ગુજરાતમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં એક જ વર્ષમાં 469 ટકાનો વધારો થયો

મોબાઈલ અને ઈન્ટરનેટના વધેલા વ્યાપ વચ્ચે ગુજરાતમાં બેંન્કિંગ ફ્રોડમાં છેલ્લાં એક જ વર્ષમાં 469 ટકાનો અસાધારણ ઉછાળો નોંધાયો છે.

ગુજરાતમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં એક જ વર્ષમાં 469 ટકાનો વધારો થયો
image credit - Google images

ગુજરાતમાં ઈન્ટરનેટનો વ્યાપ વધ્યા બાદ ઓનલાઈન ચિટીંગ અને બેન્કિંગ ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, આ વર્ષના જે આંકડાઓ આવ્યા છે તેણે સૌ કોઈને ચોંકાવી દીધાં છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં એક જ વર્ષમાં બેન્કિંગ ફ્રોડની ઘટનાઓમાં 469 ટકાનો મોટો વધારો નોંધાયો છે. 

ગુજરાતમાં આ વર્ષે ફ્રોડના ૧૩૪૯ કેસની ફરિયાદ નોધવામાં આવી હતી. જેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ઈન્ટરનેટ બેન્કિંગ વગેરેમાં ફ્રોડ થયાની ફરિયાદો નોંધાઈ હતી.  યુનિયન ફાઈનાન્સ મિનિસ્ટ્રીના ડેટા પ્રમાણે વર્ષ ૨૦૨૨-૨૩માં બેંન્કિંગ ફ્રોડના ૨૪૭ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૩-૨૪માં આ આંકડો વધીને ૧૩૪૯ કેસોએ પહોંચી ગયો હતો. મતલબ અંદાજે ૪૬૯ ટકાનો વધારો નોંધાયો હતો.

આંકડાઓ મુજબ તમિલનાડુમાં સૌથી વધુ બેન્કિંગ ફ્રોડ થયા છે, જયાં ૬૮૭૧ કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૬૫૧૪, દિલ્હી-એનસીઆરમાં ૨૪૮૭, ઉત્તર પ્રદેશ ૧૪૬૨ અને પશ્ચિમ બંગાળ ૧૩૫૩ ફ્રોડના કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...

વર્ષ ૨૦૨૪માં ગુજરાતના લોકોએ ડિજિટલ બેન્કિંગ ફ્રોડથી રૂ. ૪૯.૯૨ કરોડ ગુમાવ્યા હતા, જે  વર્ષ ૨૦૨૩માં રૂ. ૯.૮૭ કરોડનાની સરખામણીએ ૪૦૦ ટકાથી પણ વધારે છે.  ગુજરાતની બેંકર કમિટીના જણાવ્યા મુજબ, મોટાભાગના કિસ્સાઓમાં, એટીએમ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પીન અને સીવીવી શેર કરવાથી બેંકીગ ફ્રોડ ખૂબ જ સરળતાથી થઈ શકે છે.  યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સહિત લોકો આ પ્રકારના ફ્રોડના શિકાર બને છે, લોકો ફોન પર ઓટીપી શેર કરે છે જેથી ફ્રોડનો ભોગ બને છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય કિસ્સાઓમાં, લોકો વ્હોટ્‌સએપ અને મેસેજ પર પ્રાપ્ત થયેલી  લિંક્સ પર ક્લિક કરે છે, જેના કારણે તેમની બેંકિંગ માહિતી બીજા સુધી પહોંચી જાય છે અને તેમની જાણ વગર લોકો ફ્રોડના ભોગ બને છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં, જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટના ફ્રોડ ખૂબ થાય છે સાથે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી પણ ઘણાં બેંકીગ ફ્રોડ થાય છે. ગુજરાતમાં બેંકીગ ફ્રોડ કેસોની સંખ્યામાં પાંચ વર્ષમાં ૨૫ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦ માં ૫૧ કેસ નોંધાયા હતા અને વર્ષ ૨૦૨૪ માં ૧૩૪૯ કેસો નોંધાયા છે . લોકો દ્વારા ફ્રોડમા ગુમાવેલી રકમ ૧૬૩૯ ટકા વધી છે, જે વર્ષ ૨૦૨૦ માં રૂ. ૨.૮૭ કરોડની હતી જે આ વર્ષે ૪૯.૯૨ કરોડની થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૧૯૧૪ કેસમાં કુલ રૂ. ૭૪.૦૭ કરોડની રકમ લોકોએ બેન્કિંગના ફ્રોડમાં ગુમાવી છે.

આ પણ વાંચો: કોર્ટમાં દાખલ કેસોમાં પક્ષકારની જ્ઞાતિ અને ધર્મના ઉલ્લેખથી ન્યાય પ્રભાવિત થાય છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.