અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા

આપણે કોર્ટ પરિસરમાં થનારા આયોજનોમાં પૂજા-અર્ચના થતી બંધ કરી દઈએ અને બિનસાંપ્રદાયિક અને લોકતંત્રને મજબૂત કરવા માટે બંધારણ આગળ માથું નમાવીએ.

અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના બંધ કરો, ફક્ત બંધારણ આગળ માથું નમાવોઃ જસ્ટિસ અભય ઓકા

ભારત ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર હોવા છતાં બહુમતી વકીલો, જજો દ્વારા અદાલતોમાં થયા કાર્યક્રમોમાં હિંદુ વિધિથી પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેની સામે સુપ્રીમ કોર્ટના જજ અભય. એસ. ઓકાએ નારાજગી વ્યક્ત કરી છે.
 
સુપ્રીમ કોર્ટના જજ અભય એસ. ઓકાએ કહ્યું છે કે, અદાલત પરિસરમાં યોજાતા કાર્યક્રમોમાં પૂજા-અર્ચના પર પ્રતિબંધ લાગવો જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ પ્રકારના ધાર્મિક રીતિરિવાજોનું પાલન અદાલતના કાર્યક્રમોમાં ન થવું જોઈએ. આપણા દેશમાં બંધારણ લાગુ થયાને 75 વર્ષ પૂર્ણ થવાના છે અને આ તકે આપણે એ વિચાર કરવો જોઈએ કે હવે માત્ર બંધારણ આગળ જ માથું નમાવીશું. જસ્ટિસ ઓકાએ કહ્યું કે આપણા બંધારણમાં બિનસાંપ્રદાયિકતાની વાત કરવામાં આવી છે. આપણે એ બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ અને કોર્ટ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં બંધારણની પ્રસ્તાવનાને વંદન કરવા જોઈએ.

આ પણ વાંચો : એટ્રોસિટીની ફરિયાદમાં કોર્ટ પીડિતને સાંભળ્યાં વિના આરોપીને જામીન પર છોડી શકે નહીં

જસ્ટિસ ઓકાએ કહ્યું કે, “ઘણીવાર જજ અમુક ખટકે તેવી વાત કરતા હોય છે. હું પણ આજે એક ખટકે તેવી વાત કરીશ. હું માનું છું કે, અદાલતોના કાર્યક્રમોમાં પૂજા-અર્ચના પર પ્રતિબંધ લાગવો જોઈએ. તેના બદલે આપણે કોર્ટના કોઈપણ કાર્યક્રમમાં બંધારણની પ્રસ્તાવનાની એક તસવીર રાખવી જોઈએ અને હાજર દરેક લોકોએ તેની સામે મસ્તક નમાવવું જોઈએ. હવે જ્યારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે આપણે આ પ્રેક્ટિસ કરવી જોઈએ. તેનાથી લોકોનો બંધારણ પર ભરોસો વધુ મજબૂત થશે અને તેની ગરિમામાં પણ વધારો થશે.”

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓકાએ આ વાત પિંપરી-ચિંચવાડના નવા બિલ્ડીંગનો શિલાન્યાસ કરતી વખતે કહી હતી. તેમણે કહ્યું કે, મારા માટે બંધારણમાં લખાયેલા ‘બિનસાંપ્રદાયિક’ અને ‘લોકતાંત્રિક’ શબ્દો ખૂબ જ મહત્વના છે.

તેમણે કહ્યું, “બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. ડૉ. આંબેડકરે આપણને એક આદર્શ બંધારણ આપ્યું છે, જેમાં બિનસાંપ્રદાયિકતાનો પણ ઉલ્લેખ છે. ભલે આપણી કોર્ટ સિસ્ટમ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હોય, પરંતુ તે બંધારણ દ્વારા સંચાલિત છે. બંધારણે જ આ દેશને અદાલતો આપી છે, તેથી તેનું સન્માન સૌથી પહેલા થવું જોઈએ.”

જસ્ટિસ ઓકાએ વધુમાં કહ્યું કે, “જ્યારે હું કર્ણાટક હાઈકોર્ટનો ચીફ જસ્ટિસ હતો ત્યારે મેં ત્યાં ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવા પ્રયત્ન કર્યો હતો પરંતુ સંપૂર્ણપણે એવું નહોતું થઈ શક્યું. હવે જ્યારે બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે આ જ મોકો છે કે આપણે કોર્ટ પરિસરમાં થનારા આયોજનોમાં પૂજા-અર્ચના થતી બંધ કરી દઈએ અને બિનસાંપ્રદાયિક અને લોકતંત્રને મજબૂત કરવા માટે બંધારણ આગળ માથું નમાવીએ.”

આ પણ વાંચો : એટ્રોસિટીનો આટલો મજબૂત કાયદો છતાં આરોપીઓ કેમ છુટી જાય છે?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.