ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન: મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન' ની માંગ
ગોતામાં ક્ષત્રિયોએ શક્તિ પ્રદર્શન કરી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માંગ કરી છે.

અમદાવાદના ગોતામાં આજે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના નેજા હેઠળ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યું હતું. જેમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે ભાવનગરના રાજવી વિજયરાજસિંહજી ગોહિલની વરણી કરાઇ હતી. એટલું જ નહીં, આ સંમેલનમાં ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે તેવી એક સૂરે માંગણી ઉઠવા પામી હતી.
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે આજે અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના નેજા હેઠળ એક મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલનમાં ગુજરાતનાં વિવિધ સ્ટેટના રાજવી પરિવારના સભ્યો સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મહાસંમેલનમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહ્યાં હતા. જ્યારે ભાજપ કે કોંગ્રેસનાં ક્ષત્રિય સમાજના નેતાઓ ગેરહાજર રહ્યા હતા. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આગેવાનો દ્વારા એક સૂરે ભાવેણાના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના ઉત્થાનના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: માયાવતીએ માન્યવર કાંશીરામને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગ કરી, કેન્દ્ર સરકાર ભીંસમાં
આ મહાસંમેલનમાં દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહએ જણાવ્યું હતું કે, “અમે કોઈ રાજનીતિમાં કે રાજકીય રીતે કોઈ પક્ષ સાથે જોડાયા નથી. અખંડ ભારત બનાવવા માટે ભાવનગરના મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને મળીને પોતાનું રાજ્ય અર્પણ કર્યું હતું. જેના ભાવનગરના રાજવી પરિવારનું ગુજરાતમાં જ નહીં દેશમાં આગવુ સ્થાન છે.”
રિદ્ધિરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે, “અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલની ગુજરાતમાં સૌથી મોટી પ્રતિમા બની છે, પરંતુ અખંડ ભારત માટે સર્વ પ્રથમ પોતાનું રજવાડું (સ્ટેટ-રાજ) અર્પણ કરનાર ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને કોઈ પ્રાધાન્યતા અપાઈ નથી. ભાવેણાના પ્રજાવત્સલ મહારાજાની પ્રતિમા ફક્ત ભાવનગરમાં જ છે. ગુજરાતમાં અન્ય કોઈ પણ સ્થળે ભાવનગર સ્ટેટના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા નથી. અમારી તો ફકત એક જ માંગ છે કે, ભાવનગરના રાજવી (સ્ટેટ)નું સન્માન કરવામાં આવે અને મહારાજા સર કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન' એવોર્ડથી સન્માનીત કરવામાં આવે તેવી માંગણી છે.”
ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયો છતાં બે જ મુખ્યમંત્રી કેમ?
આ સંમેલનમાં મંચ પરથી એવું પણ નિવેદન અપાયું હતું કે, ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયોની વસ્તી છે, તેમ છતાં સમાજ એક નથી. જેના કારણે અત્યાર સુધીમાં માત્ર 2 મુખ્યમંત્રી જ ક્ષત્રિય સમાજમાંથી બન્યા છે. ત્યારે જો સમાજ એક થશે તો જ સમાજનો વિકાસ થશે, તેમ આડકતરી રીતે રાજકીય નિવેદનો અપાયા હતા.
ભાજપ-કોંગ્રેસના નેતાઓ ગાયબ
આ ક્ષત્રિય સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ તો ગેરહાજર રહ્યા હતા, આ ઉપરાંત લોકસભાની ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજના આગેવાનોની સંકલન સમિતિઓ ઊભી કરાઇ હતી તે સમિતિઓના તમામ નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા.
આ પણ વાંચો: 65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં