નકલી દલિત - નકલી આદિવાસી બની SC-ST ની નોકરીઓ કોણ ખાય છે?
ગુજરાતમાં નકલી આદિવાસી અને નકલી દલિત બનીને અનેક સવર્ણો આ વર્ગના યુવાનોની સરકારી નોકરીઓ ગપચાવી ગયા છે, પણ કોઈ પગલાં લેવાતા નથી.
દેશ આખામાં પૂજા ખેડકરની ચર્ચા છે. પૂજાની સામે દિલ્હી પોલીસે BNS (IPC) અને IT એકટ હેઠળ FIR નોંધી છે. પૂજાએ 2022માં UPSC એક્ઝામ પાસ કરી હતી અને તેનો ક્રમાંક 841મો હતો. અપંગતાના સર્ટિફિકેટ તથા OBC નોન ક્રિમિ લેયર સર્ટિફિકેટના કારણે તે IAS બની હતી. વરસની 8 લાખથી ઓછી આવક હોય તેને નોન-ક્રિમી લેયર સર્ટિફિકેટ મળે છે.
જો કે પૂજાના પિતા દિલીપ ખેડકર પણ નિવૃત IAS હતા અને 40 કરોડની સંપત્તિના માલિક હતા! પૂજાએ ‘માનસિક અપંગતા’નું સર્ટિફિકેટ મેળવેલ હતું કે ‘મને યાદ રહેતું નથી, નજર નબળી છે, દ્રષ્ટિ જઈ રહી છે’ મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી એકેડેમીમાં તાલીમ બાદ તેની નિમણૂંક મહારાષ્ટ્રના પૂનામાં આસિસ્ટંટ કલેક્ટર તરીકે થઈ. તે કલેકટર ઓફિસ પહોંચી. કલેકટર હાજર ન હતા. પૂજાએ કલેક્ટરની ચેમ્બરનો કબજો લઈ લીધો. કલેક્ટરે સરકારમાં ફરિયાદ કરી તો પૂજાની બદલી પૂનાથી વાશિમ થઈ ગઈ.
પૂજાના પિતા દિલીપ ખેડકરે 2024ની લોકસભા ચૂંટણીમાં જંપલાવ્યું હતું. તેમાં સંપત્તિ જાહેર કરેલી તે હવે પૂજાના ગળે ગાળિયો બની છે. સરકારી નોકરીમાં જોડાતા પહેલા મેડિકલ સકાસણી થાય છે. UPSCએ પૂજાના મેડિકલ ચેકઅપ માટે 6 વખત તેને નોટિસ આપી પણ પૂજા સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે હાજર ન રહી. તેણે ખાનગી હોસ્પિટલમાંથી ચેકઅપ કરાવી UPSCને સર્ટિફિકેટ સોંપ્યું જે UPSCએ માન્ય ન રાખ્યું. સવાલ એ છે કે મેડિકલ ચકાસણી વિના નિમણૂંક ન મળે, તો પછી વડાપ્રધાનની દેખરેખ હેઠળના DoPT- Department of Personnel and Training તરફથી પૂજાની નિમણૂંક પૂનાના આસિસ્ટંટ કલેક્ટર તરીકે કઈ રીતે થઈ?
ગુજરાતમાં પૂજા ખેડકરોનો રાફડો ફાટ્યો છે. મોટા પ્રમાણમાં નકલી આદિવાસીઓ તલાટી-શિક્ષક- પોલીસ-મામલતદાર-વર્ગ-1ની સરકારી નોકરીમાં છે. ઉદાહરણ તરીકે DySP સી.પી.(ચેતન પ્રભુદાસ) મુંધવા ધંધુકા તાલુકાના આકરુ ગામના છે. આકરુ ગામમાં કોઈ આદિવાસી રહેતા નથી છતાં મુંધવા ‘આદિવાસી ભરવાડ’ બની DySP તરીકે નોકરી કરે છે. તેમની સામે સરકારમાં રજૂઆતો થઈ પણ સરકાર તેને છાવરે છે.
આ પણ વાંચો: સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા
આશ્ચર્યની બાબત એ છે કે સત્તાપક્ષના દલિત-આદિવાસી MLA, MP પણ નકલી દલિત, નકલી આદિવાસીઓ મામલે ચૂપ રહે છે. મીડિયા પણ ચૂપ છે.
હું 1995માં ગોધરા DySP SC-ST હતો ત્યારે મને SC સમુદાયની એક મહિલા તરફથી છેડતીની ફરિયાદ મળી હતી. સ્થાનિક પોલીસે IPC કલમ-354 હેઠળ FIR નોંધી હતી. મહિલાની રજૂઆત એવી હતી કે ‘છેડતી કરનાર પોતાના ગામનો હતો અને પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો. મેં સ્થાનિક પોલીસને ફોન કરીને પૂછ્યું કે એટ્રોસિટી એક્ટની કલમ કેમ લગાવવામાં આવી નથી? પોલીસનો જવાબ હતો કે ‘આરોપી હેડ કોન્સ્ટેબલ પણ આદિવાસી છે’ મેં ફરિયાદી મહિલાને આ વાત કહી.
મહિલાએ કહ્યું, 'સાહેબ, હેડ કોન્સ્ટેબલ ખોટું બોલે છે, અમારા ગામમાં એક પણ આદિવાસી નથી!' સવાલ એ હતો કે આરોપી હેડ કોન્સ્ટેબલ આદિવાસી નથી; એ હકિકત કઈ રીતે સાબિત કરવી? શાળાના પ્રમાણપત્રમાં બારીયા(ભીલ) લખેલ હતું. હેડ કોન્સ્ટેબલને બે પુત્રો હતા, એક તલાટી મંત્રી અને બીજો પ્રાથમિક શિક્ષક હતો. બંનેને STના સર્ટિફિકેટ પર નોકરી મળી હતી! અમે ગામના તલાટીનું નિવેદન લીધું. તેમણે કહ્યું કે ગામમાં એક પણ આદિવાસી નથી. અમે છેલ્લી વસ્તી ગણતરીનો પુરાવા મેળવ્યો; જે મુજબ ગામમાં એક પણ આદિવાસી રહેતા ન હતા. અમે હેડ કોન્સ્ટેબલનું વિગતવાર નિવેદન લીધું. જેમાં તેના પરિવારના સભ્યોએ કયા પરિવારમાં લગ્ન કર્યા હતા; વેવાઈ કોણ હતા; તેની માહિતી એકત્ર કરવામાં આવી. એક પણ લગ્નસંબંધ આદિવાસી પરિવાર સાથે થયો ન હતો.
અમે હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરી. તેના બંને પુત્રો સામે અલગ-અલગ ગુનો નોંધવામાં આવ્યો. આ બાબત અખબારમાં પ્રસિદ્ધ થઈ; એ પછી અમને નકલી આદિવાસી અંગે અનેક અરજીઓ મળી. અમે ભૂતિયા-નકલી આદિવાસીઓ વિરુદ્ધ કુલ 72 કેસ નોંધ્યા હતા; જેઓ સરકારી નોકરીમાં હતા! પરંતુ સરકાર તરફથી તેમને નોકરીમાંથી ડિસમિસ કરવા જોઈએ તે કાર્યવાહી ન થઈ. અફસોસ એ છે કે આદિવાસી-દલિતોના મોંમાંથી કોળિયો ઝૂંટવી લેનાર નકલી દલિત/નકલી આદિવાસીઓને સરકાર છાવરે છે.
રમેશ સવાણી (લેખક નિવૃત્ત આઈપીએસ અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)
આ પણ વાંચો: નોકરીના ઈન્ટરવ્યૂમાં OBC, SC ને ઓછા માર્ક્સ અપાય છે: અપના દળ