65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં

ભારત રત્નમા પણ જાતિની કથિત સર્વોપરિતા સ્પષ્ટપણે નજર ચડે છે. વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ચંદુ મહેરિયા અહીં દેશના સર્વોચ્ચ સન્માનની આંટીઘૂંટી સમજાવે છે.

65 ટકા ભારત રત્ન બ્રાહ્મણોને અપાયા છે, આદિવાસીને એકેય નહીં
image credit - Google images

ચંદુ મહેરિયા
વર્તમાન કેન્દ્ર સરકારે તેના કાર્યકાળના દસ વરસોમાં ભારત રત્ન માટે દસ મહાનુભાવોની પસંદગી કરી છે. તેમાં પણ ૨૦૧૯ અને ૨૦૨૪ના ચૂંટણી વરસોમાં અનુક્રમે ૩ અને ૫ ભારતરત્ન આપ્યા છે. દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ચૂંટણીની હારજીતનું કારણ પણ બની શકે તે હદે ભારત રત્ન અને પદ્મ એવોર્ડનું રાજનીતિકરણ થયું લાગે છે. 

૧૯૫૪માં આરંભાયેલ ભારત રત્ન સન્માનને સિત્તેર વરસ થયાં. આ સિત્તેર વરસોમાં ૫૩ મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા છે. દર વરસે ૩ વ્યક્તિને ભારત રત્ન આપી શકાય તેવો નિયમ છે. એ હિસાબે ૭૦ વરસોમાં તો ૨૧૦ ભારત રત્ન અપાવા જોઈતા હતા. પરંતુ તેના ચોથા ભાગના(૫૩)  જ અપાયા છે. એટલે પ્રશ્ન થાય કે શું આપણે ભારત રત્નની બાબતમાં દરિદ્ર છીએ?  કે કોઈ બીજા કારણો છે? તેની સાથે જ ભારતની વિવિધતા અને સર્વસમાવેશન ભારત રત્નની પસંદગીમાં દેખાય છે કે કેમ? તે પણ વિચારણીય મુદ્દો છે.

૧૯૫૪થી ૨૦૨૪ સુધીના ૭૦ પૈકી ૨૭ વરસ જ ભારત રત્ન  અપાયા છે અને ૪૩ વરસ તે અપાયા નથી. નિયમાનુસાર વરસે ત્રણ ને બદલે ઓછા ભારત રત્ન માટે પસંદગી થઈ છે એ તો ખરું પણ નિયમને તાક પર મૂકીને ૧૯૯૯માં ચાર  અને ૨૦૨૪માં પાંચ વ્યક્તિઓને સાગમટા આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ વીરમગામના દલિતો 'ભેદભાવનો ગરબો' માથે ઉપાડી ગાંધીનગર સુધી જશે

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશથી દેશને સૌથી વધુ ભારત રત્ન મળ્યા છે, તો તમિલનાડુ અને મહારાષ્ટ્ર બીજા ક્રમે છે. માનવ પ્રયત્નના કોઈ પણ ક્ષેત્રમાં અસાધારણ કે સર્વોચ્ચ સ્તરની કામગીરી કે સેવા માટે ભારત રત્નનું સન્માન આપવામાં આવે છે. તેની પસંદગી માટે કોઈ ઔપચારિક સમિતિ હોતી નથી પરંતુ વડાપ્રધાન જ નામની ભલામણ રાષ્ટ્રપતિને કરે છે. ૫૩ માંથી ૨૩ ભારત રત્ન તો રાજનેતાઓ લાભ્યા છે એટલે ભૂવો ધૂણે તો... નો ઘાટ છે. 

બંધારણના અનુચ્છેદ ૧૮(૧) મુજબ ભારત રત્ન આપવામાં આવે છે. તેમાં કોઈ નાણાં આપવામાં આવતા નથી. પરંતુ કેટલીક સગવડો મળે છે. પ્રોટોકોલમાં સાતમું સ્થાન ભારત રત્ન સન્માનિતનું રાખવામાં આવ્યું છે. રેલવે અને હવાઈ મુસાફરી નિ:શુલ્ક કરી શકાય છે. તેઓ રાજ્યના મહેમાનનો દરજ્જો ધરાવતા હોઈ તેમને રહેવા-જમવા-ફરવાની મફત સગવડ મળે છે. તેમની નિયમ મુજબની સલામતીની વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે છે. સરકારી કાર્યક્રમોમાં તેઓને નિમંત્રણ મળે છે. કેબિનેટ મંત્રીનો વીઆઈપી દરજ્જો અને આવક વેરામાંથી મુક્તિનો લાભ મળે છે. ભારત રત્નથી સન્માનિત થયેલ વ્યક્તિ તેના નામની આગળ કે પાછળ ભારત રત્ન એવું લખી શકતી નથી. જો કે વિઝિટિંગ કાર્ડ, બાયોડેટા, લેટર હેડમાં તે રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્નથી સન્માનિત કે ભારત રત્ન પ્રાપ્તકર્તા એવું લખી શકે છે.

આ પણ વાંચોઃ પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...

આરંભે ભારત રત્ન હયાત વ્યક્તિઓને આપવામાં આવતો હતો. પછી તેમાં સુધારો કરીને તે મરણોત્તર પણ આપવાનો શરૂ કર્યો છે. પહેલાં તેમાં મર્યાદિત ક્ષેત્રો નિર્ધારિત હતા. તેમાં પણ સુધારો કરીને કોઈ પણ ક્ષેત્રની  ઉચ્ચતમ કક્ષા માટે આપવાનું નક્કી કર્યું છે. દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન વિવાદોથી જરા ય પર નથી. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારે ભારત રત્ન સહિતના પદ્મ સન્માનોને બિનજરૂરી ગણાવી જુલાઈ ૧૯૭૭ થી જાન્યુઆરી ૧૯૮૦ સુધી તે આપવાના બંધ કર્યા હતા. સર્વોચ્ચ અદાલતમાં ભારત રત્નની બંધારણીયતા અને જરૂરિયાતને જાહેર હિતની અરજીઓથી પડકારવામાં આવતા બે ત્રણ વરસો તે સ્થગિત કરવામાં આવ્યા હતા. 

પદ્મ સન્માનોને ફાલતુ ગણાવી પોતાના વડાપ્રધાનના કાળમાં તે બંધ કરી દેનાર મોરારજી દેસાઈએ ૧૯૯૧માં ભારત રત્ન સ્વીકાર્યો હતો. ભારત રત્નની અનૌપચારિક પસંદગી સમિતિના સભ્ય હોઈ અબુલ કલામ આઝાદે તે સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ ખુદની ભલામણથી આપવામાં આવતું ભારત રત્ન સન્માન નહેરુ પિતા-પુત્રીએ તેમના પ્રધાનમંત્રીત્વના કાળમા જ મેળવી લીધું હતું. ક્રિકેટર સચિન તેંદુલકરને માત્ર ૪૦ વરસે અને સમાજ સુધારક ઘોંડો કેશવ કર્વેને શતાયુ ટાણે આ સન્માન મળ્યું હતું. સામાન્ય રીતે ભારત રત્ન અલંકરણ સમારોહ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાય છે. તેમાં એક માત્ર અપવાદ ઘોંડો કેશવ કર્વે છે. ૧૯૫૮માં દિલ્હીની બહાર મુંબઈના બેબ્રોન સ્ટેડિયમમાં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

ભારત રત્નથી સન્માનિતોની સૂચિ પર નજર કરતાં જણાય છે કે દેશમાં મહિલાઓની વસ્તી અડધોઅડધ છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર પાંચ મહિલાઓને જ તે વર્યો છે. ભારતની હિંદુ સમાજ વ્યવસ્થાની ટોચે રહેલા બ્રાહ્મણોને ફાળે ૬૫ ટકા ભારત રત્ન બોલે છે. એક દલિતને તો તે મળ્યો છે પરંતુ દેશના આદિનિવાસી ગણાતા અને દેશની કુલ વસ્તીમાં ૧૨ થી ૧૫ કરોડ એવા આદિવાસીમાંથી હજુ કોઈ ભારત રત્નને પાત્ર ઠર્યો નથી. હિંદુ સિવાયના ભારત રત્નમાં ૫ મુસ્લિમ અને એક-એક જ પારસી-ખ્રિસ્તી-સિંધી છે. એટલે ભારત રત્નની પસંદગીમાં સર્વ સમાવેશન અને દેશની વિવિધતા ઓછી જણાય છે.

આ પણ વાંચોઃ અમરેલીના 54 દલિત પરિવારો 42 વર્ષથી હકની જમીન માટે સંઘર્ષ કરી રહ્યાં છે

રાજનીતિ અને વિચારધારાના આધારે પણ ભારત રત્નની પસંદગી થાય છે. કેટલાક રાજકીય વિશ્લેષકો કોંગ્રેસે ભારત રત્ન માટે પસંદ કરેલા  બ્રાહ્મણોને ધર્મ નિરપેક્ષ અને જમણેરી સરકારોએ પસંદ કરેલાને હિંદુત્વવાદી બ્રાહ્મણો ગણાવે છે. ૨૦૦૧માં વાજપાઈ સરકારે વિનાયક સાવરકરને ભારત રત્ન આપવા ભલામણ કરી હતી. પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે તે સ્વીકારી નહોતી. કાશી અને બનારસ વિધ્યાપીઠોના સહસ્થાપક કેળવણીકાર ભગવાન દાસને તો ૧૯૫૫માં ભારત રત્ન મળી ગયો હતો. પરંતુ બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદન મોહન માલવિયાને આ સન્માન છેક ૨૦૧૫માં નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી મળ્યું છે. 

સરદાર પટેલને તેમના અવસાનના ૪૧ વરસો બાદ અને ડો. આંબેડકરને ૩૪ વરસો બાદ તેમની રાજકીય વિચારધારાના વળની સરકારોએ ભારત રત્નથી નવાજ્યા હતા. મધર ટેરેસા અને અમર્ત્ય સેનને નોબેલ પછી અને સત્યજિત રે ને ઓસ્કાર પછી ભારત રત્નનું સન્માન મળ્યું છે. હજુ એકેય સામ્યવાદીને આ સન્માન મળ્યું નથી. કર્પૂરી ઠાકુર પૂર્વે સામાજિક ન્યાય અને પછાત વર્ગો માટે અનામતનો અમલ  કરી ચૂકેલા કરુણાનિધિ આ સન્માનથી વંચિત છે. એવું જ બંગાળના દીર્ઘ કાળ સુધી મુખ્ય મંત્રી રહેલા જ્યોતિ બસુ અંગે કહી શકાય. ચૂંટણીકારણ ભારત રત્નની પસંદગી બનતાં તેનું મૂલ્ય ઘટ્યું છે. બીજા અનેકની જેમ આ ક્ષેત્ર પણ રાજનીતિથી  દૂષિત બન્યું છે. આ માટે તમામ રાજકીય પક્ષો જવાબદાર છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આગળ વાંચોઃ ફોન પર વાત કરતી વખતે 'જય ભીમ, નમોઃબુદ્ધાય' બોલતા દલિત યુવકને માર માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Hasmukhbhai Muljibhai Vaghela
    Hasmukhbhai Muljibhai Vaghela
    भारत रत्न जैवा अनमोल सनमान मां पण जाती वादी झेर जोवा मले छै ऐ बहु दुख नी वात छे
    4 months ago