અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ

દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણના પુસ્તકોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ રહી છે ત્યારે અહીં તેઓ તેમના મિત્ર, પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમાર સામે તેમની જિંદગીની કિતાબના પાનાં ખોલી રહ્યાં છે.

અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ
Photo credit: Natubhai Parmar

ગુજરાતી ભાષામાં દલિત સાહિત્ય સર્જન ક્ષેત્રે જેમનું પાયાનું યોગદાન રહેલું છે, એવા કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર દલપત ચૌહાણ ગુજરાતી ભાષાના કદાચ એક માત્ર એવા લેખક છે જેમના પુસ્તકોનું પ્રકાશન ખૂબ જાણીતી પ્રકાશન સંસ્થા પેંગવીને ભારતમાં કર્યું છે. આ લેખકનું અંગત જીવન પણ અનેક સંઘર્ષોથી ભરેલું હતું. તેમણે જાતે પણ દલિત હોવાને કારણે અનેક પ્રકારની અડચણો-યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.


ગુજરાતી દલિત સાહિત્યના આરંભની ક્ષણથી આજપર્યંત પ્રતિબદ્ધતાપૂર્વક સતત સક્રિય રહેલા, ગુજરાતી દલિત સાહિત્યના આરંભના ઈન્કારથી આજની સ્વીકૃતિ સુધીની લાંબી મજલના સાક્ષી, સહયાત્રી અને તેના જાગૃત પહેરેદાર, ગુજરાતી દલિત સાહિત્યના પાયાના પથ્થર-એનો બળૂકો અવાજ, સમર્થ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણ હોવું એટલે શું? એનો એક જવાબ 'દર્દની વાત કરો એટલે સાહિત્ય આપોઆપ આવી જાય, તેથી જેમનું શોષણ થયું છે, તેમનું સાહિત્ય ન હોય તો જ નવાઈ' એવું દૃઢપણે માનતા દલપત ચૌહાણ સાથેના એક વાર્તાલાપમાંથી મળે છે.


૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ મંડાલી, તા. ખેરાલુ, જિલ્લો મહેસાણામાં જન્મેલા દલપત ધુળાભાઈ ચૌહાણ આજે ઉંમરના ૮૨મા વર્ષના પડાવે યુવાનોને પણ શરમાવે તેવા જોમ, ઉત્સાહ અને પૂર્ણ દલિત સાહિત્યનિષ્ઠા સાથે અડીખમ છે - અવિરત કાર્યરત છે.


આ દિવસોમાં હું, ગાંધીનગરના એમના નિવાસસ્થાનના-એમના સર્જનકાર્યના કેન્દ્રબિન્દુ સમા બીજે માળે એમની સામે ચારથી પાંચ વાર લગાતાર પલાંઠી વાળીને બેઠો છું ને તેમને સાંભળતો રહ્યો છું. તેમની સાથેની આ ગોષ્ટિઓમાં તેમણે મને જે કહ્યું તે તેમના જ શબ્દોમાંઃ


'ગામ મંડાલીમાં એક વર્ષ (૧૯૪૭-૪૮) ગાયકવાડી ત્રણ ધોરણ સુધીની શાળામાં દાખલો. પણ ગામ સાથે સંઘર્ષ થવાથી ૧૯૪૯થી રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧માં ફરીથી ૧લા ધોરણમાં દાખલો અને પ્રાથમિક શિક્ષણ લીધું. માધ્યમિક શિક્ષણ વી.એસ. ટયુટોરિયલ હાઈસ્કૂલ, ત્રણ દરવાજા-અમદાવાદમાં અને ઉચ્ચ શિક્ષણ ગુજરાત કૉલેજ - એલિસબ્રિજ અને સિટી કોલેજ - લાલ દરવાજા, અમદાવાદમાં. બી.એ.ની ઉપાધિ અહીંથી જ મળી. ત્યારે કૉલેજની હોકી-કબડ્ડીની ટીમોમાં પણ મારી હિસ્સેદારી રહેતી. બાળપણ ગામ અને શહેર વચ્ચે વહેંચાયેલું પરંતુ બાળપણનો મોટો હિસ્સો અમદાવાદ શહેરની જીવણલાલની ચાલીમાં વિત્યો. દરમિયાન ગામ મંડાલી જવા-આવવાનું પણ ચાલુ જ રહ્યું.”


“એ સમયમાં અસ્પૃશ્યતા હાડોહાડ હતી. ગાડી કે બસમાં બેસવામાં સાવચેતી રાખવી પડતી. અમે અમદાવાદથી સિદ્ધપુર થઈ ગાડી (રેલ ગાડી)માં બેસી ગામ મંડાલી જતા. રેલ્વે સ્ટેશને હિન્દુ પાણી, મુસ્લિમ પાણી માટે જુદી જુદી કોઠીઓ હતી. પરબની બહાર એક ચાર-પાંચ ફૂટનું નાળચું લગાવેલું હતું, તે નાળચે પરબવાળી બાઈ ઉપરથી પાણી રેડે તેને બીજેના છેડેથી ખોબો ધરી દલિતોએ પીવું પડતું. રસ્તા પરની પરબોએ પરબ સામે દૂર ઊભડક બેસી પાણી ખોબામાં રેડાય તે પીવાનું. આમ કહીએ કે તે વખતે ગામડાંમાં જે અસ્પૃશ્યતાના પ્રકાર હતા તે સર્વનો મને - અમને અનુભવ મળેલો. માથે ટોપી કે રૂમાલ, પાઘડી બાંધ્યા સિવાય ગામમાં જઈ ન શકાય. સ્ત્રીઓ ગામમાં ચંપલ/સપાટ પહેરીને જઈ શકે નહિ. પુરુષ પણ જો ઉઘાડા માથે હોય - તેણે વાળ ઓળ્યા હોય તો તેમાં સવર્ણો ધૂળ ભરી દેતા. હૂરિયો બોલાવતા. મેં ટોપીનો ઉપયોગ ગામમાં જવા અને ખેતરે ખળામાં ખળું માંગવા (અનાજ માગવા) કરેલો. પુરુષ રંગીન કિનારવાળી ધોતી કે આંકડા ચઢાવેલી મૂછ ન રાખી શકે. દલિતો બાંધે એવી પાઘડી બાંધવી પડતી. ગામના હિન્દુ મંદિરમાં હું ક્યારેય ગયો નથી (યાને જવા દેવાયો નથી.)”


“અમારા ગામની શાળામાં એકથી ત્રણ ધોરણ. આઝાદી પછી શાળાની અંદર પણ જુદા ખૂણા કે ભીંત પાસે અમારે બેસવાનું. મોડા પડીએ તો દરવાજેથી દાખલ ન થવાય પણ બારીમાંથી કૂદીને અંદર જવાનું. સાહેબ (વર્ગશિક્ષક) જોઈ જાય તો છૂટી આંકડી મારે, જો અમને વાગે (યાને અડી જાય) તો પાણીની છાંટ નાખી આંકડી પાછી લઈ લે. બે શિક્ષક, એક હિન્દુ સુથાર, બીજો મુસલમાન. પણ બંને કટ્ટર અસ્પૃશ્યતાના પાળનાર.”

“આઝાદી આવી ત્યારે અમારા વાસે ગામની વેઠ (સવર્ણોની વિનામૂલ્યે કરવાની થતી ફરજિયાત મજૂરી) કરવાનું બંધ કર્યું. આઝાદી પછીની પહેલી હોળી આવી ત્યારે અમે હોળીના છાણાં ગામના હોળીને ચકલે નાખવા ન ગયા, તો એ હોળીના જ દિવસે ગામના સવર્ણોએ અમારા વાસ પર સામુહિક હુમલો કરી, અમારા વણકર વાસમાં પહેલું (પ્રવેશતા પહેલું) લવજીનું ઘર સળગાવ્યું. ખેરાલુ ફરિયાદ પણ થઈ છતાં હુમલાની બીકે પુરુષોએ ગામ છોડવું પડયું. અમે બાપા સાથે અમદાવાદ ગયા. બીજા સિધ્ધપુર. મારે પહેલું ધોરણ પાસ કરી બીજામાં જવાનું હતું ને મોટાભાઈને બીજું ધોરણ પાસ કરી ત્રીજામાં જવાનું હતુ પણ શાળાએ અમારા સ્કુલ લિવિંગ પ્રમાણપત્ર અમને ન આપ્યા. ૧૯૪૯માં અમે બંને ભાઈઓ રખિયાલ (અમદાવાદ) ગુજરાતી શાળા નં. ૧ માં નવેસરથી પહેલા ધોરણમાં બેઠા. અમદાવાદમાં અમને આભડછેટને બદલે ગરીબી બહુ નડેલી. છતાં મારે કહેવું જોઈએ કે જેટલા પ્રકારની અસ્પૃશ્યતા છે તેનો અનુભવ મને અહીં અમદાવાદમાં પણ થતો જ રહેલો.” (ક્રમશઃ)

(દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણનો પૂર્વ સંયુક્ત માહિતી નિયામક નટુભાઈ પરમારે કરેલો ઈન્ટરવ્યૂ, ભાગ-1)

આગળ વાંચોઃ અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.