સુરતીઓ ચેતજો, શહેરના 5 મોટા ગેમ ઝોનમાં BU પરમિશન નથી

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ હવે અન્ય શહેરોમાં પણ નિયમોની તપાસ થઈ રહી છે ત્યારે સુરતના 5 ગેમ ઝોનની વિગતો સામે આવી છે.

સુરતીઓ ચેતજો, શહેરના 5 મોટા ગેમ ઝોનમાં BU પરમિશન નથી
image credit - Google images

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં માલિકોની ભૂલ અને પાલિકા તંત્ર-પોલીસ અધિકરીઓની બેદરકારીને કારણે 30થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે ફાયર સેફ્ટીના સાધનો મામલે સુરતના ગેમ ઝોન માલિકોએ પણ દોડધામ શરૂ કરી દીધી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ સુરતના અધિકારીઓ જાગ્યા હોય તેમ શહેરના તમામ ગેમ ઝોન પર તપાસ શરૂ કરી છે અને તેમાં પાંચ ગેમ ઝોનને બીયુ પરમીશન ન હોવાનું સામે આવ્યું છે. એક ગેમ ઝોનના માલિકે રાતોરાત ફાયર સેફ્ટીના સાધનો મૂક્યાં હોવાનું પણ સામે આવ્યું છે. આ ઉપરાંત પાંચ મોટા ગેમ ઝોન પાલિકાની બી.યુ. પરમીશન વિના જ ચાલતા હોવાની પણ વિગતો સાંપડી છે. આમ, રાજકોટના અગ્નિકાંડ પછી અન્ય શહેરોમાં પણ ફાયર સેફ્ટીને લગતા મુદ્દાની પોલ ખૂલવા માંડી છે. ગુજરાતભરમાં હવે શહેરોમાં બધું જ ખાનગી રાહે ચાલે છે એ જોતા હવે બહાર મોજશોખ માટે ફરવા જતા લોકોની સલામતીને લઈને અનેક જોખમો તોળાઈ રહ્યાં છે.

10 ગેમ ઝોન બંધ કરાવ્યા

રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પાલિકા તંત્ર દોડતું થયું છે અને શહેરમાં ચાલતા ગેમ ઝોનની તપાસ કરી ૧૦ જેટલા ગેમ ઝોનમાં વિવિધ ખામી જણાતા બંધ કરાવી દેવાયા છે. આ દિશામાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની પણ ગંભીર બેદરકારી બહાર આવી છે.

રાજકોટમાં ગત શનિવારે સાંજે એક ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૮ લોકોએ જીવ ગુમાવતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ દુર્ઘટના બાદ સુરત પાલિકા તંત્ર જાગ્યું છે અને શનિવારે રાતથી રવિવારે મોડી સાંજ સુધી શહેરમાં ચાલતા ગેમ ઝોનમાં ચકાસણી કરી હતી અને ૧૦ ગેમ ઝોન બંધ કરાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ પૈકી પાંચ ગેમ ઝોન પાસે પાલિકાની બી.યુ. પરમિશન જ ન હતી.

માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદ્યાં

બીજી તરફ કેટલાક ગેમ ઝોનના માલિકોએ રાતોરાત ફાયરના સાધનો ખરીદી પોતાના ગેમ ઝોન બહાર ગોઠવી દઈ ફાયર સેફ્ટીની સુવિધા પહેલાથી જ હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે તેના પર દર્શાવેલી તારીખથી જ ખબર પડી જાય છે કે, આ તમામ સાધનો રાતોરાત ખરીદવામાં આવ્યા છે. સુરત પાલિકા અને અન્ય અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોનની તપાસ કરાઈ હતી, જેમાં ૬ ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી ન હોવાનું બહાર આવ્યું છે. જ્યારે એક ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના તમામ સાધનો છે એવું દર્શાવાયું છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.