મંદિરનો પૂજારી દાનના રૂ. 1.09 કરોડ ચોરી ફરાર, મેનેજરે ફરિયાદ નોંધાવી

એક મંદિરમાં દાનમાં આવેલી રૂ. 1.09 કરોડની રકમ મંદિરના પૂજારીને બેંકમાં જમા કરાવવા મોકલ્યો હતો, પણ આટલી મોટી રકમ જોઈ તેની દાનત બગડી હતી.

મંદિરનો પૂજારી દાનના રૂ. 1.09 કરોડ ચોરી ફરાર, મેનેજરે ફરિયાદ નોંધાવી
image credit - Google images

ભારતમાં ધર્મની આડમાં પોતપોતાના રોટલાં શેકી લેતો એક ચોક્કસ વર્ગ બાકીના લોકોને ભરમાવીને પોતાનું ઘર ભરી રહ્યો છે. મંદિરોમાં ચડતી દાનદક્ષિણા પર નભતા લોકો તેને પોતાનો જન્મજાત હક માનતા હોય છે અને તે ન મળે ત્યારે તેઓ ખોટો રસ્તો પણ અપનાવતા ખચકાતા નથી.

આવી જ એક ઘટના હાલ કૃષ્ણનગરી મથુરામાં સામે આવી છે. જ્યાં એક પૂજારીને મંદિરમાં આવેલા દાનની રૂ. 1.09 કરોડની રકમ બેંકમાં જમા કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. પણ આટલી મોટી રકમ જોઈને તેની દાનત બગડી હતી અને તે રકમ લઈને ફરાર થઈ ગયો હતો. આ મામલે હવે મંદિરના મેનેજરે ફરિયાદ નોંધાવી છે.

ઘટના મથુરાની છે. અહીં ગોવર્ધન મંદિરમાં દાનમાં આવેલી ૧ કરોડ ૯ લાખ રૂપિયાની રકમ લઈને પૂજારી ભાગી ગયો છે. તે બેંકમાં પૈસા જમા કરાવવા માટે બહાર ગયો હતો, પરંતુ ન તો બેંક પહોંચ્યો અને ન તો મંદિર પાછો આવ્યો. એ પછી તેનો ફોન સ્વીચ ઓફ છે. મંદિરના મેનેજરે કશુંક અજુગતું થયાની શંકા જતા તેણે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે પૂજારી બેંકમાં ગયો જ નથી અને એક કરોડ લઈને ભાગી ગયો છે. એ પછી મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગોવર્ધન પોલીસ અને મંદિર તંત્રે ગુમ થયેલા પૂજારીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: અંબાજીમાં મંદિરે ધજા ચડાવવા રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે

મળતી માહિતી પ્રમાણે ગોવર્ધન પોલીસ સ્ટેશન વિસ્તારના મુખ્ય મંદિર મુકુટ મુખારબિંદના સેવક (પૂજારી) પર ૧,૦૯,૩૭,૨૦૦ રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ છે. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં મંદિરના મેનેજર ચંદ્ર વિનોદ કૌશિકે જણાવ્યું હતું કે, સોમવારે સેવાયત દિનેશ ચંદ મંદિરના કોન્ટ્રાક્ટના રૂપિયા એક કરોડ નવ લાખ રૂપિયા લઈને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા. પણ તે પૈસા જમા કર્યા નહોતા અને ફરાર થઈ ગયો હતો.

આરોપી પૂજારી ગોવર્ધનના દસવીસાનો રહેવાસી છે. છેતરપિંડી કરતી વખતે તેણે મંદિરના પૈસા બેંકમાં જમા કરાવ્યા ન હતા અને તમામ પૈસા લઈને ભાગી ગયો હતો. ત્યારથી તેનો ફોન સ્વીચ ઓફ આવે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીના ઘરેથી ૭૧ લાખ ૯૨ હજાર રૂપિયા રિકવર કર્યા છે. આ નોટો બોરીઓમાં ભરીને રાખવામાં આવી હતી. આ સાથે બાકીની રકમની શોધ ચાલી રહી છે.

આ સમગ્ર મામલાને લઈને એસપીએ જણાવ્યું હતું કે, આરોપીને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની પત્નીએ પોલીસને જાણ કરી હતી અને ઘરમાંથી ૭૨ લાખ રૂપિયા મળી આવ્યા છે. હાલ આરોપી ફરાર છે. બાકીના પૈસાની તપાસ ચાલી રહી છે, ટૂંક સમયમાં બાકીના પૈસાની વસૂલાત માટે જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, તે કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.

આ પણ વાંચો: ભાવનગરમાં આધેડે કુળદેવી સમક્ષ અગ્નિસ્નાન કરીને આત્મહત્યા કરી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.