ગુજરાત હાથશાળ નિગમને તેની બ્રાન્ડ 'ગરવી ગુર્જરી' માટે ટ્રેડમાર્ક મળ્યું
ગુજરાત રાજ્ય હાથશાળ, હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’-Garvi Gurjari માટે ટ્રેડમાર્ક(Tredmark) પ્રમાણપત્ર અપાયું છે.
ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. (GSHHDC)ને ભારત સરકાર તરફથી તેની બ્રાન્ડ ‘ગરવી ગુર્જરી’-Garvi Gurjari માટે ટ્રેડમાર્ક પ્રમાણપત્ર અપાયું છે. હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિ. છેલ્લાં કેટલાંક દાયકાઓથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો માટે એજન્સી તરીકે કામ કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથશાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે.
નિગમના વહીવટી સંચાલક (એમડી) લલિત નારાયણ સિંહ સાંદુએ આ અંગે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર તરફથી રાજ્યની વંશ પરંપરાગત કલા-કારીગરીને સતત પ્રોત્સાહન અપાય રહ્યું છે અને તેના પરિણામે નિગમની ગરવી ગુર્જરી બ્રાન્ડને ભારત સરકારનું ટ્રેડમાર્ક સર્ટિફિકેટ હાંસલ થયું છે.”
આ પણ વાંચોઃ SC-ST-OBC ની સાચી વસ્તી જાણવા ગણતરી કરવી જરૂરીઃ અજીત પવાર
નિગમના એમડી લલિત નારાયણ સિંહ સાંદુએ વધુમાં જણાવ્યું હતું કે, "કોઈ પણ વ્યવસાયને ટ્રેડમાર્ક સર્ટિફિકેટ મળવું; તેના માટે મોટું કાયદાકીય સંરક્ષણ હોય છે. નિગમને આ સર્ટિફિકેટ મળ્યા બાદ હવે "ગરવી ગુર્જરી" તેના નામ અથવા લોગોના કોઈપણ અનધિકૃત ઉપયોગને અટકાવી શકશે અને તેની બ્રાન્ડ ઓળખના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત કરી શકશે. આ કાયદાકીય સંરક્ષણ નિગમને તેની બજારની હાજરી અને પ્રતિષ્ઠાને સલામત રાખવામાં મદદ કરશે અને તેનાં ઉલ્લંઘન સામે નિર્ણાયક પગલાં લેવાની સત્તા આપશે."
ટ્રેડમાર્કની નોંધણી "ગરવી ગુર્જરી"ને હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનાં વિશાળ બજારમાં એક અલગ ઓળખ સ્થાપિત કરવામાં પણ મદદરૂપ થશે. તેના કારણે ગ્રાહકો સરળતાથી 'ગરવી-ગુર્જરી'ના ઉત્પાદનોને ઓળખી અન્ય ઉત્પાદનોમાંથી તારવી શકશે, જે બજારની મજબૂત સ્થિતિ જાળવવા માટે મહત્વનું છે.
આ ટ્રેડમાર્કના લીધે ગરવી ગુર્જરી અન્ય બ્રાન્ડની સામે પોતાની વિશિષ્ટતા રજૂ કરીને ગ્રાહકોના માનસમાં છવાઈ જશે અને તેના લીધે વિવિધ પ્લેટફોર્મ્સ પર નિગમની બ્રાન્ડને વિશ્વાસપૂર્વક પ્રોત્સાહન આપવામાં સહભાગી બનશે. ટ્રેડમાર્કના ઉપયોગથી નિગમ અસરકારક માર્કેટિંગને સુનિશ્ચિત કરી શકશે અને બજારમાં બ્રાન્ડની હાજરીને વધુ મજબૂત બનાવી ગરવી ગુર્જરી ચિહ્ન ધરાવતા તમામ ઉત્પાદનો સુસંગત ગુણવત્તાના છે તેવો વિશ્વાસ ગ્રાહક વર્ગમાં સંપાદિત કરી શકશે.
આગળ વાંચોઃ આઝાદીમાં મુસ્લિમોઃ 'જય હિંદ'થી 'સારે જહાઁ સે અચ્છા..' સુધી...