સરકારી નોકરી મેળવવા માટેના સાડા પાંચ વર્ષના સંઘર્ષની કથા
સરકારી નોકરી મેળવવા માટે એક સામાન્ય પરિવારનો યુવાન કેટલો સંઘર્ષ કરતો હોય છે તેની આ વાત છે. જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના નાનકડા ગામ લાંગોદ્રાના વતની સતિષ મકવાણાની સરકારી નોકરી મેળવવા માટેની સાડા પાંચ વરસની આ સંઘર્ષકથા છાશવારે હિંમત હારી જતા સરકારી નોકરીવાંચ્છુ યુવાનોને ચોક્કસ હિંમત પુરી પાડશે તે આશાએ અહીં તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએ...
વિરહની વેદના એટલી હતી કે વૈરાગ્ય લઈ લઉં તોય એ વેદનાનો અંત આવે એમ નહોતો. મારી બીજી પ્રેમિકા(સરકારી નોકરી)ને પામવાના અભરખાએ મને તોડી, મરોડીને એટલો મજબૂત બનાવી નાખેલો કે મારા મનોબળ સામે કાળમીંઢ પથ્થરોય ફિક્કા લાગે!
સામાજિક માળખામાં નિમ્ન મધ્યમ વર્ગના હોવું અને એમાંય પુરુષસુક્ત વિભાગના તથાકથિત શુદ્ર વર્ગમાં જન્મવું એટલે મમ્મીના ગર્ભમાંથી જ સર્વાઈવ કરવા માટે ઝઝૂમવાના પ્રયત્નો ચાલુ રાખવા પડે, છેક સ્મશાનમાં રાખ બનવા સુધી સંઘર્ષ જ સંઘર્ષ!
જોકે માણસ માત્ર ક્યાંકને ક્યાંક સંઘર્ષનો સામનો કરે જ છે. આમાં કોઈ નવાઈની વાત નથી. સરકારી નોકરી/પ્રાઈવેટ નોકરી, સારો બિઝનેસ, સત્તા, સંપત્તિ આ બધું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે/અનિવાર્ય છે. પણ નોકરી/સત્તા/સંપત્તિ એ જ જીવન નથી. નાનકડી સફરનો એક ભાગ માત્ર છે.
1992માં જન્મ, 2013માં લગ્ન અને 2018માં સરકારી નોકરી મેળવવાની સફર શરૂ થઈ. પિતાની ઈચ્છા મને ડૉક્ટર બનાવવાની હતી એટલે સાયન્સ લેવડાવ્યું. આ પ્રવાહમાં 5 વિષય હોય અને હું દર વર્ષે એક વિષય પાસ કરીને પાંચમા વર્ષે માંડ 12th Fail નો ધબ્બો મિટાવી શક્યો! અને તરત જ પ્રભુતામાં પગલાંય માંડી દીધેલાં. ટીનેજર હતો ત્યાં સુધીમાં પિતા પણ પણ બની ગયેલો. પણ એ બધું તો ઠીક દરેકને હોય.. પોતાની ખુદની એક કથા.
વાત છે સરકારી નોકરી પામવા માટેની મારી સાડા પાંચ વર્ષની સફરની. જેવી રીતે જ્હોનિસબર્ગ સ્ટેશને મોહનદાસ ગાંધીને રંગભેદનો કડવો અનુભવ થયેલો અને પછી સત્યાગ્રહ શરૂ કરેલો. કંઈક એવી જ રીતે વર્ષ 2018માં કર્ણાટકમાં એક સામાજિક પ્રોગ્રામમાંથી પરત ફરતી વખતે મને ચેન્નાઈ એક્સપ્રેસના એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં એક અનુભવ થયો અને મેં પણ સરકારી નોકરીના સત્યાગ્રહમાં ઝંપલાવ્યું. આ સાડા પાંચ વર્ષની સફરમાં અનેક નિષ્ફળતાઓ મળી છે. ક્યારેક છેક કિનારે આવેલું વહાણ ડૂબી ગયું છે, તો ક્યારે હાજી કાસમની વીજળીની જેમ મારા સપનાઓનું વહાણ મધદરિયે વેરણ થયું છે.
વર્ષ 2020માં પહેલીવાર નિષ્ફળતા મળી. લેબોરેટરી ટેક્નિશિયનની પોસ્ટ માટે 2020માં થોડાક અંતરેથી ભારે હૈયે પાછું વળવું પડ્યું. પછી કોરોના આવ્યો, પેપરો ફૂટ્યાં, પરીક્ષાઓ રદ થઈ જેવી અનેક અડચણો આવી. મનમાં ભારે આક્રોશ હતો પણ તેને નિયંત્રણમાં રાખીને લોકડાઉનમાં પણ ડાઉન થયા વિના મેં ચોપડી પકડી રાખી. દિવસે દિવસે સરકારી નોકરી મેળવવાની જીજીવિષા એટલી બધી વધતી જતી હતી કે પછીથી હું એક જગ્યા હોય તો પણ ફોર્મ ભરી દેતો! દાહોદની નવજીવન કોલેજમાં ક્લાર્કની 3 જગ્યા માટેય એપ્લાય કર્યું. પ્રિલીમ પાસ, કમ્પ્યુટર ટેસ્ટ પણ પાસ ને વેરિફિકેશન સમયે આવી મારી ડ્રિમ ગર્લરૂપી બિન સચિવાલય કલાર્કની પરીક્ષા. હું એટલો ઓવર કોન્ફિડન્ટ હતો કે આમાં તો આપણી પસંદગી પાક્કી છે એમ સમજીને દાહોદની નોકરી ન લીધી. ત્યાંથી ફોન આવ્યા તેને પણ અવગણ્યાં અને બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે મચી પડ્યો. પ્રોવિઝનલ answer key સમયે મેરિટ કરતા 2 માર્ક્સ વધુ હતા, પણ ફાઇનલ answer key રૂપી વાવાઝોડાએ આખું ચિત્ર બદલી નાખ્યું અને મેરિટ કરતા 2 માર્ક્સ ઓછા પડ્યાં. મારી ડ્રીમ ગર્લ સાથે મિલન ન થઈ શક્યું. પણ હું હિંમત ન હાર્યો.
બીજા જ દિવસથી તલાટી અને જુનિયર ક્લાર્કની તૈયારીમાં લાગી ગયો. વચ્ચે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ફક્ત 1 વેકેન્સી માટે એપ્લાય કર્યું. પ્રિલીમ પાસ કમ્પ્યુટર ટેસ્ટ પણ પાસ અને સ્કિલ ટેસ્ટના નામે લેવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં દિલ્હીની ફેકલ્ટીએ ફક્ત એક જ વાક્યમાં સિલેકશન કેન્સલ કર્યું. તેમણે કહ્યું, "સતિષભાઈ તમારું નોલેજ જોતા અને તમારી ઉંમર જોતા આ લેબોરેટરી એટેન્ડન્ટની પોસ્ટ તમારા લાયક નથી. તમે લાઈફમાં હજુ ઘણીબધી મોટી સફળતા મેળવવા માટે સક્ષમ છો એટલે તમારાથી મોટી ઉંમરની વ્યક્તિને અમે ચાન્સ આપીએ છીએ. તમે ક્લાસ 1-2 માટે લાયક વ્યક્તિ છો. સોરી, તમે મહેનત ચાલુ રાખજો, અમારી શુભેચ્છાઓ" આવું કહીને એમણે મને બીજા નંબરે રાખ્યો. અને એક જ વેકેન્સી માટેની રેસમાંથી હું વિલે મોઢે, છતાં તેમણે આપેલા કોમ્પલિમેન્ટને કારણે એક નવા જોશ સાથે પરત ફર્યો.
પછી તો નિષ્ફળતા નામનું ભૂત મને છોડવા તૈયાર જ ન થયું. તલાટીએ મને પોતાનો ન માનીને જાકારો આપ્યો ને જુનિયર કલાર્કમાં 1.33 માર્ક્સથી અલવિદા કહી દીધું. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં કલાર્કની પ્રિલીમ પાસ કરી તો કમ્પ્યુટર ટેસ્ટે તરછોડ્યો. હાઈકોર્ટ પ્યૂન રૂપી ચકુ મને મળવા માટે આતુર હોય એમ લાગ્યું અને 100 માર્કસના પેપરમાંથી મને 87 જેટલા માર્ક્સ આપીને મને પોતાનામાં સમાવવા માટે આતુર બની. પરીક્ષા આપ્યાના 4 મહિના પછી ગઈકાલે કંકોત્રીમાં મારું નામ છપાયું અને ફાઈનલી જેમ ક્યુબાની કટોકટીથી કોલ્ડવોરનાં અંતનો આરંભ થયેલો એમ સરકારી નોકરી માટે મારી અંદર ચાલતા શીતયુદ્ધના અંતની શરૂઆત થઈ. જનરલ કેટેગરીના મેરિટની સમકક્ષ માર્ક્સ આવ્યા એટલે આજે 5 વર્ષ પછી મારા ઘેર દિવાળી ટાણે ખરેખર દિવાળી જેવો માહોલ છે. આમ પણ દિવાળી મારા માટે લકી શબ્દ છે. મારા મમ્મી દીવાળીબેન, મને સૌથી વધુ ગમતાં ગાયિકા દિવાળીબેન ભીલ અને મેરિટમાં નામ પણ આવ્યું દિવાળી સમયે!
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એસ્પીરન્ટની સફળતા એ તેની એકલાની સફળતા નથી હોતી. તેની પાછળ પરિવારના અનેક લોકો એક અદ્રશ્ય સંઘર્ષ કરતા હોય છે અને ઢાલ બનીને તેની રક્ષા કરતા હોય છે, જરૂર પડ્યે પ્રોત્સાહન પુરું પાડતા હોય છે. મને આવા ટેકાઓ મળ્યાં છે તેનો આનંદ છે. તેમના નામ લઈને અહીં તેમના ઉપકારને શબ્દોમાં ટાંકી શકું તેટલો સક્ષમ નથી. થોડા શબ્દોમાં ઝાઝું કહું તો મને હિમોગ્લોબીન જેવા મિત્રો મળ્યા છે. મારા દરેક મિત્રો હિમોગ્લોબીન બનીને મને સતત ઓક્સિજનરૂપી સપોર્ટ પહોંચાડતા આવ્યા છે. એમનું ઋણ ક્યારેય ચૂકવી ન શકું. ખાસ તો સોશિયલ મીડિયાની આભાસી લાગતી દુનિયાએ મને એક આખો પરિવાર પુરો પાડ્યો છે એમ કહીશ તો જરાય અતિશ્યોક્તિ નથી.
કેમ કે, આમાંના ઘણાં એવા હતા, જેમને પોતાને સરકારી નોકરી મળી ગઈ હતી છતાં તેમણે નાનકડી ઉજવણી પણ નહોતી કરી. તેની પાછળનું કારણ હું હતો, તેમણે નક્કી કરી રાખ્યું હતું કે મારું નામ પણ મેરિટમાં આવી જાય એ પછી જ ઉજવણી કરવી. તમે જ વિચારો, આ લોકોનો શબ્દોથી કઈ રીતે આભાર માની શકું?
અહીં મારાથી નાના મારા ભાઈનો ઉલ્લેખ ચોક્કસ કરવો પડે તેમ છે. કેમ કે આવા ઉદાહરણો કદાચ સાંપ્રત સમયમાં ભાગ્યે જ જોવા મળે છે. મારાથી 3 વર્ષ નાનો મારો ભાઈ આ સફરમાં મારા માટે મારી યશોદા માવડી બનીને ઉભો રહ્યો. "તું તારે તને મજા આવે ત્યાં સુધી તૈયારી કર, હું બેઠો છું." મારી તમામ બેઝિક જરૂરિયાતો તો પુરી કરી જ છે, સાથે સાથે મારા આખા પરિવારના મોજશોખ તેણે જરાય ખચકાય વગર પૂર્ણ કર્યા છે. 12-13 વર્ષની નાની ઉંમરથી તે ઘરની જવાબદારીઓ ઉપાડતો આવ્યો છે. ફક્ત મને સફળતા અપાવવા માટે પોતે અત્યાર સુધી સિંગલ રહ્યો. કેમ કે, તેને લાગતું હતું કે તે લગ્ન કરી લે અને તેના જીવનમાં આવનારી વ્યક્તિ જો જરાય આનાકાની કરે કે આ તો બધું એના ભાઈ અને ફેમિલી માટે જ કરે છે, તો પછી બધા સંઘર્ષ પર પાણી ફરી વળે. હવે ફાઈનલી તે સિંગલમાંથી મિંગલ થશે.
હવે વાત મારા ટીનએજ કાળથી જીવનસિંગીની રહેલી મારી પત્નીની. આજના દેખાદેખીના સમયમાં તેણે છેલ્લાં 10 વર્ષથી એનો પતિ એકપણ રૂપિયો કમાયા વગર, ક્યારેય એની સામાન્ય જરૂરિયાતો પુરી કરવા માટે પણ પરિવાર પર નિર્ભર હતો તો પણ તેણે કોઈપણ જાતના રંજ કે મોઢા પર ઉદાસી લાવ્યા વિના, હસતા હસતા પોતાના બધાં જ મોજશોખને દફનાવીને જિંદગીનો એક આખો દાયકો મારી સાથે સાવ સરળતાથી કાઢી નાખ્યો. એક ગૃહિણી બનીને તેણે હંમેશા મારા સ્ટડી પિરિયડમાં રાત્રે 3-3 વાગે જાગીને મને વાંચવા માટે જગાડ્યો છે! નવા કપડાં/મેકઅપ/મોજશોખ બધું જ એના માટે મરિચિકા જેવું હતું. મારા પરિવારે એને પોતાની દીકરી કરતા પણ વિશેષ પ્રેમ આપ્યો અને સામે તેણીએ અમને વ્યાજ સહિત એ પ્રેમ રિટર્ન ગિફ્ટ તરીકે આપ્યો છે. મારી આ સફળતાની પહેલી પગલીમાં મારી પત્ની કાજલનું યોગદાન મોટું છે. છેલ્લે મારી મમ્મી અને મારા પપ્પા વિશે કોઈપણ કોમ્પ્લીમેન્ટ આપીને હું એને શબ્દોમાં સીમિત કરવા નથી માંગતો. જેનો બાપ એના દીકરાને ડોકટર બનાવવા માટે પોતાની કિડની વેચવાની વાત સુધી આવી ગયેલ હોય એના વિશે શું લખવું? અને મારી મમ્મી તો મારો જીવ છે. એણે મારા જે કર્યું એના માટે તો હું એને મારી ચામડીના ચપ્પલ પહેરાવું તોય એના ઋણ માંથી ક્યારેય મુક્ત ન થઈ શકું.
આ લખવાનો હેતુ એટલો જ કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનની ગમે તેટલી મજાકો કરવામાં આવે, પેપરો ફૂટે ત્યારે જાતજાતના જોક્સ/મિમ્સ બને, સમાજ-સોસાયટી મેરીટ સમયે વારંવાર 'નામ આવ્યું કે નહીં' એવી પૃચ્છા કરે ત્યારે જરાય ડગમગ્યા વગર સતત ને સતત અચળ પ્રવેગી ગતિએ આ સફર ચાલુ રાખવામાં આવે તો સફળતા મળે, મળે અને મળે જ એમાં શંકાને કોઈ સ્થાન નથી. જ્યારે દુનિયા મતારી નકારાત્મક વાતો કરે, તમારી મજાક ઉડાવે તેમ છતાં તમને રતિભાર પણ ફરક ન પડે ત્યારે સમજી જવું કે હવે સફળતા નજીક છે.
લેખકઃ સતિષ મકવાણા (ગામ - લાંગોદ્રા, તાલુકો-માળિયા હાટીના, જિલ્લો-જૂનાગઢ)
આ પણ વાંચોઃ "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Satish Makvanaઆ સ્ટોરીને અહીંયા સ્થાન આપવા બદલ તમામ એસ્પીરન્ટ્સ વતી ખબર-અંતરની ટીમનો આભાર.