રાજસ્થાનના કોટામાં શિવયાત્રામાં વીજકરંટ લાગવાથી 14 બાળકો દાઝ્યાં, એકની હાલત ગંભીર
Kota News: ભારતમાં ધાર્મિક કાર્યક્રમોમાં દર વર્ષે અનેક અકસ્માતો સર્જાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. રાજસ્થાનના કોટામાં આજે શિવયાત્રા દરમિયાન આવી જ એક ઘટના બની છે, જેમાં નાના બાળકો વીજકરંટનો ભોગ બન્યાં છે.
Kota News: રાજસ્થાનના કોટામાં મહાશિવરાત્રિના દિવસે મોટી દુર્ઘટના બની છે. અહીં શિવયાત્રાના એક કાર્યક્રમ દરમિયાન અનેક બાળકોને વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 14 જેટલા બાળકો દાઝી ગયા છે, જેમાં એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.
શું ઘટના બની?
રાજસ્થાનના કોટામાં આજે મહાશિવરાત્રી દરમિયાન યોજાયેલી એક રેલી જ્યારે કુન્હાડી થર્મલ ચોક પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે શિવ બારાતમાં વીજળીનો કરંટ ફેલાયો હતો અને જોતજોતામાં જ એક ડઝનથી વધુ બાળકો તેની ઝપેટમાં આવી ગયા હતા. કરંટની ઘટના બાદ 14 બાળકોને એમબીએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ બાળકો પૈકી અનેકના હાથ-પગ દાઝી ગયા છે. બધાંની તાત્કાલિક સારવાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી
ઘટના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ હોસ્પિટલ પહોંચી ઘાયલ બાળકોની પરિસ્થિતિ જાણ્યા પછી જણાવ્યું હતું કે, તમામ બાળકો માટે ડૉક્ટરોની એક ટીમ કામે લાગી ગઈ છે. એક બાળકની હાલત ગંભીર છે. આ ખૂબ જ નાના બાળકો છે. હોસ્પિટલને નિર્દેશ આપવામાં આવ્યો છે કે બાળકોની સારવારમાં કોઈપણ પ્રકારની કમી ન રહે. જરૂર પડ્યે બાળકોને રિફર કરવામાં આવશે અને સર્વોત્તમ સારવાર આપવામાં આવશે.
હાઈ ટેન્શન લાઈન સાથે ઝંડો ટકરાયો
આ દુર્ઘટના કોટાના થર્મલ પાવર પ્લાન્ટ પાસેની કાળી વસ્તીમાં થયો હતો. મહાશિવરાત્રી દરમિયાન અહીં શિવજીની જાન કાઢવામાં આવી રહી હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ સામેલ હતા. બાળકોના હાથમાં ઝંડા હતા. એ દરમિયાન એક ઝંડો ઉપરથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વીજ તારને અડકી ગયો હતો. જેના કારણે જાનમાં વીજકરંટ ફેલાઈ ગયો હતો.
કોટાના એસપી અમૃતા દુહને જણાવ્યું હતું કે, કાળી ચાલના લોકો કળશ ભરવા માટે એકઠા થયા હતા. જેમાં મહિલાઓ, પુરૂષો અને બાળકો સામેલ હતા. એ દરમિયાન એક બાળકના હાથમાં રહેલો લાંબો લોખંડનો પાઈપ ઉપરથી પસાર થઈ રહેલા હાઈ ટેન્શન વીજતાર સાથે અથડાયો હતો. જેના કારણે તે બાળક વીજકરંટની ઝપેટમાં આવી ગયું હતું. તેને બચાવવા માટે બીજા બાળકો આગળ આવ્યા હતા અને તેમને પણ કરંટ લાગ્યો હતો. આ રીતે 14 જેટલા બાળકોને કરંટ લાગ્યો છે, જ્યારે એક બાળક 100 ટકા દાઝી ગયું છે.
આગળ વાંચોઃ રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.