દારૂ પીને અશ્લીલ ગીતો વગાડતા ભાજપ નેતાને રોકતા 3 પોલીસકર્મી સસ્પેન્ડ
મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ ભાજપ નેતા અશ્લીલ ગીતો વગાડી દારૂ પાર્ટી કરતા હતા, પોલીસે રોક્યા તો પીઆઈ સહિત બે પોલીસવાળાને સસ્પેન્ડ કરી દેવાયા.
લોકશાહી ઢબે ચૂંટાયેલા નેતાઓ જ્યારે સત્તાના મદમાં આંધળા થઈ જાય ત્યારે કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ થાય તેની આ વાત છે. છત્તીસગઢના બલોદા બજાર જિલ્લામાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. આ વખતે ભાજપના નેતાઓની દારૂની મહેફિલના કારણે પોલીસ સ્ટેશનના અધિકારી સહિત બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈના કાર્યક્રમ બાદ ભાજપના નેતાઓ પલારી પોલીસ સ્ટેશનની સામેના બસ સ્ટેન્ડ પર દારૂની મહેફિલ જમાવી રહ્યા હતા. તેઓ તેમની કારમાં હાઈ વોલ્યુમમાં અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા, જેને પોલીસ રોકવા ગઈ હતી. જો કે ભાજપ નેતાઓએ પોતાની વગનો ઉપયોગ કરીને પોલીસને જ સસ્પેન્ડ કરાવી દીધાં હતા.
પલારી નગરપાલિકાના પ્રમુખ યશવર્ધન મોનુ વર્મા અને પલારી પોલીસ વચ્ચેનો આ વિવાદ છે. પોલીસ સ્ટેશન સામે બસ સ્ટેન્ડ પર ભાજપના નેતાઓ કારમાં મોટા અવાજે અશ્લીલ ગીતો વગાડી રહ્યા હતા. જેનાથી પરેશાન સ્થાનિકોએ પલારી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસ કાફલો તેને અટકાવવા પહોંચ્યા હતા. જો કે ભાજપ નેતાઓ પોલીસનું માન્યા નહોતા અને તેમણે પોલીસ સામે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમની ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. જેને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો.
ભાજપના નેતાઓએ પોલીસ અધિકારીઓને સરકારમાં પોતાની પહોંચની દાટી મારીને બસ્તરમાં ટ્રાન્સફર કરાવી દેવાની ધમકી આપી હતી. આ દરમિયાન વિવાદ વધી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. મળતી માહિતી મુજબ ભાજપના નેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ભારે મારામારી થઈ હતી.
આરોપ છે કે એક તરફ પોલીસકર્મીઓ પોતાની ખાખી વર્દીનો પાવર બતાવતા હતા, તો બીજી તરફ ભાજપના નેતાઓએ સત્તાનો પાવર બતાવીને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં પોલીસ અધિક અધિક્ષક સહિત મોટી સંખ્યામાં પોલીસ દોડી આવી હતી.
આ બાજુ રાજકીય દબાણને કારણે પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ અધિક્ષકે પીઆઈ કેશર પરાગ વણઝારા અને 2 કોન્સ્ટેબલ રામ મોહન રાય અને મનીષ વણઝારાને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક રાજેશ શ્રીવાસ્તવને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે.
આ પણ વાંચો: ડાકોરમાં ASI દારૂ ઢીંચી ખાતાકીય તપાસમાં જવાબ લખાવવા પહોંચ્યાં