જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!

ચૂંટણીનો માહોલ બરાબરનો જામેલો છે ત્યારે અહીં એક એવા દલિત નેતાના જીવનની વાત કરવી છે, જેણે નાનપણમાં માતા અને બહેનને નજર સામે સળગતા જોયા હતા.

જ્યારે 7 વર્ષના એ બાળક સામે તેના પરિવારને જીવતો સળગાવી દેવાયો!
Photo By Google Images

7 વર્ષના બાળકની નજર સામે જ એના પરિવારને જીવતો સળગાવી દેવામાં આવ્યો હોય એ આઘાતમાંથી બહાર નીકળવું એના માટે કેવું કપરું રહ્યું હશે? જે બાળક નાનપણમાં આટલા મોટા ભાવનાત્મક આઘાતમાંથી પસાર થયું હોય તે તેના જીવનમાં આવનારી સમસ્યાઓથી કેવી રીતે ડરે? હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલની ચર્ચા દેશભરમાં થઈ રહી છે ત્યારે એક એવા દલિત નેતાની અહીં વાત કરવી છે, જે બાળપણમાં એક એવી ઘટનામાંથી પસાર થયા હતા જેમાંથી બહાર આવીને સામાન્ય જીવવું કોઈપણ માણસ માટે અઘરું થઈ જાય.

આ વાત છે મલ્લિકાર્જુન ખડગેની. તેઓ હાલ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ છે. પાર્ટીની કમાન એવા સમયે ખડગેના હાથમાં આવી છે જ્યારે દરેક મોરચે પડકાર અને સંઘર્ષ છે. જો કે ખડગે માટે આ નવી વાત નથી, કારણ કે બાળપણમાં તેઓ જે પરિસ્થિતિમાંથી પસાર થયા છે તેની સામે વર્તમાન રાજકીય સંઘર્ષ ચણામમરાં પણ ન કહેવાય. આજે આ દિગ્ગજ દલિત નેતાએ બાળપણમાં કરેલા સંઘર્ષ વિશે વાત કરવી છે.

જાતિવાદથી ગ્રસ્ત ભારતના રાજકારણમાં દલિતો માટે ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ જેવી પરિસ્થિતિ છે ત્યારે એક દલિત નેતા દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના અધ્યક્ષ બને તે વાત ચર્ચાનો વિષય ચોક્કસ બને છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પહેલા બિન-ગાંધી અધ્યક્ષ છે. આ દલિત નેતાએ રાજકારણી તરીકે તો ઘણી તડકી-છાંયડી જોઈ જ છે, પરંતુ તેમના જીવનનો સંઘર્ષ તો તેનાથી પણ ઘણો કપરો અને લાંબો રહ્યો છે. જીવનમાં તેમનો સંઘર્ષ નાનપણમાં ત્યારે શરૂ થઈ ગયો જ્યારે તેમની નજર સામે જ તેમની માતા અને બહેનને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા અને તેઓ કશું કરી શક્યાં નહોતા. વર્ષ 1948ની આ ઘટનાનો ખુલાસો આજદિન સુધી થયો નથી. કહેવાય છે કે હૈદરાબાદના નિઝામના સૈનિકોએ તેમનું ઘર સળગાવી દીધું હતું.

ખડગેનો જન્મ વર્ષ 1942માં કર્ણાટકના બિદર જિલ્લાના નાનકડા ગામ વરાવટ્ટીમાં એક દલિત પરિવારમાં થયો હતો. એકવાર મીડિયા સાથે વાત કરતી વખતે, મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેએ પિતા સાથે બાળપણમાં ઘટેલી આ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને તેમના પિતા અને દાદા એ ઘટનામાં કેવી રીતે બચી ગયા હતા તે પણ જણાવ્યું હતું. આ ઘટનામાં મલ્લિકાર્જુન ખડગેનાં માતા અને બહેનનું મોત થયું હતું. નજર સામે જ સગી જનેતા અને બહેનને સળગીને મોતને ભેટતી જોયા પછી કોઈપણ માણસ જીવન જીવવાની હામ હારી બેસે. જો કે મલ્લિકાર્જુન ખડગે નોખી માટીના બાળક નીકળ્યાં અને તેઓ આટલા મોટા આઘાતને પણ સાવ કુમળી ઉંમરે પચાવીને જીવનમાં આગળ વધી શક્યાં.

પ્રિયાંક ખડગે કહે છે: 'એ અકસ્માત પછી મારા દાદાએ તેમના ભાઈને મળવાનું નક્કી કર્યું હતું, જેઓ પૂણેમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. મારા દાદા અને પિતાજીએ ત્યાં પહોંચવા માટે બળદગાડામાં એક અઠવાડિયું મુસાફરી કરી હતી. તેમને મળ્યા પછી બંને ગુલબર્ગ ગયા અને નવેસરથી જીવન શરૂ કર્યું હતું.'

પ્રિયાંક ખડગેએ જણાવ્યું હતું કે 'થોડા સમય પછી મારા પિતાને એક ટેક્સટાઇલ મિલમાં નોકરી મળી ગઈ હતી. એ નોકરીની સાથે જ તેમણે પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો હતો. કોલેજમાંથી બીએ કર્યા બાદ તેમણે ગુલબર્ગ લો કોલેજમાંથી વકીલાતની ડિગ્રી મેળવી હતી. છેક નાનપણથી શરૂ થયેલો સંઘર્ષ આજે તેમને ભારે કામમાં આવી રહ્યો છે. હવે તેઓ નાનીમોટા પડકારોથી ગભરાતા નથી.”
એક બાજુ કોંગ્રેસ પક્ષ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે, બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેનું રાજકીય કદ પણ સતત વધતું જઈ રહ્યું છે. હાલ રાજકીય વર્તુળોમાં એ સ્પષ્ટ ચર્ચા છે કે ઈન્ડિયા ગઠબંધનમાં જ્યાં વડાપ્રધાન પદના ઉમેદવારને લઈને રાહુલ ગાંધી, શરદ પવાર, નીતિશકુમાર, મમતા બેનરજી સહિતના એકેય નેતાને લઈને સહમતિ નથી બંધાઈ રહી ત્યારે, એક ચોક્કસ વર્ગ એવું માની રહ્યો છે કે, આ જોડાણને ટકાવીને રાખી શકે તેવો એકમાત્ર સર્વસ્વીકૃત ચહેરો મલ્લિકાર્જુન ખડગે છે. નીતિશકુમારથી લઈને મમતા બેનરજી, શરદ પવાર સહિતના નેતાઓને એક છત્રછાયા નીચે લાવવામાં ખડગેનો મોટો ફાળો રહેલો છે. એવામાં જો ભવિષ્યમાં ઈન્ડિયા ગઠબંધન તરફી સત્તાના સમીકરણો બંધ બેસે છે તો વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મલ્લિકાર્જુન ખડગે સૌથી આગળ હશે. જોવાનું એ રહે છે કે ભાવિ તેમને કઈ દિશામાં દોરી જાય છે. કેમ કે, બાબુ જગજીવન રામનો દાખલો પણ કોંગ્રેસનો જ છે, જેમને વડાપ્રધાન બનતા રોકવા માટે કોંગ્રેસના સવર્ણ નેતાઓએ તમામ રાજકીય કાવાદાવાઓ અજમાવી જોયા હતા.

મલ્લિકાર્જુન ખડગે રાજકારણમાં જોડાતા પહેલા એક વ્યાવસાયિક વકીલ હતા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી પણ છે. ખડગે કલાબુર્ગીમાં બુદ્ધ વિહાર સંકુલમાં સિદ્ધાર્થ વિહાર ટ્રસ્ટના સ્થાપક છે. 3 મે, 1968ના રોજ તેમણે રાધાબાઈ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રી અને ત્રણ પુત્રો છે.

આગળ વાંચોઃ શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.