જિલ્લા પંચાયતોમાં નાયબ ડીડીઓની ચેમ્બરોમાંથી એસી હટાવવા આદેશ

એકબાજુ લોકો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યાં છે બીજી બાજુ સરકારી બાબુઓ ઓફિસોમાં નિયમ વિરુદ્ધ એસી રાખે છે, જેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

જિલ્લા પંચાયતોમાં નાયબ ડીડીઓની ચેમ્બરોમાંથી એસી હટાવવા આદેશ
image credit - Google images

ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં નિયમો વિરુદ્ધ ઓફિસોમાં એસી ધરાવતા તમામ ડેપ્યુટી ડીડીઓની ચેમ્બરોમાંથી એરકન્ડિશનર હટાવવા વિકાસ કમિશનરે હુકમ કર્યો છે. જિલ્લા પંચાયતોમાં ડી.ડી.ઓ સિવાય કોઈપણ અધિકારીની ચેમ્બરમાં એ.સી. નહીં રાખવા તાકિદ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં અધિકારીઓને મળવાપાત્ર સુવિધાઓ સંબંધે સરકારી જોગવાઇનું પાલન કરાવવાની જિલ્લા વિકાસ અધિકારીની સુચનાથી ફરી સરકારી બાબુઓની નિયમ વિરુદ્ધ મફતની સુવિધાઓ મેળવવાની લાલસા ચર્ચામાં આવી છે.

વિકાસ કમિશનરે તમામ શાખા અધિકારીઓ અને ડેપ્યુટી ડીડીઓની ચેમ્બરોમાંથી એર કન્ડિશનર હટાવી દેવાની સુચના આપી છે. રાજ્ય સરકારની અધિકારીઓને મળવાપાત્ર સુવિધાની જોગવાઈ અને વિકાસ કમિશનરનાં વર્ષ ૨૦૨૦ના પત્રના પાલનથી અધિકારીઓએ ગરમીમાં અકળાવાનું નક્કી બન્યું છે. સરકાર દ્વારા વર્ગ ૧ અને વર્ગ ૨ના અધિકારીઓને ચેમ્બરમાં મળવાપાત્ર સુવિધાઓના સંબંધમાં પણ જોગવાઈઓ કરવામાં આવેલી છે અને તેમાં એસીની સુવિધા મળવાપાત્ર થતી નથી.

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડમાં SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ગેરરીતિઓ સામે આવી

આ ઉપરાંત રાજ્યના વિકાસ કમિનર દ્વારા પણ આ સંબંધમાં ગાંધીનગર જિલ્લા પંચાયતને એપ્રિલ ૨૦૨૦માં પત્ર પાઠવીને સરકારી જોગવાઇઓનું પાલન કરાવવા મુદ્દે પત્ર પાઠવ્યો હતો. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઇઓ અને વિકાસ કમિશનરની સુચનાઓનું પાલન કરવા સંબંધે નાયબ ડીડીઓ ઉપરાંત જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓને લેખિતમાં સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. હાલની કાળઝાળ ગરમીના દિવસોમાં એસી હટાવવાની વાતે પંચાયત વર્તુળમાં વ્યાપક ચર્ચા પણ જગાવી છે. ઈલેકટ્રીક્લ નેટવર્કની ક્ષમતા કરતા વીજળીનો વપરાશ વધે ત્યારે આગ લાગવા જેવી ઘટનાઓ બનતી હોય છે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડા શાખામાં જ ભૂતકાળમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તે દરમિયાન ફર્નિચરની સાથે વર્ષો જૂના સરકારી રેકર્ડ પણ બળીને ખાક થઈ ગયા હતા. ત્યારે દાયકાઓ જૂનું ઈલેકટ્રીકલ નેટવર્ક ધરાવતી જિલ્લા પંચાયતની કચેરીઓમાં વધુ સંખ્યામાં એસી ચાલતા રહે તો ફરી અકસ્માત થવાની આશંકા નકારી શકાય તેમ નથી. હાલ રાજકોટ ટીઆરપી મોલની ઘટના તાજી છે ત્યારે વિકાસ કમિશનરે સરકારી કચેરીઓમાં એવું કશું ન થાય તે માટે પગલાં લીધાં હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: ગુજરાત સહિત દેશભરમાં મદરેસાઓમાં ચકાસણી કરવા આદેશ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.