ગુજરાતભરમાં બંધને જબ્બર સમર્થન: ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ બંધ
એસસી-એસટી સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન અપાયેલું છે. વાંચો સમગ્ર ગુજરાતમાં ક્યાં શું થયું.
Bharat Band Live Update: સુપ્રીમ કોર્ટના સવર્ણ જજો દ્વારા એસસી-એસટી સમાજની અનામતમાં ભાગલા પાડી તેમાં ક્રીમીલેયર દાખલ કરવાના ચૂકાદાના વિરોધમાં આજે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને ગુજરાતમાં પણ જોરદાર સમર્થન મળતું દેખાયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.
ભારત બંધના એલાનને સુરતના ઉમરપાડામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે. ઉમરપાડા, કેવડી, ઝંખવાવ સંપૂર્ણ રીતે બંધ રહ્યાં હતાં. ઉમરપાડામાં લોકો સંપૂર્ણ બંધમાં સ્વયંભૂ જોડાયા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. અનામતમાં ક્રીમીલેયર દાખલ કરવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના નિર્ણયના વિરોધમાં ઠેર ઠેર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં દલિતોએ ટ્રેન રોકતા અધિકારીઓ દોડતા થયા હતાં. ગઢડા તાલુકાના ઢસા ગામે અનુસૂચિત સમાજના યુવાનો દ્વારા રાજકોટ-ભાવનગર હાઈવે કર્યો ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઢસામાં યુવાનોએ રોડ ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યા હતાં.
મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પણ બંધના એલાનને મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. સંતરામપુરના આગેવાનો દ્વારા બજારો તેમજ દુકાનો બંધ કરાવતા અટકાયત કરવામાં આવી હતી. ધોરાજીમાં એસસી-એસટી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ધોરાજીમાં પણ મોટાભાગનું શહેર બંધ રહ્યું હતું. અહીં ગેલેક્સી ચોકમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ધોરાજી સરદાર ચોક, શાકમાર્કેટ રોડ, ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ રહ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંધના એલાનને મજબૂત પ્રતિસાદ મળ્યો હતો.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે
નવસારીમાં પણ ભારત બંધના એલાનને જોરદાર સમર્થન મળ્યું હતું. નવસારી, જલાલપોર અને ગણદેવીમાં બંધની મધ્યમ અસર રહી પણ ચીખલી, ખેરગામ અને વાંસદામાં બંધની જોરદાર અસર જોવા મળી હતી. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ તાલુકામાં સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો. વ્યારા સોનગઢ તાલુકામાં સંપૂર્ણ બંધ જોવા મળ્યું હતું અને લોકો સ્વયંભૂ રીતે બંધમાં જોડાયા હતાં.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં સાબરકાંઠા જિલ્લામાં ભારે અસર જોવા મળી હતી. વિજયનગર ચિઠોડા, અંદ્રોખા અને આંતરસુબામાં બજારો બંધ રહ્યાં હતા. છોટાઉદેપુરમાં બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક બજારો બંધ રહ્યા હતા.
આ પણ વાંચો: SC, ST માં વર્ગીકરણ બાબતે કોલેજીયમ જજોની દાનત શું છે?
અમદાવાદમાં દલિત સમાજનો ગઢ ગણાતું ચાંદખેડા જડબેસલાક બંધ રહ્યું હતું. અહીં દલિત સમાજની મજબૂત પકડને કારણે સૌએ બંધને મજબૂતીથી ટેકો આપ્યો હતો. આ સિવાય અમરાઈવાડી વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે મોટી સંખ્યામાં સમાજના લોકો ભેગા થઈ રસ્તો રોકીને વચ્ચે બેસી જતા પોલીસ દોડતી થઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકોની ધરપકડ થઈ હોવાના અહેવાલ છે. આ સિવાય વેજલપુરમાં રેલવે ક્રોસિંગ પાસે મોટો ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દલિતો ઉમટી પડ્યા હતા.
અમદાવાદ ગ્રામ્યના બાવળા-ધોળકા-સાણંદ તાલુકામાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધનું એલાન આપ્યું હતું અને તેને મજબૂત ટેકો મળ્યો હતો. વહેલી સવારથી જ ધોળકા-બાવળા-સાણંદ સહિતના વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી હતી. ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનને ટેકો આપીને સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. ધોળકાના બજારોમાં કલિકુંડ, પાશ્વનાથ સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને ભારત બંધને સમર્થન આપ્યું હતું.
દક્ષિણ ગુજરાતના પટ્ટામાં એસસી-એસટી સમાજની નોંધપાત્ર વસ્તી ધરાવતા નર્મદા, પંચમહાલમાં બજારોમાં પણ બંધની અસર જોવા મળી હતી.આ સિવાય છોટા ઉદેપુર, વલસાડ, દાહોદ, નવસારી, ડાંગ, બનાસકાંઠા સહિતના અન્ય જિલ્લામાં બજારો બંધ જોવા મળ્યા હતા. ટૂંકમાં બંધને ગુજરાતભરના વિવિધ વિસ્તારોમાં જનસમર્થનને જોતા એસસી-એસટી સમાજે એક થઈને પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો.
આ પણ વાંચો: અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર