PM મોદીએ 173 ચૂંટણી ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા
Loksabha Election માં આદર્શ આચારસંહિતા લાગુ હોવા છતાં PM Modi એ પોતાના 173 પૈકી 110 ભાષણોમાં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા હોવાનો રિપોર્ટ આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંસ્થા હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતા લાગુ હોવા છતાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ તેમના 173 ભાષણો પૈકી 110માં મુસ્લિમ વિરોધી નિવેદનો કર્યા હતા. રિપોર્ટમાં પીએમ મોદીના ગુજરાત, તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં આપવામાં આવેલા ભાષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીએ ઈસ્લામોફોબિક નિવેદનો સ્પષ્ટપણે રાજકીય વિરોધને નબળો પાડવાના ઈરાદાથી કર્યા હતા. પીએમે કહ્યું હતું કે તેઓ માત્ર મુસ્લિમ અધિકારોને પ્રોત્સાહન આપે છે, પરંતુ મોદીના પ્રચારથી બહુમતી હિંદુ સમાજમાં ભય પેદા થયો હતો."
રિપોર્ટ મુજબ, ચૂંટણી પછી દેશભરમાં ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ ઓછામાં ઓછા 28 હુમલા થયા, જેમાં 12 મુસ્લિમ પુરુષો અને એક ખ્રિસ્તી મહિલાનું મોત થયું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતનું ચૂંટણી પંચ આ આચારસંહિતાના ભંગનો જવાબ આપવા માટે જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.
આ પણ વાંચોઃ ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી જતા લોકોએ ધારાસભ્યની ઓફિસનો ઘેરાવ કર્યો
રિપોર્ટ મુજબ, “મોદીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોવાનું જાણવા છતાં ચૂંટણી પંચે પીએમનું નામ લીધા વિના માત્ર ભાજપ અધ્યક્ષના કાર્યાલયને પત્ર લખ્યો અને કહ્યું કે ભાજપ અને તેના "સ્ટાર પ્રચારકો" લોકોને ધાર્મિક અથવા સાંપ્રદાયિક આધાર પર ભાષણ દેવાથી બચે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્દેશ પણ પીએમ મોદીને મુસ્લિમો વિરોધી ભાષણો આપતા રોકી શક્યા નહોતા અને તેમણે પોતાના સમગ્ર પ્રચાર દરમિયાન નફરતભર્યા ભાષણો આપવાનું ચાલુ રાખ્યું હતું.
HRW એશિયાના ડિરેક્ટર ઈલેન પીયર્સને જણાવ્યું હતું કે આ ભડકાઉ ભાષણોએ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને અન્ય લઘુમતી સમુદાયો વિરુદ્ધ દુર્વ્યવહારને સામાન્ય બનાવ્યો છે. તેમણે કહ્યું, "ભારતના વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ તેમના પ્રચાર ભાષણોમાં મુસ્લિમો અને અન્ય લઘુમતી જૂથો વિરુદ્ધ સ્પષ્ટપણે ખોટા દાવા કર્યા હતા."
હ્યુમન રાઈટ્સ વોચે કહ્યું કે મોદી સરકારના પગલાંએ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા હેઠળ ભારતની જવાબદારીઓનું "ઉલ્લંઘન" કર્યું છે અને સરકારે ધાર્મિક તથા અન્ય લઘુમતી વસ્તીઓ અને તેમની સામે ભેદભાવ કે હિંસા માટે જવાબદાર લોકો સામે સંપૂર્ણ અને નિષ્પક્ષપણે કાર્યવાહી કરવી જોઈએ.
આ પણ વાંચોઃ કૉલેજની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલોઃ ભાજપના ધારાસભ્ય
તેમણે કહ્યું કે, "નવી મોદી સરકારે તેની ભેદભાવપૂર્ણ નીતિઓને બદલવાની જરૂર છે, લઘુમતીઓ વિરુદ્ધ હિંસા પર પગલાં લેવા અને અસરગ્રસ્ત લોકોને ન્યાય સુનિશ્ચિત કરવાની જરૂર છે."
બુલડોઝરના આતંકનો પણ ઉલ્લેખ કરાયો
HRW એ બુલડોઝર વડે મુસ્લિમોના ઘરો તોડી પાડવાનો ઉલ્લેખ "કોમી અથડામણ અથવા અસંમતિ માટે મુસ્લિમ સમુદાય સામે સ્પષ્ટ સામૂહિક સજા" તરીકે કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે, "ભાજપની ઘણી રાજ્ય સરકારોએ યોગ્ય પ્રક્રિયા વિના મુસ્લિમોના ઘરો, ધંધા-રોજગાર અને ઈબાદતના સ્થાનોને તોડી પાડ્યા હતા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જે ચૂંટણી પછીથી ચાલુ છે."
અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે કેવી રીતે ભાજપે પ્રચાર દરમિયાન મુસ્લિમોને બદનામ કરતા અને ખોટી માહિતી ફેલાવતા વીડિયો પોસ્ટ કર્યા અને કેવી રીતે પાર્ટીના નેતાઓએ પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી.
આ પણ વાંચોઃ છેડતી કરનારને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે "ગૃહ પ્રધાન અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને ભૂતપૂર્વ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સહિત બીજા અનેક ભાજપી નેતાઓએ હિંદુઓને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરતા ભાષણો આપ્યા હતા, જેનાથી લોકોમાં નફરત અને અસુરક્ષાની ભાવના જન્મી હતી. આટલી નફરત પેદા કર્યા પછી પણ રાજસ્થાનના બાંસવાડામાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમોને 'ઘૂસણખોર' અને 'વધુ બાળકો પેદા કરનારા' ગણાવ્યા હતા.
મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની આડમાં પણ મુસ્લિમો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી પાસેથી ભેંસ છીનવી લેશે, ઘર પડાવી લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. મોદીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ "મંગલસૂત્ર છીનવી લેશે". રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે ઘણાં પ્રચાર ભાષણોમાં આવા જુઠ્ઠાણાંનું વારંવાર પુનરાવર્તન કર્યું હતું.
તેવી જ રીતે 30 એપ્રિલના રોજ ભાજપે Instagram પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં PM મોદીના મુસ્લિમો વિશેના વિવાદાસ્પદ ભાષણની નકલ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોએ તેને નફરત ફેલાવતા ભાષણ તરીકે ફ્લેગ કર્યો પછી તેને દૂર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય
આ વીડિયોમાં વારંવાર દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ "આક્રમણખોરો, આતંકવાદીઓ, લૂંટારાઓ અને ચોર" તરીકે વર્ણવવામાં આવેલા એક સમાજને સમર્થન આપે છે. વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ બિન-મુસ્લિમો એટલે કે હિંદુઓના પૈસા પડાવી લેશે અને મુસ્લિમોમાં વહેંચશે. વીડિયોને ડિલીટ કરવામાં આવે તે પહેલા તેને 100,000થી વધુ લાઈક્સ મળી હતી.
રિપોર્ટમાં પીએમ મોદીના 17 મેના રોજ ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આપવામાં આવેલા ભાષણને ટાંકવામાં આવ્યું છે, જેમાં તેમણે ખોટા દાવા કર્યા હતા કે "તેઓ (વિપક્ષ) રામલલાને ફરીથી તંબુમાં મોકલી દેશે અને રામમંદિર પર બુલડોઝ ફેરવી દેશે."
હ્યુમન રાઈટ્સ વોચે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે કે, પીએમ મોદી 7 મેના રોજ મધ્ય પ્રદેશના ધારમાં એક ભાષણમાં ખોટું બોલ્યા હતા કે વિરોધ પક્ષ કોંગ્રેસ "સ્પોર્ટ્સમાં પણ મુસ્લિમોને પ્રાધાન્ય આપવા માંગે છે. એ રીતે કોંગ્રેસ નક્કી કરશે કે ભારતીય ક્રિકેટ ટીમમાં કોણ રમશે? "
આગળ વાંચોઃ કેન્દ્ર સરકારે RSS પર લાગેલો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, જાણો શું છે આખો મામલો