અમરેલીમાં બે વર્ષથી બંધ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ફરી શરૂ થશે, ગાંધીનગરથી મંજૂરી મળી

અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ પર આવેલું દલિત, આદિવાસી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટેનું છાત્રાલય જર્જરિત હોવાને કારણે છેલ્લાં બે વર્ષથી બંધ હતું. સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા અનેક વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝળી પડ્યું હતું. પણ સ્થાનિક આગેવાનો, કાર્યકરોની મહેનત રંગ લાવી છે અને તે ફરી શરૂ થશે. વાંચો આ રિપોર્ટ.

અમરેલીમાં બે વર્ષથી બંધ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ફરી શરૂ થશે, ગાંધીનગરથી મંજૂરી મળી

અમરેલી શહેરના સાવરકુંડલા બાયપાસ ચાર રસ્તાની બાજુમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે, જેને ફરી શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ માટે છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરોએ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી. જેનું પરિણામ હવે મળતું દેખાયું છે. 

આ છાત્રાલયના બિલ્ડીંગની હાલત સાવ ખંડિયર જેવી બની ગઈ હતી અને તમે ત્યારે ધરાશાયી થાય તેવી પણ ભીતિ સેવાઇ રહી હતી. જેના કારણે આ જર્જરિત છાત્રાલયમાં વિદ્યાર્થીઓને બે વર્ષથી એડમિશન આપવામાં આવતું નથી. બિલ્ડીંગમાં ગમે ત્યારે કોઇ મોટી દુઘર્ટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા આ બિલ્ડીંગને તોડી પાડી નવું બિલ્ડીંગ બનાવવામાં આવે તે જરૂરી બન્યું હતું. જો કે એ દરમિયાન દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના અનેક વિદ્યાર્થીઓ માટે રહેવાની કોઈ વ્યવસ્થા થઈ શકી નહોતી. જેની સીધી અસર તેમના શિક્ષણ પર પડી રહી હતી. આથી સામાજિક કાર્યકરો, આગેવાનો દ્વારા સ્થાનિક લેવલે અને રાજ્ય સરકારના જવાબદાર મંત્રાલય સુધી અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાન પર લઈને આખરે સરકાર દ્વારા આ છાત્રાલય માટે ભાડેથી નવું બિલ્ડીંગ શોધીને શરૂ કરવાને મંજૂરી આપી દીધી છે.

8 વખત જાહેરાત આપવા છતા નવું બિલ્ડીંગ નહોતું મળ્યું

અમરેલી અને તેની આસપાસના ગામોમાંના એસ.સી./એસ.ટી. અને ઓબીસી સમુદાયના બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરી શકે તે માટે અહીં ડો.બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય છેલ્લા વીસેક વર્ષથી કાર્યરત હતું. જેમાં અમરેલી અને તેની આજુબાજુના જિલ્લા, તાલુકાના ગામડાઓ અને અન્ય શહેરમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. પણ છાત્રાલયની હાલત ખંડિયેર જેવી હોવાથી તે બંધ કરી દેવામાં આવી હતી. એ પછી અન્ય જગ્યાએ ભાડે મકાન મેળવી કુમાર છાત્રાલય ચાલુ કરવા સમાજ કલ્યાણ વિભાગ તરફથી 8 વાર સ્થાનિક જાહેરાત આપવામાં આવી હતી છતાં પણ વિદ્યાર્થીઓ સુવિધાઓ સાથે રહી શકે તેવું બિલ્ડીંગ મળતું નહોતું. જેના કારણે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ રઝળી પડ્યું હતું. પણ હવે છાત્રાલય માટે બિલ્ડીંગ ભાડે મળી ગયું હોવાથી ટૂંક સમયમાં અહીંના લાઠી રોડ પર કુમાર છાત્રાલય શરૂ કરવામાં આવશે.

સ્થાનિક આગેવાનો, સામાજિક કાર્યકરોની મહેનત રંગ લાવી

અમરેલીમાં કુમાર છાત્રાલય ફરી શરૂ કરવા માટે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે મુખ્યમંત્રી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી, સચિવ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગ-અમરેલી, જિલ્લા કલેક્ટર વગેરેને ઈમેઈલથી વારંવાર રજૂઆતો કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા થકી આ મામલાને હાઈલાઈટ કર્યો હતો. આ સિવાય છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને એડવોકેટ વિજય વણઝારા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સામાજિક અગ્રણી ધીરુભાઈ ખીંટોલિયા દ્વારા પણ જિલ્લા અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ અમરેલી કલેક્ટરને આ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આમ સૌના સહિયારા પ્રયત્નો થકી ટૂંક સમયમાં આ છાત્રાલયને ફરી શરૂ કરાવવામાં સફળતા મળી છે.

ઉલ્લેખનીય છે કે, અમરેલીના આ જર્જરિત બિલ્ડીંગને લખતો પહેલો અહેવાલ ખબરઅંતર.કોમ પર રજૂ કરવામાં આવ્યો હતો. એ પછી અમરેલીના સ્થાનિક મીડિયા અને અન્ય મીડિયાએ પણ તેને કવરેજ આપ્યું હતું, જેનું પરિણામ હવે મળ્યું છે.

આ પણ વાંચો : અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.