ્રકારના નિવેદનને બિલકુલ પ્રોત્સાહન આપી શકાય નહીં. આ મહિલા વિરોધી નિવેદન છે અને તેની ટીકા થવી જોઈએ.”

આ પણ વાંચો: 13 વર્ષની દલિત સગીરાની ગેંગરેપ બાદ હત્યા, ભાજપ નેતાની સંડોવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.