માવજી મહેશ્વરીની નવલકથા ‘છેલ્લું યુદ્ધ’ની અસાઈત સાહિત્ય સભા પુરસ્કાર માટે પસંદગી
કચ્છના જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરીની નવલકથાની વર્ષ 2022ના અસાઈત સાહિત્ય સભા પુરસ્કાર માટે પસંદગી થઈ છે. વાંચો વિગતે અહેવાલ.

કચ્છના જાણીતા સાહિત્યકાર માવજી મહેશ્વરીની નવલકથા ‘છેલ્લું યુદ્ધ’ની અસાઈત સાહિત્ય સભાના વાર્ષિક પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. 1830ના કચ્છની લોકકલા અને વાતાવરણને રજૂ કરતી તેમની આ નવલકથાને વર્ષ 2022 માટે અસાઈત સાહિત્ય સભા ઊંઝા અને ત્રિપદા ફાઉન્ડેશન દ્વારા અપાતા વાર્ષિક પુરસ્કાર માટે દ્વિતીય ક્રમે પસંદગી કરાઈ છે.
આ સંસ્થા દ્વારા છેલ્લાં બે વર્ષથી જે તે વર્ષના શ્રેષ્ઠ પુસ્તકોને આ પુરસ્કાર અપાય છે. આ વર્ષે 2022ના વર્ષના પુરસ્કાર જાહેર થયા છે અને તેમાં માવજી મહેશ્વરની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવતી નવલકથા ‘છેલ્લું યુદ્ધ’ની દ્વિતીય ક્રમે પસંદગી કરાઈ છે. પ્રથમ ક્રમે સુનીલ મેવાડાની ‘કથાનક’ને પસંદ કરાઈ છે. આ પુરસ્કાર અર્પણનો કાર્યક્રમ જાન્યુઆરી 2024માં યોજાશે.
માવજી મહેશ્વરી તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓને કારણે જાણીતા છે. વર્ષ 2000માં તેમનો પહેલો વાર્તાસંગ્રહ ‘અદ્રશ્ય દીવડો’ પ્રકટ થયો હતો. એ પછી ‘વિજોગ’, ‘પલટાતો પવન’, ‘હસ્તરેખા’, ‘સરપ્રાઈઝ’ જેવા અનેક પુસ્તકો આપ્યા છે.
નવલકથા ક્ષેત્રે તેમણે વર્ષ 2007માં પદાર્પણ કર્યું હતું અને તેમની પહેલી જ નવલકથા ‘મેળો’ ભારે લોકપ્રિય થઈ હતી. એ પછી ‘મેઘાડંબર’, ‘કાંધનો હક’, ‘અગનબાણ’, ‘રણભેરી’ અને ‘ભોર’ જેવી નવલકથાઓથી તેઓ ગુજરાતી સાહિત્ય જગતમાં છવાયેલા રહ્યાં છે.
માવજી મહેશ્વરી તેમના પુસ્તકોના કારણે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે. ઉપરાંત તેઓ કબીર એવોર્ડ, કાકાસાહેબ કાલેલકર સન્માન, જયંતિ ખત્રી એવોર્ડ અને કલા ગુર્જરી સન્માન પણ મેળવી ચૂક્યાં છે. હવે અસાઈત સાહિત્ય સભાના આ ઈનામ થકી તેમની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાશે.
આગળ વાંચોઃ બાબુ હરદાસના મનમાં ‘જય ભીમ’ શબ્દો એક મુસ્લિમ વ્યક્તિને જોઈને આવેલા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.