કેન્દ્ર સરકારે RSS પર લાગેલો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, શું છે મામલો?

કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને સંઘની પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારી ખૂલીને સંઘના કાર્યક્રમોમાં જઈ શકશે.

કેન્દ્ર સરકારે RSS પર લાગેલો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવ્યો, શું છે મામલો?
image credit - Google images

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો ૫૮ વર્ષ જૂનો “પ્રતિબંધ” હટાવી લીધો છે. હવે સરકારી કર્મચારીઓ આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત સૂચનાઓની સમીક્ષા કરવામાં આવી છે અને તે નક્કી કરવામાં આવ્યું છે કે ૩૦ નવેમ્બર ૧૯૬૬, ૨૫ જુલાઈ ૧૯૭૦ અને ૨૮ ઓક્ટોબર ૧૯૮૦ના સંબંધિત ઓફિસ મેમોરેન્ડમ્સમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઉલ્લેખ દૂર કરવો જોઈએ."

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ નિર્ણયને ભારતની અખંડિતતા અને એકતા વિરુદ્ધ ગણાવ્યો છે. હૈદરાબાદના સાંસદે ટિ્‌વટ કરી હતી કે, 'સરકારે આરએસએસની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જો આ સાચું છે તો તે ભારતની અખંડિતતા અને એકતાની વિરુદ્ધ છે. આરએસએસ પર પ્રતિબંધ છે કારણ કે તેણે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આરએસએસના સભ્યો હિંદુત્વને રાષ્ટ્રથી ઉપર રાખવાના શપથ લે છે. જો કોઈપણ સરકારી કર્મચારી આરએસએસનો સભ્ય હોય તો તે રાષ્ટ્રને વફાદાર ન હોઈ શકે."

કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, "ફેબ્રુઆરી ૧૯૪૮માં ગાંધીજીની હત્યા બાદ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી પણ આરએસએસએ ક્યારેય નાગપુરમાં તિરંગો ફરકાવ્યો નથી. ૧૯૬૬માં આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને તે યોગ્ય નિર્ણય હતો. ૪ જૂન, ૨૦૨૪ના લોકસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને પૂર્ણ બહુમતી ન મળી એ પછી વડાપ્રધાન મોદી અને સંઘ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. તેને સુધારવા માટે આ ૫૮ વર્ષ જૂનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો, જે અટલ બિહારી વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પણ લાગુ હતો. આ નિર્ણય પછી અનેક સરકારી અધિકારીઓ શોર્ટ્સ(આરએસએસના ડ્રેસકોડના અર્થમાં)માં જોવા મળે તો નવાઈ નહીં."

આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?

સમાજવાદી પાર્ટીના સાંસદ જાવેદ અલી ખાને કહ્યું, "આ સરકાર પાસેથી આ જ અપેક્ષા હતી. તે કોમવાદને પ્રોત્સાહન આપે છે અને સરકારી કર્મચારીઓને એક સાંપ્રદાયિક સંગઠનની પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પ્રેરિત કરે છે. આ નિર્ણય દેશના હિતમાં નથી. હું માનું છું કે સંઘ એક સાંપ્રદાયિક સંગઠન છે અને તેની ફિલસૂફી દેશને તોડવાની ફિલસૂફી છે."

કર્ણાટકના માહિતી અને ટેકનોલોજી મંત્રી પ્રિયાંક ખડગેએ તાજેતરમાં કર્ણાટક સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આયોજિત આરએસએસના કાર્યક્રમની ટીકા કરી છે. પ્રિયાંક ખડગેએ ૧૮ જુલાઈના રોજ યોજાયેલા આ કાર્યક્રમને લઈને કર્ણાટક સેન્ટ્રલ યુનિવર્સિટી પર 'આરએસએસની શાખા'માં ફેરવાઈ જવાનો આરોપ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ આરએસએસનું 'નમસ્તે સદા વત્સલે' ગીત ગાયું હતું અને 'ધ્વજ પ્રણામ' કર્યું હતું. આ બેઠક આરએસએસની આગામી શતાબ્દી ઉજવણીની તૈયારીઓનો એક ભાગ હતી અને તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પ્રિયાંક ખડગેએ સંઘની ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ૧૯૬૬માં ઈન્દિરા ગાંધીની તત્કાલીન કોંગ્રેસ સરકારે સરકારી કર્મચારીઓને આરએસએસ(RSS)ના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે 58 વરસ બાદ કર્મચારી અને તાલીમ વિભાગે એક આદેશ જારી કરીને આ પ્રતિબંધને રદ કર્યો છે. અગાઉના આદેશમાં સરકારી કર્મચારીઓ આરએસએસના કાર્યક્રમોમાં ભાગ લે તો સજાની જોગવાઈ હતી. નિવૃત્તિ પછી પણ સરકારી કર્મચારીઓ પેન્શન વગેરેના લાભોને ધ્યાનમાં રાખીને આરએસએસના કાર્યક્રમોમાં આવવાનું ટાળતા હતા. હવે સરકારે આરએસએસ પરનો આ પ્રતિબંધ ઉઠાવી લેતા સંઘની વિચારધારામાં માનતા સરકારી કર્મચારીઓ, અધિકારીઓ ખૂલીને આરએસએસના કાર્યક્રમોમાં જશે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકરના આ સવાલોનો RSS પાસે કોઈ જવાબ છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.