‘મોદીના માનીતા’ કે. કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજ્યપાલ બનાવાયા
નિવૃત્તિ પછી પણ વર્ષો સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી કરતા પણ વધુ પાવર ભોગવનાર પૂર્વ સનદી અધિકારી કે. કૈલાશનાથનને હવે વધુ એક જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતમાં દાયકાઓ સુધી સનદી અધિકારી તરીકે કાર્યરત રહીને સરકારમાં સેવા આપનાર કુનીયીલ કૈલાશનાથન (કે.કે.)ને પોંડીચેરીના એલજી (ઉપરાજયપાલ) બનાવાયા છે.
ગુજરાતમાં લાંબા વર્ષો સુધી પોતાની સેવા આપનાર કુનીયીલ કૈલાશનાથન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ અને સલાહકાર રહી ચૂક્યા છે. કે. કે. તરીકે જાણીતા પૂર્વ આઇએએસ કે.કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજયપાલ (લેફટનન્ટ ગવર્નર-એલજી) નિયુક્ત કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કે.કૈલાશનાથન ગુજરાતમાં અનેક મહત્વના પદ પર રહી ચૂક્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. તેઓ ગુજરાતમાં અનેક માળખાગત્ત સુવિધાઓ અને યોજનાઓને ધરાતલ પર ઉતારનાર અધિકારી તરીકેની તેમની છાપ હતી.
કે. કૈલાશનાથન ગત તા. 29 જૂનના રોજ નિવૃત્તિ બાદ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તરીકે કરાર પૂર્ણ થયા ત્યારથી જ તેમને કોઇ મહત્વનું પદ મળે તેવી અટકળો ચાલી રહી હતી. જો કે, ગત મોડી રાત્રે થયેલી જાહેરાતમાં કે. કૈલાશનાથનને પોંડીચેરીના ઉપરાજયપાલ (એલજી) તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત અન્ય અનેક રાજનેતાઓ અને અધિકારીઓને રાજયપાલ જેવું મહત્વનુ પદ અપાયું છે.
વર્ષ 1979 બેચના આઇએએસ અધિકારી કે.કૈલાશનાથન ગુજરાતની સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા હતા. તેઓની ગણતરી ગુજરાતના સૌથી ઠાવકા અધિકારીઓમાં થતી હતી. કે. કૈલાશનાથન વર્ષ 2006 માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. વર્ષ 2013 માં તેઓ વયમર્યાદાથી સેવા નિવૃત થયા હતા. જો કે, તેમના કાર્યકાળને સતત જૂન- 2024 સુધી મુદત વધારો મળતો રહ્યો હતો.
આ પણ વાંચો: મોદી સવર્ણોના તરફદાર હોવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતા
કેન્દ્ર સરકાર દ્વારા ગત મોડી રાત્રે નવ જેટલાને રાજયપાલ તરીકે નિયુક્ત કરાયા છે. જેમાં હરિભાઉ કિસનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે. તો જિષ્ણુ દેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે, ઓમ પ્રકાશ માથુર (ઓ.પી. માથુર)ને સિક્કિમના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડના રાજ્યપાલ, રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.
તો સીએચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ, સી.પી. રાધાકૃષ્ણનને ઝારખંડના રાજ્યપાલ તેમજ તેલંગાણાનો વધારાના ચાર્જ સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે.
જ્યારે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા છે અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે પણ નિયુક્ત કરાયા છે. તો સિક્કિમના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા ઉપરાંત તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ અપાયો છે.
આ પણ વાંચો: મોદી સરકાર, કોર્પોરેટ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો, કૂટવામાં ભગલો