IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન પદે નિયુક્તિ

જીપીએસસીના ચેરમેન નલિન ઉપાધ્યાય ઓક્ટોબરમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે હસમુખ પટેલની તેમની જગ્યાએ નિમણૂંક કરી છે.

IPS હસમુખ પટેલની GPSCના ચેરમેન પદે નિયુક્તિ
image credit - Google images

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને એક મોટી જવાબદારી સોંપી છે. રાજ્ય સરકારે આઇપીએસ હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. જીપીએસસીના વર્તમાન ચેરમેન નલીન ઉપાધ્યાય ઓક્ટોબરના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવ્યા બાદ ફરી એક વખત તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય વહીવટ વિભાગના જોઇન્ટ સેક્રેટરી એચ. કે. ઠાકરે આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર દ્વારા આઇપીએસ અધિકારી હસમુખ પટેલને ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી), ગાંધીનગરના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, હસમુખ પટેલ જે દિવસથી ચાર્જ લેશે તે દિવસથી આ નોટિફિકેશન અમલી બનશે.

ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) ના તત્કાલિન ચેરમેન દિનેશ દાસાની નિવૃત્તિ બાદ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) ના ચેરમેન તરીકે નલીન ઉપાધ્યાયને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે નલિન ઉપાધ્યાય આ ઓક્ટોબર મહિનાના અંતમાં નિવૃત્ત થવા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે લોક રક્ષક ભરતી બોર્ડ (એલઆરડી) ના ચેરમેન આઇપીએસ હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએસ હસમુખ પટેલ દ્વારા એલઆરડીની પરીક્ષા સફળતા પૂર્વક લઈને પેપર ફોડવાનો પ્રયત્ન કરનારા અસમાજિક તત્વોને સામે કડક કાર્યવાહી કરી છે. એટલું જ નહીં, સાથો સાથ તેઓ વિદ્યાર્થી મુંજવતા દરેક પ્રશ્નોનો નિરાકરણ પણ આપી રહ્યા છે. જેના કારણે હસમુખ પટેલ વિદ્યાર્થીઓમાં ભારે લોક ચાહના અને વિશ્વાસ ધરાવે છે. તેવા સંજોગોમાં હવે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1993ની બેચના સિનિયર આઇપીએસ અધિકારી હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકેની વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

આ અંગે આઇપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, જીપીએસસીના ચેરમેનની ખૂબ મોટી જવાબદારી મળી છે. ત્યારે હું આગામી તા. 11 નવેમ્બરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન તરીકેની કામગીરી સંભાળીશ. હાલમાં જીપીએસસી સારી રીતે કામ કરી રહ્યું છે, આગામી દિવસોમાં વધારે કામ કરીશું તેમ પણ હસમુખ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: GPSC દ્વારા લેવાયેલી ૨૦ જેટલી પરીક્ષામાં ૧૦૭ પ્રશ્નો ખોટા પૂછાયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.