LIVE UPDATE: બક્સરમાં પ્રદર્શનકારીઓ જજની કાર રોકતા ભાગવું પડ્યું...
એસસી, એસટી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી રહી છે. જાણો ક્યાં શું થઈ રહ્યું છે.
Bharat Band Live Update:એસસી એસટી સમાજમાં ભાગલા પાડવાનો ચૂકાદો સુપ્રીમ કોર્ટનો છે, જેને લઈને લોકોમાં ન્યાય વ્યવસ્થા સામે ભારે આક્રોશ હોવાથી ન્યાયતંત્રને પણ તેની અસર જોવા મળી હતી. આવું જ કંઈક બક્સરમાં જોવા મળ્યું.
અહીં પ્રદર્શનકારીઓએ આંબેડકર ચોક પાસે સિવિલ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કાર રોકી હતી. હોબાળો મચાવતા લોકો કારની સામે ઉભા રહી ગયા હતા. પોલીસકર્મીઓ પણ હાજર હતા. તે વિરોધીઓને રસ્તો આપવા માટે સમજાવતા રહ્યા, પરંતુ લોકો નારા લગાવતા રહ્યા. આખરે જજની કાર પાછી વાળવી પડી અને કોર્ટમાં ગયા વિના જ તેઓ પોતાના ઘરે પરત જતા રહ્યા હતા.
અમદાવાદ દલિત વિસ્તારો બંધની વ્યાપક અસર જોવા મળી
ગુજરાતમાં બહુજન ચળવળના એપીસેન્ટર ગણાતા અમદાવાદમાં ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. અહીં ચાંદખેડા વિસ્તાર જડબેસલાક બંધ છે. આ સિવાય ગોમતીપુર, ગીતામંદિર, દાણીલીમડા, ગોમતીપુર, અમરાઈવાડી, બાપુનગર, સરખેજ, વેજલપુર સહિતના વિસ્તારોમાં પણ બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.
વેજલપુરમાં આજે બપોરે 2 વાગ્યે જંગી ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંના આંબેડકર ચોક, રેલવે ક્રોસિંગ પાસેના વિસ્તારમાં બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી ધરણાં ચાલશે. જેમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકો અહીંના જીવરાજપાર્ક, મલાવ તળાવ, ચામુંડાનગર, વાસણા, ગુપ્તાનગર, આંબાવાડી, જોધપુર, રાજીવનગર , સોરાઈનગર, શૈલેષપાર્ક, મકરબા, સરખેજ વિસ્તારમાંથી ઉમટી પડવાના છે.
સૌરાષ્ટ્રમાં પણ લગભગ તમામ જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી રહી છે. જૂનાગઢમાં મોટાભાગના બજારો બંધ છે, રાજકોટ, જેતપુર, ગોંડલ સહિતના પંથકમાં પણ વ્યાપક અસર દેખાઈ છે. અનેક જગ્યાએ એસસી-એસટી સમાજ દ્વારા ધરણાં અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં એસસી-એસટી સમાજ તેમાં જોડાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પણ બંધને કારણે અનેક વિસ્તારો સૂમસામ જોવા મળી રહ્યાં છે. તો કચ્છમાં પણ ભૂજ, રાપર સહિતના વિસ્તારોમાં બંધના કારણે અનેક વિસ્તારો બંધ રહ્યા છે.
અમદાવાદમાં વચ્ચે કોઈએ મોલ બંધ કરાવ્યાની અફવા ફેલાતા પોલીસ દોડતી થઈ હતી. દરમિયાન પાટણ અને ચાંદખેડામાં એસસી સમાજે રસ્તા રોક્યા હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ગણપતિ ફાટસર વિસ્તારમાં એસસી સમાજે ટ્રેન રોકતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
બિહારમાં ભારત બંધની નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. પટનામાં બંધના સમર્થનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ લોકો બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, ત્યારબાદ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. એ દરમિયાન પોલીસવાળાએ એસડીએમને લાઠી ફટકારી દેતા હોબાળો મચી ગયો હતો.
બિહાર બાદ રાજસ્થાનના અજમેરમાં ભારત બંધની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. અહીંના રસ્તાઓ સુમસામ છે. બજારો બંધ છે. જયપુરમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે.
ભારત બંધની આવી જ લાઈવ અપડેટ માટે વાંચતા રહો...ખબરઅંતર.કોમ...
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટના ચૂકાદામાં વાંધાજનક શું છે? રાજુ સોલંકી પાસેથી સમજો